• Home
  • News
  • RT-PCRમાં કોરોના નેગેટિવ હોય પછી પણ 80% સુધી ઇન્ફેક્ટ થઈ રહ્યા છે ફેફસાં; આખરે શા માટે પકડાતો નથી વાયરસ?
post

ડો. ચંદાનીના અનુસાર, કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી લોકો પોતાનાં ઘરોમાં રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-15 11:51:00

કેસ-1ઃ અંબિકાપુર (છત્તીસગઢ)ના 58 વર્ષીય વ્યક્તિના સીટી-સ્કેન રિપોર્ટમાં ફેફસાંમાં 90% ઈન્ફેક્શન દેખાયું, પરંતુ આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ હતો. દર્દીની સ્થિતિ ખરાબ હતી. ઈલાજ પછી સ્વસ્થ થઈ ગયા.

કેસ-2ઃ ભિલાઈ (છત્તીસગઢ)ના 65 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં તકલીફ હતી. સીટી-સ્કેનમાં બંને ફેફસાંમાં 80% ઈન્ફેક્શન દેખાયું. કોરોના રિપોર્ટ નેગેટિવ રહ્યો, પણ ઈલાજ દરમિયાન તેમનું મૃત્યુ થયું.

છત્તીસગઢના આ બંને કેસમાં સ્થિતિ એક જેવી હતી બંને કેસોમાં RT-PCR કોરોનાવાયરસ હોવાનું જણાવવામાં નિષ્ફળ રહ્યો. આવું પ્રથમવાર બન્યું નથી અને સતત જોવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાંથી રિપોર્ટસ આવી રહ્યા છે કે વાયરસના નવા વેરિયેન્ટ્સ ટેસ્ટમાં ખબર પડતી નથી. જ્યાં સુધી સીટી-સ્કેન કરાવવામાં આવ્યું ત્યાં સુધી ફેફસાંને ઘણું નુકસાન પહોંચી ગયું હતું.

તેનું કારણ કોરોનાના વેરિયેન્ટ્સ હોઈ શકે છે, જેના વિશે કેન્દ્ર સરકારે ખુદ સ્વીકાર્યું છે કે દેશનાં 18 રાજ્યોમાં કોરોનાના વેરિયેન્ટ્સ મળ્યા છે. એમાં બ્રાઝિલ, યુકે અને દક્ષિણ આફ્રિકામાં મળેલા વેરિયેન્ટ્સ સામેલ છે. આ ખૂબ જ ઈન્ફેક્શિયસ હોવાની સાથે ઝડપથી ટ્રાન્સમિટ થઈ રહ્યા છે. સૌથી ખતરનાક ડબલ મ્યૂટન્ટ વેરિયેન્ટ મહારાષ્ટ્રમાં મળ્યો હતો, જેમાં બે જગ્યાએ ફેરફાર થયા છે.

ખાસ વાત એ છે કે RT-PCRને કોરોનાવાયરસની તપાસમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ માનવામાં આવતો હતો. રેપિડ એન્ટિજનના મુકાબલે તેનાં પરિણામોની ચોક્કસાઈ પણ ઘણી ઉત્તમ છે. એના પછી પણ કેટલાક વેરિયેન્ટ્સ સામે એ નિષ્ફળ થઈ રહ્યો છે. છત્તીસગઢની કોરોના કોર કમિટીના સભ્ય ડો. આર. કે. પંડાએ કહ્યું હતું કે ગત સપ્તાહે અનેક એવા કેસ આવ્યા, જેમાં લોકોના સીટી-સ્કેનમાં ફેફસાં ઘણું ઈન્ફેક્શન નજરે પડ્યું અને ડોક્ટરોએ ગંભીર કેસ હોવાનું કહ્યું, પણ તપાસમાં કોરોના નેગેટિવ હતો. પ્રદેશમાં આવા અઢીસોથી વધુ કેસ આવી ચૂક્યા છે. લગભગ 50 એવા કેસ છે, જેમાં દર્દીઓની કોવિડ તપાસનો રિપોર્ટ નેગેટિવ હતો, પણ ઈલાજ દરમિયાન તેમનું મોત થયું.

