• Home
  • News
  • વિરાટ હેઠળ RCBએ પહેલીવાર 150થી ઓછા રન ડિફેન્ડ કર્યા, 14.25 કરોડની પ્રાઇસ ટેગવાળા મેક્સવેલે જણાવ્યું ગઈ સીઝનમાં પંજાબ માટે નિષ્ફળ થવાનું કારણ
post

ચેન્નઈની ધીમી પિચ પર જ્યાં ડેથ ઓવર્સમાં રન કરવા અઘરા થઈ રહ્યા છે, ત્યાં મેક્સવેલ મિડલ ઓવર્સમાં RCBને મોમેન્ટમ આપી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-15 11:43:00

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને 6 રને માત આપી છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં બેંગલોરે ગ્લેન મેક્સવેલની ફિફટી થકી 150 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં હૈદરાબાદની ટીમ 143 રન જ કરી શકી. કોહલી 2013થી બેંગલોરની કપ્તાની કરી રહ્યો છે, પરંતુ તેની કેપ્ટનશિપમાં ટીમે 150થી ઓછો સ્કોર સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યો હોય એવું પહેલીવાર બન્યું છે.

સ્કોરકાર્ડ જોઈને મેચમાં ચડાવ-ઉતારની ડેપ્થ કાયમ સમજી શકાતી નથી. ગઈકાલની 20-20 એટલે કે 40 ઓવરની રમતમાં 35 ઓવર સુધી એવું જણાઈ રહ્યું હતું કે SRH સીધેસીધું જીતી જશે. જોકે અંતિમ 5 ઓવરમાં RCBએ મેચને પોતાની તરફ વનસાઇડેડ અફેર બનાવી દીધો. સીઝનની પાંચમી મેચમાં પણ આવું થયું, જ્યાં કોલકાતા મુંબઈ સામે અંતિમ 5 ઓવરમાં 31 રન કરી શકી નહોતી. આવું કેમ થઈ રહ્યું છે એ સમજીએ.

સ્લો પિચ પર બોલ સોફ્ટ થાય પછી રન કરવા અઘરા
ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતેની પિચ કોઈ હિન્દી પિક્ચરની જેમ બે ભાગમાં ડિવાઇડ કરી શકીએ. અહીં પ્રથમ ભાગ એટલે પહેલી 15 ઓવર અને બીજો ભાગ એટલે ઇનિંગ્સની છેલ્લી 5 ઓવર. સ્લગીશ અને ડાર્ક પેચીસવાળી પિચ પર જેમ જેમ મેચ આગળ વધે તેમ રન કરવા અઘરા થતા જાય છે. બોલ અટકીને આવે છે અને ફાસ્ટ બોલર્સના ઓફ-કટર પણ પિચ પર ફસાઈ છે. ત્યારે ટીમો માટે બોલ હાર્ડ હોય એ સમયમાં ઝડપી રન બનાવવા બહુ જરૂરી છે. છેલ્લી બંને મેચમાં આપણે જોયું કે વિકેટ્સ હાથમાં હોય તો પણ ટીમોએ મેચ ગુમાવી છે. નવા બેટ્સમેન માટે આવી સ્લો-પિચ પર આવીને તરત જ ફટકાબાજી કરવી સરળ નથી.

મેક્સવેલની ઇનિંગ્સ નિર્ણાયક સાબિત થઈ
હૈદરાબાદના રનચેઝમાં 17મી ઓવરમાં શાહબાઝ અહેમદે એક ઓવરમાં ત્રણ વિકેટ લઈને મેચનું રૂપ બદલી નાખ્યું હતું, પરંતુ તેમ છતાં ગ્લેન મેક્સવેલને મેન ઓફ ધ મેચનો અવૉર્ડ મળ્યો અને તેની ઇનિંગ્સ વધુ નિર્ણાયક સાબિત થઈ. એનું કારણ એ છે કે વિરાટ કોહલી 29 બોલમાં 33 અને એબી ડી વિલિયર્સ 5 બોલમાં 1 રન કરીને આઉટ થઈ ગયા હતા. મેક્સવેલની ઇનિંગ્સ વગર RCB માટે 140 રન કરવા પણ ઇમ્પોસિબલ થઈ જાત. તેણે 41 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોર અને 3 સિક્સની મદદથી 59 રન બનાવ્યા હતા.

