અડધા કલાકની ચર્ચા માટે સમય આપવા રજૂઆત કરી
ગુજરાતમાં વિધાનસભાની
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજથી બે દિવસનું ટૂંકું વિધાનસભાનું ચોમાસુ સત્ર
શરૂ થયું છે. આ સત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારનું નવું સત્ર છે. જોકે ચૂંટણી બાદ
બનનારી સરકારનું સત્ર મળશે, પરંતુ આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે સરકારને જબરદસ્ત ઘેરી હતી.
કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં વેલમાં ધસી આવ્યા હતા. નારા લગાવીને સરકારનો વિરોધ
કર્યો હતો. વિરોધ કરનારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિધાનસભામાં
સત્ર શરૂ થયા પહેલાં જ કોંગ્રેસે દેખાવો શરૂ કર્યા હતા. બીજી તરફ ઢોર નિયંત્રણ બિલ
બહુમતીના આધારે રદ કરવામાં આવ્યું હતું. આજની ગૃહની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. હવે
22મીએ સવારે ગૃહ ફરી મળશે.
ગુજરાત આતંકવાદ અને
સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, 2022 અને ગુજરાત માલ અને
વેરા (સુધારા) વિધેયક, 2022 બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.
10 ધારાસભ્યને
સસ્પેન્ડ કરવામાં આવ્યા
ગૃહમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં
જિજ્ઞેશ મેવાણી, કનુ બારૈયા, ગેની ઠાકોર, પ્રતાપ દુધાત, વિજયભાઈ, અમરીશ ડેર, બાબુ વાજા, પૂના ગામીત,ચંદનજી ઠાકોર, નૌશાદ સોલંકીને સસ્પેન્ડ
કરવામાં આવ્યા હતા. શૈલેષ પરમારે કહ્યું હતું કે આપનો આદેશ અમે માનીએ છીએ અને
માનીશું. પરેશ ધાનાણી વેલમાં હતા નહિ, પરંતુ તેઓ તેમની જગ્યા પર જ હતા. સરકાર જે પ્રસ્તાવ લાવી છે એ અમે માનીશું.
જિતુ વાઘાણીએ કહ્યું હતું કે તમને શરમ આવવી જોઈએ. શૈલેષ પરમારે સામે જવાબ આપતાં
કહ્યું હતું કે શરમ તમને આવવી જોઈએ. આટલા બધા કર્મચારીઓ આંદોલન કરે છે. જિતુ
વાઘાણીએ કહ્યું હતું કે આંદોલન કરી રહેલા કર્મચારીઓ કોંગ્રેસનો હાથો નહીં બને.
કોંગ્રેસને મુદ્દાઓના ઉકેલમાં રસ નથી.
અધ્યક્ષે ગૃહની ગરિમા જાળવવા કહ્યું
વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને વિનંતી કરતાં કહ્યું
હતું કે ગૃહની ગરિમા જાળવવી, ગૃહનું કાર્યવાહી આગળ ચાલવા દો. સિનિયર સભ્યો છો અને લોકોનું પ્રતિનિધિત્વ કરો
છો. તમે લોકશાહીના નિયમ હેઠળ રજૂઆત કરી શકો છો. ગૃહની અંદર દેખાવો અને ધરણાં કરવા
યોગ્ય નથી. કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રશ્નો કરતાં જણાવ્યું હતું કે
લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે. રાજ્યના 15
લાખથી વધુ કર્મચારીઓ રોડ પર આવી ગયા છે. તેમના
પ્રશ્નોની ચર્ચા કરવાની કોંગ્રેસે માગ કરી તો તેના માટે સમય નથી આપવો. ગુજરાતના
ખેડૂતોના પ્રશ્નો તેમને નથી સાંભળવા.
અડધા કલાકની ચર્ચા માટે સમય આપવા રજૂઆત કરી
વિપક્ષના નેતા સુખરામ રાઠવા બોલવા ઊભા થયા હતા.
તેમણે અડધા કલાકની ચર્ચા માટે સમય આપવા રજૂઆત કરી હતી,
પરંતુ સત્ર ચાલુ થાય એ પહેલાં જ હોબાળો મચી ગયો છે.
ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઊભા થયા અને મેજ તરફ નારાઓ
લગાવ્યા હતા. સરકારી કર્મચારીઓને ન્યાય આપોના નારાઓ લગાવ્યા હતા. વિવિધ પ્રશ્નો
અને માગણીઓને લઈને વિરોધ. સરકારી કર્મચારી,
આંદોલનકારીઓને ન્યાય આપવાના નારાઓ કોંગ્રેસ પક્ષ
દ્વારા શરૂ કરાયા હતા.