શું વેરિયેન્ટસ હોઈ શકે છે નેગેટિવ રિપોર્ટનું કારણ?

·         હા. ફરિયાદો માત્ર છત્તીસગઢથી આવી રહી છે એવું નથી. ભોપાલમાં ગત એક વર્ષથી કોવિડ-19 ટેસ્ટિગ સાથે સંકળાયેલી ગતિવિધિઓમાં સામેલ ડો. પૂનમ ચંદાણી કહે છે કે કોરોનાવાયરસ એક RNA પ્રોટીન છે અને એમાં સતત ફેરફાર થતા રહે છે. એમાં અને માનવ શરીરમાં બનતા પ્રોટીનમાં તફાવત જાણવો મુશ્કેલ બની રહ્યો છે. આ કારણથી રેપિડ એન્ટિજન અને આરટી-પીસીઆર ટેસ્ટ પણ કોરોના પોઝિટિવ બતાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ચેસ્ટ ઈન્ફેક્શનથી જ ખબર પડે છે કે પેશન્ટને કોરોનાવાયરસ ઈન્ફેક્શન થયું છે કે નહિ.

·         જ્યારે મુંબઈની જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કન્સલ્ટન્ટ ડો. પિનાંક પાંડ્યા કહે છે કે ક્યાંક ને ક્યાંક નવા વેરિયેન્ટ્સ આના માટે જવાબદાર છે. દેશમાં મોટી સંખ્યામાં જે નવા કેસ આવી રહ્યા છે એનું કારણ આ વેરિયેન્ટ્સ પણ છે. રિઇન્ફેક્શન કે વેક્સિન પછી પણ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. તેઓ કહે છે કે વાસ્તવમાં RT-PCR એસ-જિનને ડિટેક્ટ કરે છે. HV69 અને HV70ને ડિટેક્ટ કરતો નથી. ઘણીવાર આવા જિનના રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે લેબ નેગેટિવ રિપોર્ટ આપી દે છે. ઓઆરએફ અને એન જિન પોઝિટિવ આવે છે તો તેને નેગેટિવ માનતા નથી. આ કારણથી પોતાનો રિપોર્ટ કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જ ચેક કરાવો, એ જ સારી રીતે ઈલાજમાં મદદ કરી શકે છે.

શું થઈ રહી છે લોકો પર અસર?

·         ડો. ચંદાનીના અનુસાર, કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી લોકો પોતાનાં ઘરોમાં રહે છે. પ્રોટોકોલનું પાલન કરતા નથી અને અન્ય લોકોને વાયરસ ટ્રાન્સમિટ કરી રહ્યા છે. સિટી સ્કેન કરાવતા ખબર પડે છે કે ફેફસાંમાં 10, 20થી 30% સુધી ઈન્ફેક્શન છે. પ્રથમ લહેરના મુકાબલે એ ખૂબ વધુ છે, જ્યારે ભોપાલમાં કોરોના વોર્ડમાં સેવા આપી રહેલા ડો. તેજપ્રતાપ તોમર કહે છે કે પ્રથમ અને બીજી લહેરમાં ઘણું અંતર છે. અગાઉ 10માંથી એક દર્દીના સીટી-સ્કેનમાં ડેમેજ જોવા મળતું હતું, હવે 10માંથી 5-6 દર્દીમાં ઈન્ફેક્શન જોવા મળી રહ્યું છે.

·         ઝારખંડના ફિઝિશિયન ડો. ઉમેશ ખાના પ્રમાણે, કોરોનાનો નવો સ્ટ્રેન ફેફસાં અને શ્વાસ લેવાની સમગ્ર પ્રણાલીને ખૂબ ઓછા સમયમાં પ્રભાવિત કરી રહ્યો છે. બે-ત્રણ દિવસમાં જ ફેફસાં સફેદ દેખાવા લાગે છે અને વ્યક્તિને ન્યૂમોનિયા થઈ જાય છે. ચાર દિવસમાં આ ફેફસાંને લગભગ 45 ટકા અને સાત દિવસમાં 70 ટકા સુધી નુકસાન પહોંચાડી દે છે. પ્રથમ લહેરમાં આ સ્થિતિ સર્જાવામાં 15 દિવસ લાગતા હતા. એમજીએમ મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના ડો. બલરામ ઝાએ કહ્યું- નવો સ્ટ્રેન સુપર સ્પ્રેડર માનવામાં આવે છે. વાયરસ ખૂબ શક્તિશાળી છે. આ જ કારણ છે કે એક પોઝિટિવ વ્યક્તિને લીધે સમગ્ર પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે.

