• Home
  • News
  • વડોદરાની યાસ્તિકા ભાટિયા ન્યૂઝીલેન્ડમાં રમશે, ફાસ્ટ વિકેટને ધ્યાનમાં લઇ રોજ 3 કલાક પ્રેક્ટિસ કરી શ્રેષ્ઠ પ્રદર્શન માટે સજ્જ
post

વિશ્વ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમ સાથે જોડાવા મુંબઇ માટે યાસ્તિકાનું પ્રયાણ

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-17 11:23:50

વડોદરા: ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનાર અને વિશ્વકપ રમનાર ભારતીય મહિલા ટીમમાં વડોદરાની ડાબોડી સ્ટાઈલીસ્ટ બેટધર અને વિકેટ કીપર યાસ્તિકા ભાટિયાની પસંદગી થતાં તે મુંબઇ ખાતે ભારતીય ટીમ સાથે જોડાવવા માટે વડોદરા એરપોર્ટથી રવાના થઇ હતી. મુંબઇથી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ જવા રવાના થશે. મુંબઇ રવાના થતાં પહેલાં યાસ્તિકાએ જણાવ્યું હતું કે વિશ્વકપ ભારત જીતે તે માટે મારો શ્રેષ્ઠ પ્રયાસ રહેશે. મારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે કોઈ કસર નહીં રાખું.

મુંબઇ જવા માટે યાસ્તિકા વડોદરા એરપોર્ટ પર પહોંચી ત્યારે ભારતીય મહિલા ટીમના પૂર્વ મેનેજર અને બીસીએના ચીફ સિલેકટર (મહિલા ટીમ) ગીતા ગાયકવાડે વિશ્વકપ માટેની શુભેચ્છા પાઠવી ઉષ્માભરી વિદાય આપી હતી. પિતા હરીશ ભાટિયાએ જણાવ્યું હતું કે તે વિશ્વકપ માટે ખૂબ ઉત્સાહી છે જતાં પહેલાં મને કહ્યું કે પપ્પા હું વર્લ્ડ કપ સાથે પાછી આવીશ. તેણીએ ન્યુઝીલેન્ડની ફાસ્ટ વિકેટો સાથે તાલમેલ મેળવવા માટે રિલાયન્સ ક્રિકેટ મેદાન ખાતે પૂર્વ ક્રિકેટર કિરણ મોરેના નેજા હેઠળ રોજ ત્રણ કલાક સ્પીન અને પેસ બોલિંગની મુંબઇ જતાં સુધી પ્રેક્ટિસ જારી રાખી હતી.

ન્યૂઝીલેન્ડમાં ન્યુઝૂલેન્ડ સામે ભારતીય મહિલા ટીમ પાંચ વન-ડે અને ટી-20 મેચ અને ત્યાર બાદ વિશ્વકપ રમશે. ગયા વરસે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ગયેલી ભારતની ત્રણેવ ફોર્મેટની ટીમમાં યાસ્તિકાનો સમાવેશ થયો હતો. યાસ્તિકા બોલદીઠ રન કરવામાં ખૂબ માહેર છે. તેની આક્રામક બેટિંગ તેનું જમા પાસું છે. નોંધનીય છે કે અઢી વર્ષ પહેલાં ભારતીય મહિલા એ ટીમ માટેની પણ તેની પસંદગી કરાઈ હતી. બે વર્ષ પહેલાં ભારતના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકા ટીમ સામેની ભારતીય ટીમમાં પણ યાસ્તિકાની પસંદગી કરાઈ હતી.