• Home
  • News
  • રાષ્ટ્રીય શાયરને અંજલિ:ચારણકન્યાની ત્રાડ અને શિવાજીના હાલરડાંના કસુંબલ સૂર જીવંત બનશે, રાજ્ય સરકારે મેઘાણી સ્મૃતિસ્થાનો વિકસાવવા બજેટ ફાળવ્યું
post

રાજ્ય સરકારે પ્રથમ તબક્કે રુ. 2 કરોડનું ફંડ ફાળવ્યું, મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે જન્મસ્થાન, કર્મભૂમિ વ. વિકસાવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 10:30:02

ગુજરાતીઓ પોતાના સાહિત્યિક વારસા પ્રત્યે સભાન નથી એવું કાયમી મ્હેણું હવે ભાંગી શકાશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાન અને તેમના અમર સર્જન સાથે સંકળાયેલા વિવિધ સ્થાનોને વિકસાવી લિટરેચર ટુરિઝમ શરૂ કરવાનો અભિનવ પ્રયોગ થઈ રહ્યો છે. હાલમાં રજૂ થયેલા રાજ્ય સરકારના બજેટમાં નાણાંમંત્રી નીતિન પટેલે એ માટે વિશેષ જોગવાઈ પણ કરી છે. સરકાર તરફથી સ્પષ્ટ વિગતો નથી મળતી પરંતુ આધારભૂત સૂત્રો મુજબ પ્રથમ તબક્કે રુ. 2 કરોડની ફાળવણી કરવામાં આવશે.

સદાકાળ ગુજરાત, સદાકાળ મેઘાણી
આ અંગે માહિતી આપતાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને મેઘાણી સ્મૃતિની જાળવણી માટે સતત પ્રયત્નશીલ પિનાકીભાઈએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શાયરના પ્રેરક જીવન અને સાહિત્યસર્જનથી ગુજરાતીઓની દરેક પેઢી માહિતગાર થતી રહે તે ઈચ્છનીય છે. હવે રાજ્ય સરકારે પણ વર્ષ 2021-22ના બજેટમાં મેઘાણી સર્કિટ તરીકે ઓળખાતા સ્મૃતિ સ્થાનોના વિકાસ અને ટુરિઝમને પ્રોત્સાહન આપવા જોગવાઈ ફાળવી છે એ ખરેખર આનંદની વાત છે.

મેઘાણીની જન્મભૂમિ, કર્મભૂમિ અને નિર્વાણભૂમિ એકમેકની નજીકમાં જ હોવાથી અહીં સિંગલ-ડે ટૂર કરી શકાય છે. અહીં વિવિધ સ્થાનોએ મલ્ટિમીડિયા, લાઈટ એન્ડ સાઉન્ડ જેવી ટેક્નિકના માધ્યમથી શિવાજીનું હાલરડું, કસુંબીનો રંગ, ચારણકન્યા જેવી મેઘાણીની અમર કૃતિઓ સજીવન કરવાથી ગુજરાતીઓની દરેક પેઢી આ અમૂલ્ય સાહિત્ય વારસાથી પરિચિત થતી રહેશે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને લોકમિલાપના સંચાલક ગોપાલ મેઘાણીએ પણ આ પ્રયાસને આવકારતાં કહ્યું હતું કે, મેઘાણીના નામના રસ્તા બને કે તેમના પુતળા મૂકાય એથી વધુ મહત્વનું એ છે કે મેઘાણીનું સાહિત્ય ગુજરાતના ઘર-ઘરમાં પહોંચે. અમે પણ મેઘાણીના અપ્રાપ્ય પુસ્તકો વાચકો સુધી પહોંચે એ માટે પ્રયાસ કરીશું. સાહિત્યની સમાંતરે મેઘાણીના સ્મરણસ્થાનો પણ જીવંત રહે એ આવકાર્ય છે.

શેક્સપિયર ફેસ્ટિવલ માફક મેઘાણી ફેસ્ટિવલ કેમ નહિ?
મેઘાણીનું જન્મસ્થાન ચોટીલા, કર્મભૂમિ રાણપુર, નિર્વાણભૂમિ બોટાદ અને રાજદ્રોહના ગુના અંગે ચાલેલ ઐતિહાસિક ખટલાનું સ્થાન ધંધુકાનો પ્રવાસ આશરે 136 કિમી જેટલો થાય છે. વિદેશમાં સાહિત્યકારોના જીવન અને સર્જનને સાંકળતી આવી સિંગલ ડે ટૂર ખૂબ લોકપ્રિય નીવડે છે. બ્રિટનમાં મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયર કે મહાન સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેના જન્મસ્થાન આસપાસ આવી ટૂર કે ફેસ્ટિવલ દુનિયાભરના પ્રવાસીઓ, સાહિત્યપ્રેમીઓને આકર્ષતા રહે છે.

ઘાણીના જીવનના પ્રસંગો તેમજ તેમના સર્જનની મહત્તા જોતાં આવી સાહિત્યજાત્રા નવી પેઢી માટે બહુ જ ઉપકારક નીવડી શકે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનમાં ટાગોરના યાદગાર ગીતોની વિવિધ સ્વરૂપે અભિવ્યક્તિ થાય છે એ રીતે મેઘાણીના સર્જનને પણ વધુ લોકભોગ્ય બનાવી શકાય.

