• Home
  • News
  • બંગાળ ચૂંટણી પહેલાં મમતાને ઝટકો:મમતાના ખાસ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા, નડ્ડાએ કહ્યું- ત્રિવેદી સારા માણસ, ખોટી પાર્ટીમાં હતા
post

દિનેશ ત્રિવેદીએ 12 ફેબ્રુઆરીએ બજેટ સત્ર દરમિયાન જાતે રાજીનામાની જાહેરાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 14:16:26

પશ્ચિમ બંગાળમાં વિધાસભા ચૂંટણી પહેલાં મમતા સરકારને આકરો ઝટકો લાગ્યો છે. ટીએમસીના પૂર્વ રાજ્યસભા સાંસદ અને મમતા બેનરજીના ખાસ દિનેશ ત્રિવેદી આજે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટી જોઈન કરી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ પણ હાજર હતા.

12 ફેબ્રુઆરીએ આપ્યું રાજીનામું
ત્રિવેદી મમતાના ખાસ માનવામાં આવતા હતા. તેમણે 12 ફેબ્રુઆરીએ બજેટ સત્ર દરમિયાન જાતે રાજીનામાની જાહેરાત કરી હતી. તેઓ છેલ્લા 2 મહિનાથી પાર્ટીથી અંતર રાખી રહ્યા હતા. ટીએમસીએ ત્રિવેદીના નિર્ણયને પાર્ટી અને જનતા સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે.

'ખેલા' રમતા રમતા મમતા તેમના આદર્શ ભૂલ્યા: ત્રિવેદી
ભાજપમાં સામેલ થયા પછી ત્રિવેદીએ કહ્યું કે, બંગાળની જનતાએ તૃણમૂલ કોંગ્રેસને નકારી દીધી છે. રાજ્યની જનતા વિકાસ ઈચ્છે છે. રાજનીતિ કોઈ ખેલા નથી, આ એક ગંભીર વસ્તુ છે. રમતા રમતા તેઓ આદર્શ ભૂલી ગયા છે.

ત્રિવેદી સાચા વ્યક્તિ, ખોટી પાર્ટીમાં હતા: નડ્ડા
નડ્ડાએ કહ્યું કે, હું જ્યારે પણ ત્રિવેદીની વાત કરતો હતો ત્યારે હંમેશા કહેતો હતો કે તેઓ એક સારા વ્યક્તિ છે, પરંતુ ખોટી પાર્ટીમાં છે. જેને તેમને પણ અહેસાસ છે. હવે સાચા વ્યક્તિ સાચી પાર્ટીમાં છે. અહીં અમે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની મદદ દેશની સેવા માટે લઈશું.

કોણ છે દિનેશ ત્રિવેદી?
ત્રિવેદીનો જન્મ ગુજરાતના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે હિમાચલપ્રદેશની એક બોર્ડિંગ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ત્યાર પછી કોલેજના અભ્યાસ માટે કોલકાતા ગયા, જ્યાં તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્રિવેદી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પણ ગયા, તેમણે ટેક્સાસ વિશ્વવિદ્યાલયથી MBA કર્યું છે. તેમની પાસે કોમર્શિયલ પાઇલટનું લાઈસન્સ પણ છે.

દિનેશ ત્રિવેદીની રાજકીય સફર
ત્રિવેદીની રાજકીય સફરની શરૂઆત 1980ના સમયમાં કોંગ્રેસથી થઈ હતી, પણ 1998માં જ્યારે મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી તો તેઓ પણ TMCમાં જોડાઈ ગયા અને તેમને પાર્ટીના પહેલા મહાસચિવ બનાવાયા હતા. TMCમાં આવતાં પહેલાં તેઓ 1990થી 96 સુધી ગુજરાતથી રાજ્યસભા સભ્ય હતા. ત્યાર પછી TMCએ પશ્વિમ બંગાળથી તેમને રાજ્યસભામાં મોકલ્યા અને તેઓ 2002થી 2008 સુધી સાંસદ તરીકે રહ્યા.

2009ની લોકસભા ચૂંટણીમાં દિનેશ ત્રિવેદી બેરકપુર બેઠક પરથી લડ્યા અને જીત્યા હતા. 2009માં તેમને કેન્દ્રમાં રાજ્યમંત્રી બનાવાયા હતા. મમતા બેનર્જીના સીએમ બન્યા પછી દિનેશ ત્રિવેદીને 13 જુલાઈ 2011ના રોજ દેશના રેલવેમંત્રી બનાવાયા હતા. જોકે એક વર્ષ પછી મમતા બેનર્જીએ રેલવે બજેટમાં યાત્રી ભાડું વધારવાના દિનેશ ત્રિવેદીના નિર્ણયના વિરોધમાં તેમને રેલવેમંત્રીપદ પરથી હટાવી દીધા હતા. તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ ત્રિવેદી 2011થી 2012 સુધી કેન્દ્ર સરકારમાં રેલવેમંત્રી રહ્યા. વર્ષ 2009માં પહેલી વખત બૈરકપુરથી TMCના લોકસભા સાંસદ બન્યા. વર્ષ 2006 દરમિયાન જ્યારે મમતા બેનર્જીનો રાજકીય ગ્રાફ નીચે ગગડ્યો ત્યારે ત્રિવેદી જ તેમની સાથે ઊભા રહ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post