• Home
  • News
  • બે વર્ષ પછી ઉપેન્દ્ર કુશવાહા ફરી NDA તરફ વધ્યા, ધાર્યા પ્રમાણે સીટ ન મળી અને એકલા લડશે તો કોનું નુકસાન કરશે?
post

રાલોસપા સીટ શેરિંગ અંગે મહાગઠબંધનથી નારાજ છે, 40 બેઠક પર ચૂંટણી લડવા માગે છે, પણ RJD 10-12 બેઠક જ આપી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 11:12:45

બિહારમાં એક બાજુ NDAમાં JDU અને LJP વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ મહાગઠબંધનમાં પણ ખેંચતાણ જેવી સ્થિતિ છે. મહાગઠબંધનમાં તણાવનું કારણ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી એટલે રાલોસપા છે. મળતી માહિતી પ્રમાણે, રાલોસપા બેઠકો અંગે નારાજ છે. રાલોસપાએ 40થી વધુ બેઠકો માગી છે, જ્યારે RJD તેને 10થી 12 સીટ આપવા માગે છે. એના પછી ચર્ચા છે કે રાલોસપા મહાગઠબંધનથી અલગ થઈ શકે છે.

રાલોસપા પહેલાં NDAનો ભાગ હતી, પણ ઓગસ્ટ 2018માં અલગ થઈ ગઈ હતી. 2015ની ચૂંટણી પણ રાલોસપાએ NDA સાથે મળીને લડી હતી, પણ 2019ની લોકસભા ચૂંટણી તે RJD અને કોંગ્રેસ સાથે મહાગઠબંધનમાં સામેલ થઈને લડ્યા હતા. 2019માં રાલોસપાએ બિહારની 5 બેઠક પર ચૂંટણી લડી હતી, પણ એકપણ બેઠક પર જીત મળી ન હતી.

2013માં બનેલી રાલોસપા પહેલાં NDAનો ભાગ હતી
ઉપેન્દ્ર કુશવાહા પહેલાં JDUમાં હતા, પણ નીતીશ સાથે ઘર્ષણને કારણે તેમને પાર્ટી છોડી હતી. ત્યાર પછી તેમણે 3 માર્ચ 2013ના રોજ રાલોસપા બનાવી હતી. આ જ કારણ હતું કે કુશવાહાએ પાર્ટી શરૂ કરતી વખતે પોતાનો એક જ હેતુ જણાવ્યો હતો અને એ હતો બિહારમાંથી નીતીશના નેતૃત્વવાળી NDA સરકારને જડમૂળમાંથી ઉખાડી ફેંકવી,
પણ જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા તો નીતીશ NDAથી અલગ થઈ ગયા અને ઉપેન્દ્ર જે NDAની સરકારને ઉખાડીને ફેંકવાની વાત કરતા હતા, એમાં ફરી પાછા જોડાઈ ગયા.

2014ની લોકસભા ચૂંટણીમાં રાલોસપા 3 બેઠક પર લડી અને ત્રણેય જીતી ગઈ. ત્યાર પછી 2015ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાલોસપા NDA સાથે મળીને લડી હતી. આ ચૂંટણીમાં રાલોસપાને 23 બેઠક મળી હતી, જેમાં તે માત્ર બે બેઠક જ જીતી શકી હતી.

ઉપેન્દ્ર માટે જુલાઈ 2017માં સ્થિતિ ત્યારે બદલાવાની શરૂ થઈ ગઈ, જ્યારે નીતીશ ફરી એકવાર NDAનો ભાગ બની ગયા હતા. NDAમાં રહેતી વખતે જ ઉપેન્દ્ર કુશવાહા સતત નીતીશનો વિરોધ કરતા હતા અને છેલ્લે, ઓગસ્ટ 2018માં રાલોસપા NDAમાંથી અલગ થઈ ગઈ હતી.

મહાગઠબંધન સાથે નારાજગી પછી હવે ફરી એકવાર એવી ચર્ચા છે કે રાલોસપા ફરીથી NDA સાથે જઈ શકે છે. જોકે એ પણ સાચું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર અને કુશવાહા વચ્ચે સારા સંબંધ નથી.

રાલોસપાએ પોતાની પહેલી જે બે ચૂંટણી NDA સાથે મળીને લડી હતી એમાં JDU પણ સાથે ન હતી અને જ્યારે નીતીશ 2017માં ફરી NDAમાં પાછા આવ્યા તો એક જ વર્ષમાં રાલોસપા NDAમાંથી અલગ થઈ ગઈ.

બિહારના વરિષ્ઠ પત્રકાર અશોક મિશ્રાએ જણાવ્યું હતું કે રાલોસપા મહાગઠબંધનમાં જેટલી બેઠક ઈચ્છે છે એટલી તેમને મળી રહી નથી. એવામાં તે NDAમાં જઈ શકે છે. જોકે NDAમાં પણ તેમને ધાર્યા પ્રમાણે બેઠકો નહીં મળી શકે. નીતીશ અને કુશવાહા વચ્ચે ખટરાગ પણ તેનું મોટું કારણ હોઈ શકે છે.

બિહારમાં કુશવાહા મતદાતાઓમાં કેટલા મહત્ત્વના?
નીતીશ કુર્મી અને ઉપેન્દ્ર કોઈરી જાતિમાંથી આવે છે. બિહારમાં કોઈરી કુલ વસતિમાં 6થી7 ટકાની આસપાસ છે. રાલોસપાના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ નાગમણિ ઘણી વખત કહેતા હતા કે કોઈરી નંબરોના કેસમાં કુર્મીઓ કરતાં ઘણા મજબૂત છે.

કોઈરી આખા બિહારમાં હાજર છે. એ અલગ વાત છે કે ક્યાંય પણ નિર્ણાયક ભૂમિકામાં આવી શક્યા નથી. અશોક મિશ્રાએ જણાવ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહા બિહારમાં કુશવાહાના પેટેન્ટ નેતા છે. જો ઉપેન્દ્રને નજરઅંદાજ કરવામાં આવશે તો કુશવાહા પણ નારાજ થઈ જાય છે. તેમનું માનવું છે કે ઉપેન્દ્ર જે પણ ગઠબંધનમાં જાય છે તેને કુશવાહાના વધુમાં વધુ મત જરૂર મળશે.

જો રાલોસપા કોઈપણ ગઠબંધનમાં નહીં જાય અને એકલા લડશે તો કોને નુકસાન થશે? આ અંગેના સવાલ પર અશોક મિશ્રાએ કહ્યું હતું કે જો ઉપેન્દ્ર કુશવાહા એકલા ચૂંટણી પણ લડશે તોપણ કોઈને નુકસાન નહીં પહોંચાડી શકે. આવું એટલા માટે કે કુશવાહા મતદાતાઓમાં એટલો દમ નથી કે તે એકપણ વિધાનસભા બેઠકને અલગથી પ્રભાવિત કરી શકે.

અશોક મિશ્રાએ કહ્યું હતું કે બિહારમાં ઘણી જાતિઓના અલગ અલગ નેતા બની ગયા છે. ઉપેન્દ્ર કુશવાહા ક્યારે એકપણ જગ્યાએ ટકીને નથી રહેતા, એટલા માટે અત્યારસુધી તેઓ કુશવાહોના નેતા પણ યોગ્ય રીતે બની શક્યા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post