• Home
  • News
  • કબ્રસ્તાનમાં જેસીબી મશીનથી ખોદવી પડી રહી છે કબર, પહેલા 6 ફૂટ હવે 10 ફૂટ ઊંડી દફનાવાય છે કોરોનાની બોડી
post

‘અમે 4 જણા છીએ, 3 મહિનાથી ઘરે ગયા નથી’

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 11:56:33

સુરત: કોરોના કાળમાં કોવિડ ગાઇડલાઇન મુજબ અત્યાર સુધી 1300થી વધુ લોકોનો અંતિમ સંસ્કાર-દફનવિધિ થઈ ગઈ છે ત્યારે સ્મશાનની જેમ કબ્રસ્તાનમાં પણ દફનવિધિમાં વધારો થયો છે. જે લોકો કબર ખોદવાનું કામ કરી રહ્યા છે તેમના જ શબ્દોમાં સમગ્ર સ્થિતિ જાણીએ તો પરિસ્થિતિ કેટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે તેનો અંદાજો તમને આવી જશે. મોરાભાગળ ખાતેના કબ્રસ્તાનમાં કબર ખોદવાનું કામ કરતા ઇબ્રાહિમભાઈનો અનુભવ વાંચો એમના જ શબ્દોમાં...

4 મહિનામાં કોરોના શંકાસ્પદ 250 બોડીની દફનવિધિ કરાઇ
એક સમય હતો જ્યારે અમે આખો દિવસ બેસી રહેતા હતા, કોઈ બોડી આવતી નહોતી. કોવિડ પહેલાની આ વાત છે, અને હવે જાણે શ્વાસ લેવાનો સમય નથી. એક કબર ખોદતા અમને ચારથી પાંચ કલાક જેટલો સમય લાગી જતો હતો. એક સાથે 4થી 5 અને કોઇવાર તો તેનાથી પણ વધુ બોડી આવી જતાં સમયસર કબર ખોદવી મુશ્કેલ બનતી હતી. એટલે જેસીબીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. કોરોનાની ભયાવહ સ્થતિને જોઇન જ અમારે ખાડો ખોદવામાં કેટલાંક ફેરફાર કરવા પડ્યા છે પહેલાં છ ફૂટ જેટલી ઉંડાઇની કબર ખોદતા હતા, હવે વાયરસ હોય અને ત્યાં બીજી કોઈ કબર ખોદવા ન આવે એ માટે 10 ફૂટની ઊંડાઈ રાખીએ છીએ. ઉપરાંત મોરાભાગળ મજાર નં.8 કબ્રસ્તાન 1100 વર્ષ જૂનુ છે અને આ 1100 વર્ષમાં જે જગ્યાનો અત્યાર સુધી ઉપયોગ કરાયો નહતો,કબ્રસ્તાનની એ જગ્યા હવે કોરોનાની બોડીની દફનવિધિ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે.

કબ્રસ્તાનમાં જ અમારી ખોલી છે ત્યાં રાત્રિ સુઈ જઇએ છીએ
અમને કોરોનાથી સીધો ખતરો કંઇ નથી પરંતુ જ્યારે એકતા ટ્રસ્ટની ટીમ આવે અને તેમની પાસે માણસો વધુ ન હોય તો એવા કેસમાં અમે પણ પીપીઈ કીટ પહેરીને દફનવિધિમાં જોડાઈએ છીએ. તમે માનશો નહીં પરંતુ અમે અહીં 4 જણાં છીએ, પરંતુ એકેય જણ એપ્રિલ મહિનાથી આજદિન સુધી ઘરે ગયા નથી. જમવાનું કબ્રસ્તાનમાં આવી જાય છે. ફેમિલીનો કોઈ મેમ્બર આવે ત્યારે રૂબરૂ વાત, તો બાળકો અને પત્ની સાથે ફોન પર જ વાત કરી લઇએ છીએ, કબ્રસ્તાનમાં જ અમારી ખોલી છે ત્યાં રાત્રિ સુઈ જઇએ છીએ. અહીં અમારી એક અલગ દુનિયા છે, બહારના લોકોના સંપર્કમાં અમે આવતા નથી, પરંતુ કોરોનાની મહામારી વિશેના સમાચાર જરૂર આવી જાય છે. ત્યારે અમને લાગે છે કે જેમ કબર ખોદવા માટે ત્રિકમ જમીન પર પ્રહાર કરે છે તેમ હાલ કોરોના માનવજાતિ પર કરી રહ્યો છે. એવુ લાગે છે કે હાલ કબ્રસ્તાનમાં જે છે એ સૌથી વધુ સેઇફ છે. કેમકે અહીંયા કોઈની અવરજવર જ નથી. (રિપોર્ટર સલીમ શેખ સાથે થયેલી વાતચીતના આધારે)

પહેલા બેસી રહેતા હતા, એકપણ બોડી આવતી નહોતી
મોરાભાગળ ખાતેના કબ્રસ્તાનમાં કબર ખોદવાનું કામ કરતા ઇબ્રાહિમભાઈ કહે છે, એક દિવસ હતો જ્યારે આખો દિવસ બેસી રહેતા હતા. કોરોના આવ્યા બાદ શ્વાસ લેવાનો પણ સમય મળતો નથી.

દફનવિધિની ટકાવારી 22 ટકા
એકતા ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇન મુજબ અત્યાર સુધીમાં એક હજારથી વધુની અંતિમવિધિ કરવામાં આવી છે. જેમાં કબ્રસ્તાનમાં જતી કોરોના બોડીની ટકાવારી 20થી 22 ટકા છે. એટલે એક અંદાજ મુજબ, 230થી 250 જેટલી કોરોના બોડીની દફનવિધિ થઈ છે. - હાજી ચાંદીવાલા, સભ્ય, એકતા ટ્રસ્ટ

 

adv

Related News

post
post
post
post
post
post
post