• Home
  • News
  • ઉત્તર પ્રદેશ:હાથરસમાં આત્મા ધ્રુજી જાય એેવી ઘટના, દુષ્કર્મ પછી જીભ કાપી, ગરદન, કરોડરજ્જુ તોડી... આખરે મોત
post

બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે, હેવાનોને કડક સજા મળવી જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 09:56:09

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં સામૂહિક બળાત્કારની શિકાર બનેલી દલિત યુવતીનું આખરે મોત થઈ ગયું છે. 14 સપ્ટેમ્બરે નરાધમોએ બળાત્કાર કરીને તેનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ બાદમાં તેને મૃત્યુ પામેલી સમજીને ત્યાં જ છોડી દીધી. બાદમાં ખેતરમાંથી તે બેભાન અવસ્થામાં મળી આવી ત્યારે તેની કરોડરજ્જુ, ગળાનાં હાડકાં પણ તૂટી ગયાં હતાં. આ દરમિયાન વિરોધ અને ઝપાઝપીમાં યુવતીની જીભ પણ કપાઈ ગઈ હતી. યુવતીને તાત્કાલિક અલીગઢની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી. ત્યાં તેની તબિયત બગડતા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવાઈ. આખરે 29 સપ્ટેમ્બરે રાત્રે ત્રણ વાગ્યે તે જિંદગી સામે હારી ગઈ.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, 22 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં જ યુવતીનું નિવેદન લેવાયું હતું. ત્યારે તે માંડ પોતાની આપવીતી જણાવી શકી કારણ કે, જીભ કપાઈ જતા તે ફક્ત ઈશારાથી જ વાત કરતી હતી. પોલીસ રિપોર્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. પોલીસે ફરિયાદ નોંધીને સંદીપ, રામુ, લવકુશ અને રવિ નામના ચાર આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ, પીડિતાના પિતાએ કહ્યું કે, મારી પુત્રી જેવું દર્દ કોઈએ સહન ના કરવું પડે એટલે આરોપીઓને ઝડપથી ફાંસી આપવી જોઈએ.

અક્ષયકુમારે કહ્યું- આવી ક્રૂરતા, આ બધું ક્યારે અટકશે?
હાથરસ દુષ્કર્મના અહેવાલો પછી અભિનેતા અક્ષયકુમારે સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું છે કે, હાથરસ જેવા ગેંગરેપ, ક્રૂરતા, આ બધું ક્યારે અટકશે? આપણા કાયદા હજુ કડક હોવા જોઈએ, જેથી બળાત્કારીઓ ડરના માર્યા કાંપતા રહે.

બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે, હેવાનોને કડક સજા મળવી જોઈએ. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ, જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી.

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, આવી ઘટનાઓ રોકવા સમાજની માનસિકતામાં બદલાવ આવવો જરૂરી છે. પીડિત પરિવારની અમે શક્ય તમામ મદદ કરીશું.

કોંગ્રેસ, બસપા અને સપાના યોગી સરકાર સામે પ્રહાર
પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું છે કે, યુપીમાં કાયદો અને વ્યવસ્થા કથળી ચૂક્યા છે. મહિલા સુરક્ષાનું તો નામોનિશાન નથી. ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વધુ એક યુવતીને યુપીના વર્ગ વિશેષે જંગલરાજમાં મારી નાંખી. સરકારે કહ્યું કે, આ ફેક ન્યૂઝ છે અને પીડિતાને મરવા માટે છોડી દીધી. ના તો આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફેક હતી, ના તો પીડિતાનું મોત અને ના તો સરકારની બેરહેમી. દરમિયાનમાં આ ઘટનાના વિરોધમાં દિલ્હી મહિલા કોંગ્રેસ કાર્યકરે મંગળવારે વિજયચોક પર દેખાવો કર્યા, જ્યારે ભીમ આર્મીએ દિલ્હીમાં હોસ્પિટલ બહાર દેખાવો કરીને ટ્રાફિક જામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post