• Home
  • News
  • વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઉદઘાટન 24મીએ, પણ તેમાં પહેલી મેચ એક વર્ષ પછી રમાશે
post

1.10 લાખ પ્રેક્ષકોની ક્ષમતાવાળા મોટેરા સ્ટેડિયમમાં 2021માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ 1લી મેચ હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 10:42:15

વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'મોટેરા'નું ઓપનિંગ 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. નવનિર્મિત સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર છે. અગાઉ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ 92 હજારની બેઠક ક્ષમતા સાથે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ હતું. બેઠક ક્ષમતા ઉપરાંત સ્ટેડિયમની અલગ અલગ ફેસિલિટી જેમ કે- 360 ડિગ્રી બેઠક વ્યવસ્થા, ભારતમાં પ્રથમ વખત LED લાઇટ્સનો ઉપયોગ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે. સ્ટેડિયમના ફિચર્સ વિશે તો બધા જાણે છે. પરંતુ રસપ્રદ વાત એ છે આવા વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમમાં પહેલી મેચ ઉદઘાટન થયાના છેક એક વર્ષ પછી રમાશે.

આવતા વર્ષે ઇંગ્લેન્ડ સામે ડે-નાઈટ ટેસ્ટ રમાશે
નવા સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા પહેલી મેચ આવતા વર્ષે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. ઇંગ્લેન્ડ ભારતના પ્રવાસે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં 5 ટેસ્ટની સીરિઝ રમવા આવશે. મોટેરા ખાતે સીરિઝની બીજી મેચ રમાશે, જે ડે-નાઈટ ટેસ્ટ હશે. આ નિર્ણય BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે રવિવારે દિલ્હી ખાતે BCCI અપેક્ષ કાઉન્સિલની બેઠકમાં લીધો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલાની છેલ્લી સીરિઝ અને ભારતમાં માત્ર બીજી ડે-નાઈટ ટેસ્ટ હોવાથી મેચનું મહત્ત્વ વધારે રહેશે.

છેલ્લે નવેમ્બર 2014માં મેચ રમાઈ હતી
મોટેરાએ છેલ્લે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નવેમ્બર 2014માં હોસ્ટ કરી હતી. ત્યારે ભારતે શ્રીલંકાને 275 રન ચેઝ કરતા 6 વિકેટે હરાવ્યું હતું. અંબાતી રાયુડુએ 121 અને શિખર ધવને 79 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ 50 હજારની બેઠક ક્ષમતા ધરાવતા મોટેરાને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવા માટે જુના સ્ટેડિયમને ડિમોલીશ કરવામાં આવ્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post