ટ્રમ્પ વિરૂદ્ધ ચૂંટણી પરિણામોને પલટાવવા સંબંધિત કેસ નહીં ચાલે
વોશિંગ્ટન: અમેરિકાની સુપ્રીમ
કોર્ટે સોમવારે ટ્રમ્પના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે
ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન લેવામાં આવેલા ઘણા નિર્ણયો પર કાનૂની કાર્યવાહી કરી
શકાય નહીં. ટ્રમ્પ પર આરોપ હતો કે તેઓ યુએસ પ્રમુખ હતા ત્યારે નવેમ્બર 2020ની ચૂંટણીના પરિણામોને
પલટાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ અંગે તેમની સામે
કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આની સામે ટ્રમ્પે વોશિંગ્ટનની નીચલી અદાલતમાં અપીલ
કરી હતી કે તેમની સામે ફોજદારી કેસ દાખલ કરવામાં ન આવે, કારણ કે તેમને પૂર્વ
રાષ્ટ્રપતિ તરીકે છૂટ આપવામાં આવે. આ અપીલ નીચલી અદાલતે ફગાવી દીધી હતી. જો કે હવે સુપ્રીમ
કોર્ટે વોશિંગ્ટનની નીચલી કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે. અમેરિકાના ઈતિહાસમાં આ
પહેલીવાર છે જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સત્તામાં હોય ત્યારે પૂર્વ
રાષ્ટ્રપતિએ કરેલા કામો બદલ તેના વિરુદ્ધ ફોજદારી કેસ શરૂ કરી શકાય નહીં.
ચૂંટણીના નિર્ણયને
પલટાવવાની બાબતને 3 મુદ્દામાં સમજો...
1. અમેરિકામાં 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ એટલે કે યુએસ સંસદમાં ટ્રમ્પના સમર્થકો દ્વારા હિંસા થઈ
હતી. 3 નવેમ્બર, 2020ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાનમાં બાઇડનને 306 અને ટ્રમ્પને 232 ઇલેક્ટોરલ વોટ મળ્યા
હતા. પરિણામો સામે આવતાની સાથે જ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ ચૂંટણીમાં ગોલમાલના
આરોપો લગાવ્યા હતા.
2. મતદાનના 64 દિવસ પછી જ્યારે યુએસ
સંસદ બાઇડનની જીતની પુષ્ટિ કરવામાં વ્યસ્ત હતી, ત્યારે ટ્રમ્પના
સમર્થકો સંસદમાં પ્રવેશ્યા. તોડફોડ અને હિંસા થઈ હતી. જેમાં એક પોલીસ અધિકારી સહિત
5 લોકોના મોત થયા હતા. હિંસા બાદ ટ્રમ્પ પર તેમના સમર્થકોને ઉશ્કેરવાનો આરોપ
લાગ્યો હતો.
3. કેસની તપાસ 18 મહિના સુધી ચાલી. ગયા
વર્ષે ડિસેમ્બરમાં તપાસ સમિતિએ 845 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. આમાં ટ્રમ્પને દોષી
ઠેરવવામાં આવ્યા હતા. તેમની સામે ફોજદારી કેસની ભલામણ કરવામાં આવી હતી. આ માટે 1000 પ્રત્યક્ષદર્શીઓના
નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ સિવાય 940થી વધુ લોકો પર આરોપો
પણ લગાવવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 500 લોકોએ પોતાનો ગુનો
કબૂલી લીધો છે.