• Home
  • News
  • મહારાષ્ટ્રમાં ઠાકરે રાજ
post

મહારાષ્ટ્રમાં 18મા મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-29 10:58:45

મુંબઈ: મહારાષ્ટ્રમાં 18મા મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા. લાખોની ભીડ વચ્ચે તેમની શપથવિધિ વખતે જ્યારે તેમણે ‘‘મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે...’’, કહ્યું ત્યારે અનેરો ઉત્સાહ લોકોમાં આવી ગયો હતો. ઉદ્ધવે કહ્યુ હતું કે, હું છત્રપતિ શિવાજી મહારાજ અને મારા માતા-પિતાને સ્મરણ કરતા શપથ શરૂ કરું છું. શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરે એ ઘુંટણીએ બેસી માથું નમાવી તમામનું અભિવાદન કર્યું હતું. જ્યાર બાદ તેઓએ પરિવાર સાથે સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કર્યા હતા. ઉદ્ધવની સાથે શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇએ મંત્રીપદના શપથ લીધા હતા. એનસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબળે શપથ લીધા હતા. બાલાસાહેબ થોરાટ જેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે નાગપુર ઉત્તર સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે પણ શપથ લીધા હતા.

ઉદ્ધવ ઠાકરેના શપથ સમારંભમાંમાં DMK અધ્યક્ષ સ્ટાલિન, મધ્ય પ્રદેશના CM કમલનાથ, MNS પ્રમુખ રાજ ઠાકરે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર ઉદ્ધવને શુભેચ્છાઓ પાઠવી હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ ઉદ્ધવને શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે શપથ સમારંભમાં સામેલ ન થવા પર તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. બંગાળના મુખ્યમંત્રી મમતા, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાએ પણ ઉદ્ધવને શુભેચ્છાઓ આપી હતી. આ પહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે લઘુત્તમ સામાન્ય કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રણે પક્ષોએ બંધારણમાં વર્ણિત બિનસાંપ્રદાયિકતાના મૂલ્યને જાળવવાની વાત કરી છે.

એવી ચર્ચા હતી કે અજિત પવાર પણ શપથ લેશે. જો કે સમારંભ પહેલા તેમણે કહ્યું કે, હું શપથ નથી લઇ રહ્યો. નાયબ મુખ્યમંત્રી પર હજુ ફેંસલો નથી થયો, NCPમાં આ મુદ્દે નિર્ણય લેવાનો બાકી છે.

6 ડિસેમ્બર એટલે કે બાબરી મસ્જિદ તોડી પાડવાના દિવસને શિવસેના શૌર્ય દિવસ તરીકે મનાવે છે. કોંગ્રેસ તેને કાળો દિવસ માને છે. આ 6 ડિસે.એ બન્ને પક્ષ શું કરશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી.

રિમોટથી સત્તા ચલાવતો પરિવાર આજે સત્તાની ડ્રાઇવિંગ સીટ પર છે. ઠાકરે પરિવારમાંથી ઉદ્ધવ પ્રથમ CM છે. 17 વર્ષ પહેલા રાજકારણમાં આવેલા ઉદ્ધવ મરાઠી દૈનિક હિન્દુમાં પત્રકાર હતા. પછી ફોટોગ્રાફર બન્યા હતા.

કેબિનેટ વિસ્તરણ,બહુમત પરીક્ષણ બાદ ત્રણે પક્ષોએ નક્કી કર્યું કે પરીક્ષણ પહેલા બધા મંત્રીઓના નામ નક્કી નહીં થાય. મંત્રીપદ નહીં મળતા થોડા ધારાસભ્યો નારાજ થઈને પરીક્ષણમાં ગેરહાજર રહી શકે છે. એટલે ત્રણ પક્ષ રિસ્ક લેવા માગતા નથી.

મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ શપથવિધિમાં આવ્યા નહીં. કોંગ્રેસ સરકારમાં સામેલ હોવા છતાં કોંગ્રેસ નેતૃત્વ હજુ પણ શિવસેના સાથે એકમંચ પર આવવા માગતું નથી. બુધવારે આદિત્ય ઠાકરે જાતે સોનિયા ગાંધીને નિમંત્રણ આપવા પહોંચ્યા છતાં તેઓ આવ્યા નહીં.

ડેપ્યુટી સીએમ પદના મુદ્દે મતભેદ છે. એનસીપીમાં શરદ પવાર પછી સૌથી મોટા નેતા અજિત પવારે શપથ નથી લીધા. કોંગ્રેસ-શિવસેનાને અજિતને મંત્રી બનાવવા સામે વાંધો છે. ભાજપ સાથે હાથ મિલાવવા બદલ એનસીપીમાં કેટલાક નેતા અજિતથી નારાજ છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આજે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા આવ્યા છે.નોંધનીય છે કે, રાજ ઠાકરે ઉદ્ધવના પિતરાઈ ભાઈ છે. થોડા વર્ષો પહેલાં તેમણે શિવસેનાથી અલગ થઈ તેમની અલગ પાર્ટી બનાવી છે. રાજ ઠાકરેનું આગમન થયું ત્યારે શિવસૈનિકોએ તેમને વધાવી લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરેને મળ્યા વિના જ રવાના થયા હતા.

ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણને ભવ્ય બનાવવા માટે આખી રાત તૈયારી કરવામાં આવી હતી. બીએમસી, પીડબ્લ્યૂડી અને પોલીસના સીનિયર અધિકારીઓ સતત હાજર રહ્યા હતા. શિવાજી પાર્કમાં અંદાજે 70 હજારથી વધારે ખુરશીઓ લગાવવામાં આવી હતા. બીજી બાજુ એક મોટા સ્ટેજ પર ખાસ મહેમાનો માટે 100થી વધારે ખુરશીઓ લગાવવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post