• Home
  • News
  • જોર્ડનમાં ઝેરી ગેસ લીક:12 લોકોનાં મોત, 251 ઘાયલ, લોકોને ઘરમાં રહેવાની અપીલ
post

ક્લોરિન મહદંશે ડિસઈન્ફેક્ટન્ટ અને પાણી શુદ્ધ કરવાના એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-28 12:05:11

જોર્ડનના અકાબા બંદર પર એક ટેન્કરમાંથી ઝેરી ગેસ લીક ​​થતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે અને 251 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, સોમવારે મોડી રાત્રે અકાબા પોર્ટ પર એક ટેન્કર ક્લોરિન ગેસ લઈ જઈ રહ્યું હતું. ક્રેનની નજીક પહોંચતાં જ એમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયાં હતાં. ઘટના બાદ લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.

સરકારની અપીલ - ઘરમાં રહો
અકાબા હેલ્થ ડિપાર્ટમેન્ટના વડા જમાલ ઓબેદિયતે કહ્યું- અમે શહેરના લોકોને આગામી આદેશ સુધી તેમના ઘરમાં રહેવાની અપીલ કરીએ છીએ. જો પ્રોબ્લેમ વધુ હોય તો ઘરના દરવાજા અને બારીઓ સંપૂર્ણપણે બંધ રાખો. અમને લાગે છે કે મૃત્યુઆંક વધશે, કારણ કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.

કર્મચારીઓની ભૂલથી અકસ્માત
અહેવાલો અનુસાર, કર્મચારીઓની ભૂલને કારણે આ અકસ્માત થયો હતો. જ્યારે જહાજમાં સિલિન્ડર લોડ કરવામાં આવી રહ્યું હતું. પછી ખૂબ જોરથી વિસ્ફોટ થયો. આ પછી સિલિન્ડર જમીન પર પડ્યું. ઘટના સમયે આ બંદર પર લગભગ 25 ટન ક્લોરિન ગેસનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

ફિલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવી
માહિતી મંત્રી ફૈઝલ અલ સુબુલે કહ્યું- અમે તાત્કાલિક ફિલ્ડ હોસ્પિટલ બનાવવાના આદેશ આપ્યા છે. અકાબાની વસતિ લગભગ એક લાખ 88 હજાર છે. અહીંથી થોડે દૂર ઇઝરાયેલનું ઇલાત શહેર આવેલું છે. તેની વસતિ 50 હજાર છે. બંને શહેર રોડ માર્ગે પણ જોડાયેલાં છે. અમે સ્થિતિને નિયંત્રણમાં લાવી છે, પરંતુ એ વાત સાચી છે કે કેટલાક ઘાયલોની હાલત ખૂબ જ ગંભીર છે.

ક્લોરિન ગેસ શ્વાસમાં જાય તો શું થાય?
ક્લોરિન મહદંશે ડિસઈન્ફેક્ટન્ટ અને પાણી શુદ્ધ કરવાના એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ જો એ શ્વાસમાં જાય તો આ ક્લોરિન ગેસ હાઈડ્રોક્લોરિક એસિડમાં તબદિલ થઈ જાય છે, જેના પરિણામે શરીરમાં આંતરિક દાહની સ્થિતિ સર્જાય છે અને એની પ્રતિક્રિયા તરીકે ફેફસાંમાં પાણી મુક્ત થવા લાગે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post