• Home
  • News
  • અમેરિકાની કંપની DX પાર્ટનર્સ ગુજરાતના 8 ટેક સ્ટાર્ટઅપમાં રોકાણ કરશે, 2021 સુધીમાં 200 લોકોને રોજગારી આપશે
post

ગુજરાતમાં ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ માટે ઈકોસિસ્ટમ બનાવવા DX હબ પ્લેટફોર્મ બનાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 11:37:24

અમદાવાદ: અમેરિકા સ્થિત વેન્ચર સ્ટુડિયો કંપની DX પાર્ટનર્સ ગુજરાતમાં આગામી એક વર્ષમાં વધુ 8 ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ આ પહેલા અગાઉ રાજ્યના 7 ટેક્નોલોજી સ્ટાર્ટઅપમાં અંદાજે રૂ. 10 કરોડનું રોકાણ કર્યું છે. DX પાર્ટનર્સના સ્થાપક અને મેનેજીંગ ડિરેક્ટર સંદીપ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેક્નોલોજીને લગતા સ્ટાર્ટઅપ્સ માટે ઘણી સંભાવનાઓ રહેલી છે, પરંતુ યોગ્ય ઇકો સિસ્ટમના અભાવે આવા સ્ટાર્ટઅપ્સને યોગ્ય તક મળતી નથી. અમારો ઈરાદો છે કે આવા લોકોને ઇન્વેસ્ટમેન્ટ અને કામ મળી રહે તે માટે એક પ્લેટફોર્મ ઉભું કરવામાં આવે. 2021 સુધીમાં 200 લોકોને રોજગારી મળે તેવા અમારા પ્રયત્નો રહેશે.

કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને સ્ટુડન્ટને એક મંચ પર લાવશે
સંદીપ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ માટે એક ઈકોસિસ્ટમ બને તે હેતુથી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને સ્ટુડન્ટને એક મંચ પર લાવવા એક કોમ્યુનિટી જેવું સેટઅપ બને તે માટે DX હબ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ હબ એક બીજાની જરૂરિયાતોને સમજી અને તેને પૂરી કરશે જેથી તમામ લોકોને ફાયદો થાય. આમાં ખાસ કરીને સ્ટાર્ટઅપને તેમની જરૂરિયાત મુજબનું ફંડ મળી રહે તે અંગે પણ સક્રિય ભૂમિકા રહેશે.

સ્ટાર્ટઅપ્સ માટે આશરે રૂ. 700 કરોડનું ભંડોળ ઉભું કરશે
DX
પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર તેજસ શાહે જણાવ્યું કે, અમે ગુજરાતમાં વીતેલા સાત મહિનામાં 7 સ્ટાર્ટઅપ્સમાં રૂ. 10 કરોડ જેટલું રોકાણ કરી ચુક્યા છીએ અને આવતા દિવસોમાં વધુ ભંડોળ એકઠું કરવામાં આવશે. આ માટે અમે વિવિધ વેન્ચર કેપિટલ ફંડ, પ્રાઈવેટ ઇક્વિટી તેમજ હાઈ નેટવર્થ ઇન્ડીવિડયુઅલ્સ સાથે વાત કરીશું. અમે 2022 સુધીમાં અંદાજે 100 મિલિયન (લગભગ રૂ. 700 કરોડ)નું ફંડ ભેગું કરવા ધારીએ છીએ.

કંપનીએ ભારતનું હેડકવાર્ટર ગુજરાતમાં બનાવ્યું
સીઈઓ ધર્મેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતને અમારા ભારતનું હેડક્વાર્ટર બનાવ્યું છે. આનાથી અમેરિકા અને ભારત, ખાસ કરીને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનશે. દર વર્ષે ગુજરાતથી મોટી સંખ્યામાં યુવાન અને પ્રતિભાસભર લોકો બીજા શહેરોમાં જાય છે. તેમાંના ઘણાં કામ કરવા અને કાયમી વસવાટ માટે અમેરિકા, કેનેડા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ જાય છે. આ પ્રતિભાઓને વધુ પ્રગતિ માટે પૂરતી તકો પૂરી પાડીને તેઓ ગુજરાતમાં જ રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post