કેવી છે એ સ્મૃતિસ્થાનોની હાલત?
ચોટીલા, જન્મસ્થાનઃ ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ 1896ના દિવસે ચોટીલાના એ વખતે ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયેલો. એ મકાન હાલ રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ હસ્તક છે. આ મકાનમાં 2 ખંડ અને પાછળ નાનું ફળીયું છે.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2010માં મેઘાણી જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયું હતું. પિનાકી મેઘાણીએ અહીં સ્વ-ખર્ચે, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવનને નિરૂપતું રસપ્રદ અને માહિતીસભર પ્રદર્શન, મેઘાણી-તક્તી, મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના કરી છે.

રાણપુર, કર્મસ્થાનઃ બોટાદના નિવાસ દરમિયાન મેઘાણી રાણપુરથી નીકળતા અમૃતલાલ શેઠના સાપ્તાહિક અખબાર ફૂલછાબના તંત્રીપદે કાર્યરત હતા. ટ્રેન મારફત રોજ રાણપુર આવ-જા કરતા. ફૂલછાબના મકાન ઉપરાંત બહાર ખુલ્લા ચોગાનમાં લીમડાના ઘેઘૂર વૃક્ષ નીચે તેમણે પ્રચૂર સાહિત્ય સર્જન કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રની રસધાર (5 ભાગ), સોરઠી બહારવટિયા (3 ભાગ), રાષ્ટ્રભાવના અને શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો, સોરઠી સંતો, કાળચક્ર અને સમરાંગણ જેવી નવલકથાઓના સર્જનની ઘડી આ લીમડાની સાક્ષીએ વીતેલી છે. ગુજરાતભરના સાહિત્યપ્રેમીઓ માટે આ જગ્યા કોઈ તીર્થસ્થાન જેવી જ મૂલ્યવાન છે. હાલ અહીં મકાન તો બચ્યું નથી પરંતુ એ લીમડો હજુ ય મેઘાણીની સર્જનક્ષણોની સ્મૃતિ સાચવી રહ્યો છે.

ધંધુકા, ઐતિહાસિક ઘટનાસ્થળ આઝાદીની લડાઈમાં સક્રિયતા બદલ અંગ્રેજ સરકારે મેઘાણી સામે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો અને 28 એપ્રિલ 1930નાં રોજ તેમને ધંધુકાની વિશેષ અદાલતમાં રજૂ કરાયા હતા. એ સમયે ડાક બંગલા તરીકે ઓળખાતા, જિલ્લા પંચાયતનાં હાલનાં રેસ્ટ-હાઉસમાં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી.

જે ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં 2011માં મેઘાણી ઓટલો પ્રસ્થાપિત કરાયો છે. આ સ્થળે મેઘાણીએ પોતાના કાવ્યસંગ્રહ 'સિંધુડો'ની કવિતા 'હજારો વર્ષની જૂની અમારી વેદના' રજૂ કરી હતી.
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?
આ સાંભળીને મેજિસ્ટ્રેટ સહિત ઉપસ્થિત સૌ કોઈની આંખ ભીંજાઈ ગઈ હતી.

બોટાદ, નિર્વાણસ્થાનઃ ઝવેરચંદ મેઘાણીનું નિધન 9 માર્ચ 1947ના રોજ બોટાદ ખાતે સાળંગપુર રોડ પર રેલ્વે અંડરપાસ પાસે આવેલ તેમના નિવાસસ્થાને થયેલું. આ નિવાસસ્થાન તેમણે 1933માં બંધાવેલું. મેઘાણીના અવસાન પછી આ મકાન વેચાઈ ગયું હતું. હાલ એ ખાનગી માલિકીનું છે અને બંધ અવસ્થામાં છે. મેઘાણીના જીવન સાથે સંકળાયેલ આ મકાન ખરીદીને સરકાર અહીં મ્યુઝિયમ તેમજ થ્રી-ડી લિટરેચર પરફોર્મન્સનું આયોજન કરી શકે છે.

એ મહાન સર્જન પુનઃજીવિત થઈ શકે
'
ગીરના કુત્તા ઊભો રે'જે... કાયર દુત્તા ઊભો રે'જે' જેવી જોશીલી પંક્તિઓથી ગુજરાતીઓની ચાર-ચાર પેઢીઓની જીભ પર ચડી ગયેલી 'ચારણકન્યા' હોય કે 'તે દિ' તારે હાથ રે'વાની રાતીબંબોળ ભવાની' જેવી પંક્તિઓથી ઘડાયેલું શિવાજીનું હાલરડું હોય, કસુંબીનો રંગ હોય કે રક્ત ટપકતી સો સો ઝોળી જેવું અમર ગીત હોય, મેઘાણીની અનેક કવિતાઓ, અનેક વાર્તાઓ અને ચરિત્રો લાઈટ એન્ડ સાઉન્ડ કે મલ્ટિમીડિયા ટેક્નિકથી જીવંત થઈ શકે છે. મેઘાણીના સ્મૃતિસ્થાનો પર, આ મહાન સાહિત્યના સર્જનસ્થાનો પર તેની ભજવણી થાય તો ગુજરાતીઓની વર્તમાન અને ભાવિ પેઢી માટે સંસ્કાર, સાહિત્ય અને પરંપરાનો બહુ જ મૂલ્યવાન સંસર્ગ ઊભો થઈ શકે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહે કહ્યું હતું કે, 'મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે આવો પ્રયાસ થાય એ સર્વથા આવકારયોગ્ય જ છે. હાલ કોરોના સંબંધિત ગાઈડલાઈનના કારણે જાહેર પ્રવૃત્તિઓ થઈ શકતી નથી પરંતુ છૂટછાટ મળ્યા પછી સાહિત્ય પરિષદ પણ મેઘાણી સત્રનું આયોજન કરવા પ્રયત્નશીલ છે.'

 

adv

Related News

post
post
post
post
post
post
post