• Home
  • News
  • ઠગ ચંદ્રશેખરનો દાવો- સત્યેન્દ્ર જૈનને 10 કરોડ આપ્યા:કહ્યું- આ રૂપિયા મંત્રીને સુરક્ષા માટે આપ્યા હતા; AAPને પણ 50 કરોડ આપ્યા
post

જેલમાં સુરક્ષા અને જરૂરિયાતો મેળવવા દર મહિને 2 કરોડ આપવા પડશે એવું કહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-01 17:59:51

નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ કોનમેન સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મની તરીકે આપ્યા હોવાનો દાવો કર્યો હતો. સુકેશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે.

તેણે એમ પણ કહ્યું હતું કે તે સત્યેન્દ્ર જૈનને 2015થી ઓળખે છે. પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સુકેશે આમ આદમી પાર્ટીને કુલ 50 કરોડ રૂપિયા આપ્યા હતા અને તેના બદલામાં પાર્ટીએ તેને દક્ષિણ ભારતમાં પાર્ટીની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવાનું વચન આપ્યું હતું.

સુકેશે સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા હતા
ચંદ્રશેખરે પત્રમાં એવો પણ દાવો કર્યો હતો કે તેણે સત્યેન્દ્ર જૈન, આમ આદમી પાર્ટી અને જેલના ડીજી સંદીપ ગોયલને ચુકવણી કરી હતી. સીબીઆઈની તપાસ ટીમ દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી અને સીબીઆઈ તપાસ માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. સુકેશે સત્યેન્દ્ર જૈન સામેની ફરિયાદ પાછી ખેંચવા માટે ધાકધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.

પત્રમાં સુકેશે લખ્યું છે કે '2017થી હું દિલ્હીની તિહાર જેલમાં બંધ છું. હું સત્યેન્દ્ર જૈનને 2015થી ઓળખું છું અને મેં આમ આદમી પાર્ટીને 50 કરોડ રૂપિયાથી વધુની રકમ એ વચન પર આપ્યા હતા કે પાર્ટી દક્ષિણમાં મને મોટું પદ આપશે અને રાજ્યસભામાં નોમિનેટ મેળવવામાં પણ મદદ કરશે.

જેલમાં સુરક્ષા માટે દર મહિને બે કરોડ રૂપિયા આપવાનો દાવો
સુકેશે વધુમાં કહ્યું હતું કે જેલમાં સત્યેન્દ્ર જૈન મને મળવા આવતા હતા, તેમણે મને પૂછ્યું કે મેં તેમને આપેલા પૈસા વિશે EDને કંઈ જણાવ્યું છે. 2019માં સત્યેન્દ્ર જૈન મને ફરીથી મળવા આવ્યા. તેના સેક્રેટરીએ મને કહ્યું, જેલમાં સુરક્ષા અને જરૂરિયાતો મેળવવા માટે મારે દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે.

2-3 મહિનાની અંદર જ મારા પણ દબાણ કરીને 10 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ બધી રકમ કોલકાતામાં સત્યેન્દ્ર જૈનની નજીકના ચતુર્વેદી દ્વારા વસૂલવામાં આવી હતી. મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા અને ડીજી જેલ સંદીપ ગોયલને 12.50 કરોડ રૂપિયા આપ્યા છે.

સુકેશના આરોપ- સત્યેન્દ્ર જૈન મને ધમકી આપી રહ્યા છે
સુકેશે કહ્યું, 'ઇડી દ્વારા તાજેતરની તપાસ દરમિયાન મેં જેલ ડીજીને આપવામાં આવેલા રૂપિયા અને જેલ પ્રશાસનના રેકેટ વિશે જણાવ્યું હતું. મેં દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને સીબીઆઈ તપાસની પણ માગ કરી હતી. આ મામલે કોર્ટે નોટિસ જાહેર કરીને આગામી મહિને સુનાવણી કરવાની તારીખ આપી છે. હવે જ્યારે સત્યેન્દ્ર જૈન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે ત્યારે તે મને ડીજી જેલ અને જેલ પ્રશાસન દ્વારા સતત ધમકીઓ આપી રહ્યા છે. આ તમામ લોકો મારા પર ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી રહ્યા છે. મને ડરાવવામાં આવી રહ્યો છે.'

સુકેશે દિલ્હીના એલજીને અપીલ કરી છે કે તેઓ સીબીઆઈને સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલ પ્રશાસન સામે કેસ નોંધવામાં આવે. તેણે કહ્યું હતું કે તે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ તમામ પુરાવા આપવા તૈયાર છે.

તિહાડ જેલમાં જલસાની જિંદગી જીવી રહ્યા છે સત્યેન્દ્ર જૈન
દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં જલસાની જિંદગી જીવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું છે અને કેટલીક તસવીરો આપીને એ અંગે ફરિયાદ કરી હતી. EDએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને તિહાડ જેલમાં ઘણી સુવિધાઓ મળી રહી છે. જેલના સીસીટીવી ફૂટેજમાં તે બેક એન્ડ ફૂટ મસાજ કરાવતા જોવા મળ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post