• Home
  • News
  • ભારત બુર્સ કરતાં બમણું:સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થાય એ પહેલાં ઓફિસોના ભાવ 80% વધ્યા, દેશના 400 વેપારી ઓફિસ ખરીદવા વેઇટિંગમાં; દુબઈના 10 વેપારીને રસ
post

3 વર્ષ પહેલાં બુકિંગ સમયે ઓફિસનો ભાવ 8000 પ્રતિ સ્ક્વેરફૂટ હતો, હાલ રિસેલમાં 12થી 15 હજારના ભાવ બોલાઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-04 10:57:51

શહેરના ખજોદ ખાતે નવનિર્મિત હીરા બુર્સનું ઉદઘાટન થાય એ પહેલાં જ ઓફિસોના ભાવમાં 80 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. કેમ્પસમાં કુલ 4200 ઓફિસ બનાવાઈ છે. જોકે મુંબઈ હીરાબુર્સ પ્રોજેક્ટ 10 વર્ષે પૂર્ણ થઈ શક્યો હોવાથી સુરત માટે પણ એવી જ ધારણા હતી. એની સામે 2017માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ કોરોનાકાળ વચ્ચે પણ સમયસર 3 વર્ષમાં તૈયાર થઈ જતાં વેપારીઓનો વિશ્વાસ વધ્યો છે. બીજી તરફ, મુંબઈ હીરા બુર્સમાં 2500 ઓફિસ છે, જેમાંથી અડધી સુરતના વેપારીઓની છે.

મુંબઈનો હીરા ઉદ્યોગ સુરતમાં શિફ્ટ થઈ રહ્યો હોવાથી રહી ગયેલા વેપારીઓ હવે જોર લગાવી રહ્યા છે. ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ જણાવ્યું હતું કે ‘400 જેટલા લોકોએ ઓફિસ ખરીદવા અરજીઓ કરી છે. બીજી તરફ, દુબઈના 10થી વધુ રોકાણકારો સુરત બુર્સમાં ઓફિસ ખરીદવા આગળ આવ્યા છે.

દુબઇમાં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી વિષય પર યોજાયેલી કોન્ફરન્સમાં આ વેપારીઓએ તૈયારી દાખવી છે. જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, પ્રેઝન્ટેશન બાદ દુબઇના સ્થાનિક ઉદ્યોગપતિઓ ઉપરાંત વિશ્વભરના ઉદ્યોગ સમૂહોના બિઝનેસ ટાયકૂન્સે સુરત બુર્સમાં ઓફિસ ખરીદવા તૈયારી દાખવી હતી.

અગાઉ 10 હજારમાંથી 4500એ જ રસ દાખવ્યો
સુરત બુર્સનું કામ શરૂ થાય તે પહેલાં કમિટીએ લોકો પાસે અરજી મંગાવી હતી. જેમાં 10 હજાર લોકોએ રસ દાખવ્યો હતો. જો કે, ટોકન રકમ આપવા માત્ર 4500 હીરાઉદ્યોગકારો જ આગળ આવ્યા હતા. એટલા માટે ડાયમંડ બુર્સ કમિટીએ માત્ર 4200 ઓફિસોનું જ આયોજન કરી કન્સ્ટ્રકશન શરૂ કર્યું હતું.

એક ઓફિસ રૂ. 14500 પ્રતિ ફૂટના ભાવે વેચાઈ
ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણીએ કહ્યું હતું કે, ‘હીરા બુર્સમાં 4200 ઓફિસો છે. જે તમામ સેલ થઈ ગઈ છે. હવે જેમણે ખરીદવી છે તે ડાયરેક્ટ હીરા વેપારી પાસેથી જ રિ-સેલમાં ખરીદી શકે છે. થોડા દિવસ પહેલા જ ડાયમંડ બુર્સમાંની એક ઓફિસ 14500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે વેચાઈ હતી.

1થી 4 માળની ઓફિસના ભાવ સૌથી વધારે
9
બિલ્ડિંગ ધરાવતા સુરત બુર્સમાં પ્રત્યેક બિલ્ડિંગના 14 માળ છે. જેમાં અલગ અલગ સાઈઝની 4200 ઓફિસ છે. વેપારીઓ નીચેના માળે ઓફિસ વધુ પસંદ છે. કારણ કે, ગ્રાહકો સૌથી પહેલા નીચેના માળની ઓફિસોમાં આવે છે. આમ તો બધી જ ઓફિસોના ભાવ પ્રિમિયમ છે પરંતુ 1થી 4 માળના ભાવ 35 ટકા સુધી પ્રિમિયમ છે.

ડિમાન્ડ હોવાથી ભાવ પ્રીમિયમ બોલાવવા માંડ્યા
બુર્સની ઓફિસો શરૂઆતમાં સરેરાશ 8 હજાર રૂપિયે સ્ક્વેર ફૂટના ભાવે વેચાઈ હતી. જોકે, કન્સ્ટ્રક્શન પૂર્ણ થાય તે પહેલાં જ તમામ ઓફિસો વેચાઈ ગઈ હતી. હવે લોકો વધારે રૂપિયા આપવા માટે તૈયાર થતાં હાલમાં ભાવ 10 હજારને પાર થઈ ગયો છે. અમુક પ્રાઈમ લોકેશનની ઓફિસો 12000થી વધુમાં પણ વેચાઈ રહી છે.

ઓફિસોના ભાવ વધવાનાં કેટલાંક અન્ય કારણો

·         મુંબઈની ઓફિસો કરતા સુરતમાં ઓછા પગારમાં વધારે કર્મચારીઓને રાખી શકાય છે.

·         સુરતમાં મુંબઈની સરખામણીમાં ઘરો સસ્તા છે, મેઈન્ટેન્સ પણ ઓછું છે. મુંબઈમાં ભાડે રહેવું હોય તો પણ મોઘું પડે છે.

·         વરસાદની સિઝનમાં મુંબઈમાં છાશવારે પાણી ભરાતાં વાહનવ્યવહાર અને ટ્રેન બંધ થઈ જાય છે. જેથી વેપારમાં મુશ્કેલી વધે છે.

·         ખાસ કરીને મુંબઈમાં ઓફિસ ધરાવતા સુરતના વેપારીઓને અઠવાડિયામાં મુંબઈ સુધી લંબાવું પડે છે, જેથી ફેમિલી લાઈફને અસર થાય છે.

·         બાન્દ્રા ઉતર્યા પછી ટેક્સીમાં મુંબઈ બુર્સ જવામાં 30 મિનિટ લાગે છે, ટ્રેનમાં ભીડની સમસ્યા

ભારત બુર્સ કરતાં બમણું
મુંબઈનો ઉદ્યોગ સુરત શિફ્ટ થઈ રહ્યો હોવાથી રહી ગયેલા હીરાવેપારીઓ હવે આગળ આવવા માંડ્યા

 

adv

Related News

post
post
post
post
post
post
post