બગનો ફાયદો ઉઠાવીને હેકર ગમે ત્યારે ટિકટોક એકાઉન્ટ હેક કરી શકે છે
નવી દિલ્હી: ચીનના શોર્ટ વીડિયો એપ ટિકટોક બગની ચપેટમાં આવી ગઈ છે. આ ઘટસ્ફોટ ઈઝરાયલની સાઈબર સિક્યોરિટી ફર્મ ચેક પોઈન્ટે કર્યો છે. ચેક પોઈન્ટે આ સાથે જ યુઝર્સને ચેતવણી આપી છે કે, આ નબળાઈ (બગ)નો ફાયદો ઉઠાવીને હેકર ગમે ત્યારે ટિકટોક એકાઉન્ટ હેક કરી શકે છે. ટિકટોકના એક અબજથી વધુ યુઝર્સ છે, પરંતુ ભારતમાં અત્યંત લોકપ્રિય આ એપના 30 કરોડ યુઝર્સ છે. આ એપની લોકપ્રિયતાનો અંદાજ તેના પરથી આવે છે કે, ટિકટોક વીડિયો બનાવવાના ચક્કરમાં અનેક લોકોએ જાન પણ ગુમાવ્યા છે.
75 ભાષાઓમાં ઉપલબ્ધ આ એપ છેલ્લાં ત્રણ મહિનામાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ પણ છે. ચેક પોઈન્ટના વલ્નરેબિલિટી રિસર્ચ વડા ઓદેદ વનુનુએ કહ્યું કે, સંશોધન દરમિયાન અમને માલુમ પડ્યું કે, ડેટા ચોરીનો રોગ બહુ ઝડપથી વકરી રહ્યો છે. તેમાં સૌથી લોકપ્રિય એપ્સને ખતરો છે.
લીક ડેટાના આધારે ટિકટોક પર રોક સંભવ
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના એડિશનલ સેક્રેટરી ગોપાલ કૃષ્ણન એસ.એ કહ્યુ કે, જો ભારતના યુઝર્સના ડેટા લિક થયા છે, તો સરકાર ટિકટોક પર પ્રતિબંધ મૂકી શકે છે. જ્યારે સાઈબર એક્સપર્ટ પવન દુગ્ગલે કહ્યું કે, આ મામલામાં સરકાર ખાસ કશું ના કરી શકે કારણ કે, આઈટી એક્ટ બે દસકા જૂનો છે. આવી ઘટનાઓને લઈને કાર્યવાહી કરવાની કોઈ ઠોસ સિસ્ટમ જ નથી.