• Home
  • News
  • POKથી 1 લાખ લોકોની LOC તરફ કૂચ, 8 કિમી દૂર અટકાવાઈ
post

POKથી 1 લાખ લોકોની LOC તરફ કૂચ, 8 કિમી દૂર અટકાવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-07 12:44:45

ઈસ્લામાબાદ: પાક. કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)થી રવિવારે મોટી સંખ્યામાં પાક. સમર્થક લોકોએ એલઓસી તરફ આવવા કૂચ કરી હતી. જોકે પાક. પોલીસે તેમને 7થી 8 કિલોમીટર દૂર જ અટકાવી દીધા હતા. મીડિયાના અહેવાલ મુજબ 1 લાખ લોકો ભેગા થયા છે. મોટા ભાગના યુવાનો છે જે પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદથી શનિવારે ગઢીદુપટ્ટા આવી ગયા હતા. રાત્રે ત્યાં રોકાયા પછી રવિવારે સવારે મુજફ્ફરાબાદ-શ્રીનગર હાઈવે પર એલઓસી તરફ વધી રહ્યાં હતા. જેમને પીઓકેના ચકોઠી પહેલા અંકુશ રેખાથી 7-8 કિલોમીટર અંતરે જિસ્કૂલમાં રોકી દેવાયા છે. પોલીસે હાઈવે પર કન્ટેનર અને કાંટાળી વાડથી રસ્તો રોકી દીધો છે. કેટલાક યુવકોએ પહાડ પર ચઢી આગળ જવાની કોશિશ કરી હતી. ચકોઠી અંકુશ રેખાથી ત્રણ કિલોમીટર અંતરે પીઓકેમાં છે. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)એ કલમ 370 હટાવવાની વિરુદ્ધમાં આ માર્ચનું આહવાન કર્યું હતું. કહેવાય છે કે આ આંદોલન પાછળ પાક. સરકારનો હાથ છે. જો કે ઇમરાન ખાને અંકુશ રેખા તરફ નહીં વધવા ચેતવણી આપી છે. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ અમેરિકન સેનેટર ક્રિસ વાન હોલેન સાથે અંકુશ રેખાની બંને તરફની સ્થિતિ જોવાનો આગ્રહ કર્યો છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે શનિવારે રાત્રે એક નિવેદન જારી કરીને કહ્યું કે, હોલેન અમેરિકાના પ્રભારી રાજદૂત પોલ જોન્સ સાથે શનિવારે બપોરે મુલતાન પહોંચ્યા હતા.

પાકિસ્તાન ભલે જમ્મુ-કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની પીઠ થબડાવી રહ્યું છે. પરંતુ તેના જ એક મેગેઝીન ફ્રાઇડે ટાઇમ્સેદાવો કર્યો છે કે યુએનથી પરત થતી વખતે સાઉદીની ક્રાઉન પ્રિન્સે નારાજ થઇ ઇમરાન જે વિમાનમાં સવાર હતા તેને પણ પાછું બોલાવી લીધું હતું. ત્યારે એવું કહેવાયું હતું કે ટેકનિકલ ખામી સર્જાતા વિમાન પરત થયું હતું.

પીઓકેમાં જેકેએલએફની કૂચ વચ્ચે સૈન્યએ પૂરી નિયંત્રણ રેખા પર હાઇ એલર્ટ ઘોષિત કરાયું છે. સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરનારાઓ સામે આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ કાર્યવાહી કરાશે. જો કોઇ સશસ્ત્ર ઘૂસશે તો તેને પકડી લેવાશે અને સશસ્ત્ર ઘૂસણખોરીને કડકાઇ સાથે કચડી દેવાશે. નિયંત્રણ રેખા પર તહેનાત સૈનિકોને ફિલ્ડ કમાન્ડર્સે જણાવ્યું છે કે પાક. પીઓકેના લોકોને ઘેટાં-બકરાની જેમ માનવ ઢાલ તરીકે વાપરી ઉન્માદ ભડકાવવા પ્રયાસ કરી રહ્યું છે. તે લોકોને ઉશ્કેરીને સ્થિતિ સનસનીખેજ બનાવવા પ્રયાસ કરશે. પાક. સૈન્ય 10-12 કિ.મી. દૂરથી ગોળીબાર કરી શકે છે, જેમાં કેટલાક પ્રદર્શનકારીના મોત થઇ શકે. તે માટે પાક. ભારતને દોષિત ઠેરવી યુએનમાં જઇ શકે છે.