• Home
  • News
  • કોહલીની કારકિર્દીનો આ પણ એક રેકોર્ડ:ફરી નિષ્ફળ રહ્યો વિરાટ કોહલી, શૂન્ય પર આઉટ થયા બાદ શરમજનક રેકોર્ડ બનાવ્યો, ધોનીની બરોબરી કરી
post

કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ 13 વાર શૂન્ય રને આઉટ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 13:15:31

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચાલી રહેલી અંતિમ ટેસ્ટમાં શૂન્ય રને આઉટ થયો. આ તેની ટેસ્ટ કેરિયરમાં બીજી વખત છે, જ્યારે એક જ સીરીઝમાં 2 વખત શૂન્ય પર આઉટ થયો છે. આ પહેલાં 2014માં પણ તે એક સીરીઝમાં 2 વખત શૂન્ય રને આઉટ થયો હતો. તો કેપ્ટન તરીકે વિરાટ 8મી વખત ઝીરો પર આઉટ થયો છે. આ મામલામાં તેને મહેન્દ્ર સિંહ ધોનીની બરોબરી કરી લીધી છે.

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમા રમાતી ચોથી ટેસ્ટના બીજા દિવસે વિરાટ ખાતું ખોલાવ્યા વિના પવેલિયન પરત ફર્યો. પુજારાના આઉટ થયા બાદ વિરાટ બેટિંગ માટે આવ્યો હતો. તેણે માત્ર આઠ જ બોલ રમ્યા અને બેન સ્ટોક્સની બોલિંગમાં ફોક્સના હાથે કેચ આઉટ થયો હતો. શૂન્ય રને આઉટ થવાની સાથેજ કોહલીએ એક શરમજનક રેકોર્ડને પણ પોતાના નામે કર્યો હતો.

કોહલી વિરૂદ્ધ સ્ટોક્સને રેકોર્ડ સારો
ઈંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તેને આ ટેસ્ટમાં વિકેટકીપર બેન ફોક્સના હાથે કેચ આઉટ કરાવ્યો છે. આ સીરીઝની બીજી ટેસ્ટમાં મોઈન અલી પણ તેને શિકાર બનાવી ચુક્યા છે. આ પહેલાં 2014માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધની સીરીઝમાં વિરાટે 2 ટેસ્ટમાં લિયામ પ્લંકેટ અને જેમ્સ એન્ડરસને આઉટ કર્યો હતો.

સ્ટોક્સે ટેસ્ટ કેરિયરમાં સૌથી વધુ વખત વિરાટને જ આઉટ કર્યો છે. તે વિરાટને અત્યાર સુધીમાં 5 વખત આઉટ કરી ચુક્યો છે. તો સ્ટોક્સે ઓસ્ટ્રેલિયાના માઈકલ કલાર્કને 4 વખત આઉટ કર્યો છે.

કોહલી 8મી વખત ઝીરો પર આઉટ, ધોનીની બરોબરી કરી
વિરાટની જેમ ધોની પણ કેપ્ટન તરીકે ટેસ્ટમાં 8 વખત ઝીરો પર આઉટ થયો છે. આગામી વખત શૂન્ય પર આઉટ થતાં જ વિરાટ સૌથી વધુ ઝીરો પર આઉટ થનારો ભારતીય બેટ્સમેન બની જશે. સાથે જ તે વર્લ્ડ લેવલ પર ત્રીજા નંબરે પહોંચી જશે. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ (13 વખત) ટોપ પર છે. બીજા નંબરે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ (10 વખત) છે.

ભારતના 203 બેટ્સમેન 996 વખત ઝીરો પર આઉટ થયા
ટેસ્ટ ક્રિકેટમાં ભારતના 87 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 996 વખત બેટ્સમેન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા છે. માત્ર ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન જ સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થયા છે. સૌથી વધુ ઝીરો ઈંગ્લેન્ડના બેટ્સમેનના નામે છે. ઈંગ્લેન્ડના 469 બેટ્સમેન કુલ 1824 વખત ઝીરો પર આઉટ થયા છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા તરફથી 460 બેટ્સમેન 1469 વખત ઝીરો પર આઉટ થયા છે. વેસ્ટઈન્ડિઝ ત્રીજા સ્થાને છે. કેરેબિયન ટીમના 325 બેટ્સમેન 1131 વખત ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા છે. જે બાદ ભારતનો નંબર આવે છે. ભારતના 203 બેટ્સમેન કુલ મળીને 996 વખત ઝીરો પર આઉટ થયા છે.

કોહલીને સદીની રાહ
વિરાટ કોહલીએ નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડન્સમાં છેલ્લી સદી ફટકારી હતી. ત્યાર પછી આંતરરાષ્ટ્રી ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં તેણે સદી ફટકારી નથી.

વિરાટની છેલ્લી સદી પછી દુનિયામાં 117 સેન્ચુરી લાગી
વિરાટે પોતાની અંતિમ ઇન્ટરનેશનલ સદી 23 નવેમ્બર 2019ના રોજ મારી હતી. તે પછી અત્યાર સુધીમાં દુનિયાભરના 117 બેટ્સમેનોએ સદી મારી છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લબુશેને સૌથી વધુ 5 સેન્ચુરી મારી છે. બાબર આઝમ, જો રૂટ, સ્ટીવ સ્મિથ, પોલ સ્ટર્લિંગ અને કેન વિલિયમ્સને 4-4 સદી મારી છે. ભારતનો રોહિત શર્મા 3 સદી ફટકારી ચૂક્યો છે. આ દરમિયાન અન્ય ભારતીય બેટ્સમેનોમાં લોકેશ રાહુલે 2 અને રવિચંદ્રન અશ્વિન, અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયરે 1-1 સદી મારી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post