• Home
  • News
  • ત્રીજો વિકલ્પ:ઓવૈસીની AIMIM પાર્ટીનો ગુજરાતમાં સત્તાવાર પ્રવેશ, પતંગના નિશાનથી આવનારી મ્યુનિ. સહિતની રાજ્યની તમામ ચૂંટણીમાં ઝંપલાવશે
post

ઓવૈસી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીઓમાં સભાઓ ગજાવશે, ઓછામાં ઓછા 15 વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 14:29:00

ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીને (AIMIM) સત્તાવાર રીતે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી AIMIM આવનારી અમદાવાદ મ્યુનિ. સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઊભા રાખશે. AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 19મીના રોજ ટ્વીટ કરીને ઓવૈસી કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની નિમણૂક કરી ચૂક્યા છે. હવે રાજ્યમાં ઓવૈસીની પાર્ટી AIMIMના સત્તાવાર પ્રવેશ સાથે એ પણ જાહેરાત કરાઈ છે કે મ્યુનિ. ચૂંટણી પહેલાં ઓવૈસી પ્રચાર માટે અમદાવાદ આવશે અને સભાઓ ગજવશે. AIMIM રાજ્યમાં છોટુ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. આ સાથે ગુજરાતના રાજકારણમાં ત્રીજો વિકલ્પ આપવાનો AIMIM દ્વારા મક્કમ નિર્ધાર વ્યક્ત કરાયો છે.

ગુજરાતની જનતાને મજબૂત નેતૃત્વ અને વિકલ્પની જરૂર
આ અંગે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકારે મુસ્લિમ,દલિત,આદિવાસી,ગરીબ અને પછાત વિસ્તારોના વિકાસની ગંભીર અવગણના કરી છે, જેના કારણે હજી પણ લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં નિષ્ફળ રહી હતી. એ ઉપરાંત વિરોધપક્ષમાં પણ રહીને કોંગ્રેસ જનતાના મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. વર્તમાન સ્થિતિને જોતાં ગુજરાતની જનતાને મજબૂત નેતૃત્વ અને વિકલ્પની જરૂર છે.

ઓવૈસી અમદાવાદ અને ભરૂચમાં સભાઓ કરશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી AIMIM પાર્ટી આગામી સમયમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 15 વોર્ડ પર તો ભરૂચમાં ધારાસભ્ય છોટુ વસાવાની BTP પાર્ટી સાથે ગઠબંધનમાં સીટ શેરિંગને ધોરણે ચૂંટણીઓમાં ઝંપલાવશે. આ સાથે પાર્ટીના ચીફ ઓવૈસી પણ અમદાવાદ અને ભરૂચમાં સભાઓ કરશે એવી શક્યતાઓ છે.


આજે મેમ્બરશિપ ડ્રાઈવ અંતર્ગત ફોનનંબર જાહેર કર્યો
પાર્ટીના સ્ટેટ જનરલ સેક્રેટરી હમિદભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે અમે આજે મેમ્બરશિપ ડ્રાઈવ અંતર્ગત ફોન નંબર જાહેર કર્યો છે તેમજ ચૂંટણી પૂર્ણ થયા બાદ સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવશે. હાલ અમારું ધ્યાન અમદાવાદ અને ભરૂચમાં યોજાનારી ચૂંટણીઓ પર છે, જે અંતર્ગત અમારી પાર્ટી વતી ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોના બાયોડેટા જોયા બાદ તેમની સાથે વ્યક્તિગત મુલાકાતો યોજવામાં આવી છે. આ ચૂંટણીઓમાં અમે સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ માટે કટિબદ્ધતા સાથે જનતાની વચ્ચે જઈશું.

adv

Related News

post
post
post
post
post
post
post