• Home
  • News
  • ​​​​​​​...તો આજે સંસદસભ્યનું પદ જળવાઈ રહ્યું હોત!:માનહાનિ કેસમાં કોર્ટ સમક્ષ માફી માંગવા નેતાઓનો આગ્રહ હોવા છતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો
post

રાહુલ ગાંધીના જામીનદાર તરીકે અને સુરત શહેરના પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું કે, માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સમક્ષ જો માફી માંગી લીધી હોત તો તેઓ સજાથી બચી શક્યા હોત

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 20:04:20

સુરત: માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ રાહુલનું સાંસદસભ્ય પદ રદ થઈ ગયું છે. આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસમાં જબરજસ્ત ઉકળાટ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીને કોંગ્રેસના નેતાઓ દ્વારા કેટલીક બાબતોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો.

સજા થયા બાદ રાજકારણ ગરમાયું
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં મોદી અટક લઈને રાહુલ ગાંધીએ એક સભામાં નિવેદન આપ્યું હતું. જેને લઈને સુરતમાં ભાજપના ધારાસભ્યના પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. અંદાજિત 4 વર્ષ ચાલેલા આ કેસમાં સુરતની કોર્ટે 23 માર્ચના રોજ ચુકાદો આપ્યો હતો. જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, રાહુલ ગાંધીને તે સમયે જામીન પણ મળી ગયા હતા. સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારતા રાહુલ ગાંધીનું સાંસદસભ્ય પદ રદ પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ દેશમાં રાજકારણ ગરમાયું છે.

કોંગ્રેસના નેતાઓએ માફી માગવા સૂચન કર્યું
સુરત એરપોર્ટ ઉપર રાહુલ ગાંધી પહોંચ્યા બાદ તેઓ કોર્ટ તરફ આવી રહ્યા હતા. તે સમય દરમિયાન પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને માનહાનિ કેસમાં માફી માંગી લેવા માટે સૂચન કર્યું હતું. જો કે, રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ માફી માંગી લીધી હોત તો કદાચ તેમને બે વર્ષની સજા કોર્ટ દ્વારા થઈ ન હોત અને સાંસદ તરીકેનું સભ્યપદ રદ થવાથી બચી શક્યા હોત.

દેશની સંપત્તિને લૂંટનારાઓની સામે હું લડતો રહીશ
રાહુલ ગાંધીના જામીનદાર તરીકે અને સુરત શહેરના પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું કે, માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સમક્ષ જો માફી માંગી લીધી હોત તો તેઓ સજાથી બચી શક્યા હોત. પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું દેશની સંપત્તિ લૂંટનારાઓ સામે કોઈ કાળે ઝૂકવાનો નથી. લલિત મોદી અને નીરવ મોદીએ જે પ્રકારે દેશમાં લૂંટ ચલાવી છે. તેની સામે હું આવાજ ઉઠાવતો રહીશ. મારું સાંસદ તરીકેનું સભ્યપદ પણ રદ થઈ જશે તો પણ હું લડતો રહીશ.



કર્ણાટકમાં રાહુલે નિવેદન આપ્યું હતું
કર્ણાટકના કોલાર ગામમાં 13 એપ્રિલ 2019ના દિવસે સાંસદ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીસભામાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમના વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુનાવણીઓ થઈ અને આજે સુરતની અદાલતે માનહાનિ કેસમાં ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની અદાલતે આજે ચુકાદો આપતા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કલમ 499 અને 500 મુજબ તેમને બે વર્ષની સજા સંભળાવામાં આવી હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલતે તે મંજૂર કર્યા હતા.

સમાજ માટે નિવેદન યોગ્ય નથી
કોઈપણ રાજકીય આગેવાન હોય તેમણે કોઈપણ સમાજ માટે નિવેદન આપવું ન જોઈએ એમ ઉમેરતાં પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમારા સમાજમાં પણ રોષ હતો. રાહુલ ગાંધીએ બે-પાંચ લોકોને ટાર્ગેટ કરવાની જગ્યાએ અમારા આખા સમાજ પર નિશાન સાધ્યું હતું. એટલે અમે કેસ કર્યો હતો. હા ચોક્કસ અમે રાજકીય પક્ષની રીતે અલગ અલગ પક્ષમાં છીએ, પરંતુ આ કોઈ રાજકીય રીતે કેસ નથી કરાયો. આ સામાજિક પ્રશ્ન હોવાથી કેસ કર્યો હતો. આમાં કોઈ રાજકીય લાભ લેવાની વાત નથી.

દેશમાં અન્ય જગ્યાએ પણ કેસ થયા છે
રાહુલ ગાંધી સામે દેશમાં અન્ય જગ્યાએ પણ માનહાનિના કેસ થયા હોવાનું કહેતાં પૂર્ણેશ મોદીએ કહ્યું કે હા, એ બાબત અમારા ધ્યાનમાં આવી છે. આ ચુકાદાથી અમને પણ આશા છે કે ત્યાં પણ આવકારદાયક ચુકાદા આવશે.

કોણ છે પૂર્ણેશ મોદી
પૂર્ણેશ મોદી ભારતીય જનતા પક્ષના સિનિયર નેતા છે, સાથે જ બે ટર્મથી તેઓ સુરતના ધારાસભ્ય પણ છે. અગાઉ તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સાથે મોઢ સમાજમાં તેઓ વિવિધ હોદ્દાઓ પર પણ ફરજ નિભાવે છે. સંઘ સાથે સંકળાયેલા પૂર્ણેશ મોદી દિલ્હીના નેતાઓ સાથે નિકટનો સંબંધ ધરાવતા હોવાનું પણ ઘણી વખત સામે આવી ચૂક્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post