કોરોના ટેસ્ટિંગમાં કયા ઓપ્શન છે?

·         મુંબઈમાં પીડી હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, ખાર ફેસિલિટીના હેડ ક્રિટિકલ કેર ડો. ભરેશ ડેઢિયાની પાસે આરટી-પીસીઆર ટેસ્ટ ફેલ થવાની અલગ થિયરી છે. તેમની પાસે એના વિકલ્પ પણ છે. ડો. ડેઢિયા કહે છે કે આરટી-પીસીઆર ટેસ્ટ વાયરસના આરએનએને ડિટેક્ટ કરે છે. નવા વેરિયેન્ટમાં આરએનએમાં મોટો ફેરફાર થયો નથી. હાલના ટેસ્ટ વેરિયેન્ટ પણ પકડી શકે છે. સમસ્યા એ છે કે આરટી-પીસીઆર ટેસ્ટનો એફિકસી રેટ 60-70% છે, જેનો મતલબ છે કે 30-40% પોઝિટિવ કેસો નેગેટિવ રિઝલ્ટ આપી શકે છે. એ માન્યતા છે કે નવા વેરિયેન્ટસ આરટી-પીસીઆર ટેસ્ટમાં પકડાતા નથી. વેરિયેન્ટ પણ ડિટેક્ટ થઈ રહ્યા છે, પણ જો નથી થઈ રહ્યા તો એના માટે આરટી-પીસીઆરનો એક્યુરસી રેટ જવાબદાર છે.

·         તેઓ કહે છે કે અન્ય ટેસ્ટની વાત કરીએ તો રેપિડ એન્ટિજન ટેસ્ટનો એફિકસી રેટ 50-60% છે, જે આરટી-પીસીઆરથી ઘણો ઓછો છે. પ્રથમવારમાં આરટી-પીસીઆર ટેસ્ટમાં એફિકસી રેટ 60-70% છે, જ્યારે બે દિવસના અંતરે બીજી વાર ટેસ્ટ કરશો તો એફિકસી રેટ 80% હશે, એટલે કે ત્રણવાર ટેસ્ટ કરતાં સૌથી સચોટ પરિણામ મળશે. આમ છતાં સારું એ રહેશે કે લક્ષણ જોવા મળે ત્યારે એચઆર-સીટી ટેસ્ટ કરાવી લેવામાં આવે, જેનો એફિકસી રેટ 80% છે. અમારા જેવા મેડિકલ પ્રોફેશનલ્સ બ્લડ ટેસ્ટ પણ કરાવી રહ્યા છે, જેથી સાચી સ્થિતિનો ખ્યાલ આવી શકે.

·         ડોક્ટરો કહે છે કે જો તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હોય, ઓક્સિજન સેચ્યુરેશન ઓછી હોય, તાવની સાથે શરદી-કફ હોય, ગંધ-સ્વાદ ન આવે તોપણ આરટી-પીસીઆર નેગેટિવ આવે તો નિશ્ચિંત થવાનું નથી. તત્કાળ કોઈ વિશેષજ્ઞને બતાવો. કોશિશ કરો કે જ્યાં સુધી બાકીની તપાસ ન થઈ જાય ત્યાં સુધી ખુદને આઈસોલેટ કરો. પરિવારજનો સાથે હળોમળો નહીં. શક્ય છે કે એચઆર-સીટી કે કોઈ બ્લડ ટેસ્ટથી ઈન્ફેક્શનની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. આ રીતે સાવધાની જ જીવલેણ બીમારીથી બચાવી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post