આફ્રિકાની 8માંથી 6 વિકેટ ગુજરાતીઓએ ખેડવી
નવી દિલ્લી: ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20
વિશ્વ કપની ફાઇનલમાં ઘણાં ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. શ્વાસ
થંભાવી દેનારી આ ફાઇનલના અંતે ભારતનો 7 રને
શાનદાર વિજય થયો હતો. જ્યારથી ફાઇનલની શરૂઆત થઈ ત્યારથી લઈ અંત સુધીમાં એટલે કે
ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની ત્યાં સુધીમાં ત્રણ ગુજરાતીઓના ખભા પર ફાઇનલ રહી હતી. આ
ત્રણેય ગુજરાતીઓ એટલે જસપ્રીત બૂમરાહ, અક્ષર
પટેલ અને હાર્દિક પંડ્યા. ટીમ ઇન્ડિયાએ 34 રનમાં
ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ અક્ષર પટેલ મેદાનમાં આવ્યો હતો. અક્ષર પટેલે વિરાટ કોહલી
સાથે મળીને ભારતીય દાવને સંભાળ્યો હતો. અક્ષર પટેલે 31
બોલમાં 47 રન કર્યા
હતા. અક્ષરની આ ઇનિંગની સહારે ટીમ ઇન્ડિયા 176ના સ્કોર
સુધી પહોંચવામાં સફળ રહી હતી.
હાર્દિકે ક્લાસેનને પેવેલિયન ભેગો કર્યો
ટીમ ઇન્ડિયાને ફાઇટિંગ ટોટલ સેટ કરવામાં સિંહફાળો આપ્યા
બાદ અક્ષર પટેલે ટ્રિસ્ટન સ્ટ્રબ્સને બોલ્ડ કરી દીધો હતો. હવે બાકીનું કામ અન્ય બે
ગુજરાતી બોલર એવા જસપ્રીત બૂમરાહ અને હાર્દિક પંડ્યાએ કરવાનું હતું. કલાસેનની
ધુંઆધાર બેટિંગને કારણે ફાઇનલ ભારતના હાથમાંથી લગભગ સરકી ગયો હતો. બરાબર આ જ સમયે
હાર્દિક પંડ્યાએ સ્ફોટક બેટિંગ કરી રહેલા કલાસેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
હાર્દિકે 12 રનમાં ત્રણ
વિકેટ ઝડપી હતી.
બુમરાહ ત્રાટક્યોને આફ્રિકા ચોકર્સ જ રહી ગયું
હવે મેચ ભારત તરફ આવી રહી હતી અને એ જ સમયે અમદાવાદી
એવો બૂમ બૂમ બુમરાહ ત્રાટક્યો અને તેણે માર્કો યાન્સનની દાંડી ઉડાવીને પેવેલિયન
ભેગો કરી ટીમ ઇન્ડિયાનું કમબેક કરાવ્યું હતું. જો કે બૂમરાહની 4 ઓવર પૂરી થઈ ગઈ
હોવાથી હવે સઘળો દારોમદાર બરોડિયન બોય હાર્દિક પંડ્યા પર હતો, કારણ કે છેલ્લી
ઓવર માટે બોલ તેમના હાથમાં હતો. છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને 16 રન કરવાના હતા.
પરંતુ હાર્દિકે રબાડાને આઉટ કરતા ભારતની જીત નિશ્ચિત કરી હતી. જસપ્રીત બૂમરાહએ
પોતાની છેલ્લી ઓવરમાં માત્ર 2 રન આપી એક વિકેટ પણ મેળવી હતી.
176 રનમાંથી 52 રન અને 8માંથી 6 વિકેટ ગુજરાતીના નામે
આમ આ ફાઇનલમાં અક્ષર પટેલે 47 રન કરવા સાથે 1 વિકેટ ઝડપી હતી.
જ્યારે હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 કિંમતી વિકેટ અને બૂમરાહે 4 ઓવરમાં 18 જ રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
આમ આફ્રિકાની 8 વિકેટમાંથી 6 વિકેટ આ ત્રણ ગુજરાતીઓએ
જ લીધી હતી. તેની સાથે સાથે અક્ષરના 47 રન અને હાર્દિકના 5 રન ગણીને ટીમ
ઇન્ડિયાના 176 રનમાં 52 રન ગુજરાતીઓના
બેટમાંથી આવ્યા હતા.