રનની મંદીમાં મેક્સવેલ મેજિક
મેક્સી ગયા વર્ષે પંજાબ કિંગ્સની ટીમ સાથે જોડાયેલો હતો. તેણે 13 મેચમાં માત્ર 15.42ની એવરેજથી108 રન કર્યા હતા. આખી સીઝનમાં કુલ 106 બોલ રમવા છતાં તે એકપણ સિક્સ મારી શક્યો નહોતો. એનાથી વિપરીત આ સીઝનની બંને મેચ ચેન્નઈની ધીમી પિચ પર રમવા છતાં એ ચમક્યો છે. બેંગલોરે તેને 14.25 કરોડમાં ખરીદ્યો હતો. તેણે 2 મેચમાં 49ની એવરેજથી 98 રન બનાવ્યા છે. 69 બોલનો સામનો કરીને 5 સિક્સ મારી છે. મેક્સિમમ સિક્સ હીટર્સની સૂચિના ત્રીજા સ્થાને છે. જ્યાં બધાને લાગી રહ્યું હતું કે ચેપોકની સ્લો વિકેટ્સ પર વિરાટ અને ડી વિલિયર્સ બેંગલોરની લાઈફલાઈન સાબિત થશે. ત્યાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે તે બંને કરતાં વધુ રન બનાવ્યા છે. કોહલીએ આ સીઝનમાં હજી સુધી 66 અને એબીએ 49 રન બનાવ્યા છે.

કોહલીએ શું કહ્યું?
મેચ પછી RCBના કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે મેચની શરૂઆતથી જ ખબર હતી કે આ બેટિંગ વિકેટ નથી. અમે જાણતા હતા કે જેમ બોલ જૂનો થતો જશે તેમ રન કરવા અઘરા થતા જશે. ગ્લેન મેક્સવેલની ઇનિંગ્સ અંતે નિર્ણાયક સાબિત થઈ. તે બંને ટીમ વચ્ચેના રન ડિફરન્સનું અંતર હતો. અમે બે મેચમાં બે જીત મેળવીને ઓવર-એક્સાઈટેડ નથી થયા. અમને આગામી મેચોમાં શું કરવાનું છે એ અંગે ક્લેરિટી છે. મને વિશ્વાસ હતો કે 149 રન કરીને પણ આવી પિચ પર મેચ જીતી શકાય છે.

મેક્સવેલે શું કહ્યું?
મેચ જીત્યા બાદ પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં મેક્સવેલે કહ્યું હતું કે નવી સીઝનની સારી શરૂઆતથી ખુશ છું. જ્યારે તમે બેટિંગ કરવા આવો અને તમારી પાસે ફ્રીડમ હોય કે હજી ડી વિલિયર્સ આવવાનો બાકી છે, તો તમે તમારી નેચરલ ગેમ રમી શકો છો. ઓસ્ટ્રેલિયા માટે રમતી વખતે પણ મારો આ જ રોલ હોય છે. ગયા વર્ષે (પંજાબ માટે રમતી વખતે) મને લાગ્યું કે હું બહુ લેટ બેટિંગ કરવા આવતો હતો અને મારી પર પહેલા બોલથી ફટકાબાજી કરવાનું દબાણ હતું. હું ફર્સ્ટ બોલથી હિટિંગ કરવામાં નિષ્ણાત નથી. આ મારી ટૂર્નામેન્ટમાં ચોથી ટીમ છે, તેથી હું સારો દેખાવ કરવા મક્કમ છું. બોલિંગ કરવાની તક મળે ત્યારે એ ડિપાર્ટમેન્ટમાં પણ યોગદાન આપવા માગીશ. હું જેટલું વધારે બેટ સાથે યોગદાન આપીને ટીમને સપોર્ટ કરીશ એટલો વધુ ખુશ રહીશ.

RCBએ ડિફેન્ડ કરેલા લોએસ્ટ ટોટલ

·         126 vs ચેન્નઈ સુપરકિંગ્સ, ચેન્નઈ 2008

·         133 vs રાજસ્થાન રોયલ્સ, કેપટાઉન 2009

·         145 vs કિંગ્સ ઇલેવન પંજાબ, ડરબન 2009

·         149 vs સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ 2021 (વિરાટની કપ્તાનીમાં)