• Home
  • News
  • વડોદરા SOGની પત્ની ગુમ થવાનો મામલો:PI પતિ શંકાના ઘેરામાં; વર્તણૂકનો ટેસ્ટ કરાયો, હવે નાર્કો માટે મંજૂરી માગવામાં આવશે
post

PI એ.એ.દેસાઇનાં પત્ની સ્વિટી પટેલ 1 માસ પહેલાં ભેદી સંજોગોમાં ગુમ થઇ જવાના પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-07 11:58:31

વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ફરજ બજાવનારા પીઆઇ એ.એ.દેસાઇના પત્ની સ્વિટી પટેલ 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાના પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે મંગળવારે પીઆઇ દેસાઇનો એસડીએસ ટેસ્ટ કરાવ્યો હતો.જ્યારે તેમનો પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ માટે મંજુરી મેળવવા માટે અરજી કરાઇ હતી.

પત્ની ગુમ થવાના પ્રકરણની તપાસ શરૂ થતાં પોલીસ વડાએ પીઆઇ દેસાઇને લીવ રિઝર્વમાં મુકી દીધા હતા. એસઓજી તથા એએચટીયુ તથા સાયબર ક્રાઇમનો ચાર્જ જિલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળાને સોંપવામાં આવ્યો હતો. પીઆઇની પત્ની ગુમ થતાં પોલીસ તંત્રમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા જિલ્લા એસઓજી પીઆઇ એ.એ.દેસાઇનાં પત્ની સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ (ઉ.વ. 37) 5 જૂને રાત્રે 1 વાગ્યાથી સવારે 8-30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહેતા જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. 1 માસ પછી પણ સ્વિટી પટેલની કોઇ ભાળ ના મળતાં તેમની શોધખોળ માટે પેમ્પલેટ છપાવી જાહેરાત કરવામાં આવી છે,પણ પોલીસને કોઇ કડી મળી ન હતી.

જિલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઇએ જણાવ્યું કે, સ્વિટી પટેલની શોધખોળ માટે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અને ડભોઇ ડિવિઝનના સ્ટાફ અને કરજણ પોલીસ સહિત પોલીસની 5 ટીમોએ ઊંડી તપાસ શરૂ કરી છે. અવાવરુ સ્થળો, ખેતરો, રેલવે ટ્રેક સહિતના સ્થળે તથા સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સીડીઆરના આધારે તપાસ કરાઇ રહી છે. મંગળવારે પીઆઇ દેસાઇનો ગાંધીનગર ખાતે એફએસએલમાં એસડીએસ ટેસ્ટ કરાવાયો છે. જ્યારે પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ માટે મંજુરીની આવશ્યકતા હોવાથી અરજી પણ કરાઇ છે.

તેમણે જણાવ્યું કે, કોઇ એવી ઘટના બની હોય તો તે ચકાસવા પીઆઇ અજય દેસાઇના લેવાયેલા નિવેદનોની એફએસએલ દ્વારા ચકાસણી કરાઇ રહી છે. સામાજિક કારણોસર વાત વધુ ફેલાય નહીં તેમાટે પીઆઇ દેસાઇએ ફરિયાદ કરી ના હોવાનું પીઆઇએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું.

PIના અન્ય મહિલા સાથે સંબંધની શંકાએ પત્ની સ્વિટી સાથે વારંવાર તકરાર થતી હતી
સ્થાનિક સૂત્રો મુજબ પીઆઇ એ.એ. દેસાઇના અગાઉ પણ લગ્ન થયા હતા અને ત્યારબાદ સ્વીટીબેન પટેલ સાથે તેમણે ફૂલ-હાર કર્યા હતા.સ્વિટીબહેનના આ ત્રીજા લગ્ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં પીઆઇના અન્ય મહિલા સાથેના સંબંધની શંકાના કારણે સ્વિટીબેન પટેલ સાથેે ચકમક ઝરતી હતી. એક મહિના પહેલાં બંને વચ્ચે આ મુદ્દે મોટો ઝઘડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત પીઆઇએ કંપાસ જીપ લીધી હતી અને તેનો નંબર પણ ન હતો. આ જીપ કોની હતી તેની તપાસ ચાલી રહી છે. પીઆઇએ પત્ની સાથે સામાજિક કારણોસર પ્રશ્નો હોવાનું સ્વીકાર્યું હતું. તેથી તે ગુમ થયાં હોવાનું તેમજ વાત ફેલાય નહીં તે માટે પોલીસને જાણ કરી ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

એસડીએસ ટેસ્ટ શું છે?
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વ્યક્તિના ના વર્તન તથા વર્તણુંકના આધારે એસડીએસ ટેસ્ટ ફોરેન્સિક વિભાગ દ્વારા કરવામાં આવે છે. પીઆઇ અજય દેસાઇએ પોલીસને આપેલા નિવેદનોની સત્યતા ચકાસવા માટે ફોરેન્સિકમાં તેમને લઇ જઇને એસડીએસ ટેસ્ટ કરાવ્યો હતો. તેના આધારે તપાસ શરુ કરી હતી.

પોલીસની 5 ટીમો દ્વારા શોધખોળ, પત્તો ન મળ્યો
​​​​​​​સમગ્ર કેસની તપાસ ડભોઇ ડિવીઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીને સોંપાઈ છે. પોલીસની 5 ટીમોએ વિવિધ સ્થળોએ ઉંડી શોધખોળ શરુ કરી હતી પણ પોલીસને કોઇ નક્કર કડી મળી શકી ન હતી. ઝડપથી આ ગુનો ઉકેલાય તે માટે વડોદરા ગ્રામ્ય પોલીસ મહેનત કરી રહી હોવાનું જિલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઇએ જણાવ્યું હતું.

પીઆઇ પત્નીને ઘરમાં બંધ કરીને જતા હોવાની ચર્ચા
કરજણના સ્થાનિક લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ પીઆઇ દેસાઇ ઘરમાંથી બહાર જાય ત્યારે પત્નીને ઘરમાં બંધ કરીને જતા હતા. આ વાતની સત્યતા ચકાસવા પોલીસે તપાસ શરૂ કરી હતી. બંને વચ્ચે કયા પ્રકારના પ્રશ્નો ઉદભવ્યા હતા અને કેવો તણાવ રહેતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમના સગાઓ અને મિત્રોની પણ પુછપરછ કરાઇ રહી છે.

સ્વિટી અડધી રાત્રે નાના બાળકને ઘરે મૂકીને આ રીતે જતી ના રહે
​​​​​​​સ્વિટી મારી પૂર્વ પત્ની છે. અમે 7 વર્ષ પહેલાં છૂટાં પડ્યાં હતાં. લગભગ 5-6 વર્ષ પહેલાં સ્વિટીએ અજય દેસાઇ સાથે લગ્ન કર્યાં હતાં. તે કરજણના ઘેરથી જતી રહ્યા બાદ તેમણે અમને અહીં ફોન કરી મારા પુત્ર રીધમને પૂછયું કે, મમ્મીનો ફોન આવ્યો હતો, ત્યારે જાણ થઇ કે સ્વિટી ઘર છોડી જતી રહી છે. તે કેમ ગઇ તે કહેવું મુશ્કેલ છે પણ મેં તેની સાથે 13 વર્ષ ગાળ્યાં હતાં, મને પૂરો વિશ્વાસ છે કે તે અડધી રાત્રે નાના બાળકને મૂકીને આ રીતે જતી ના રહે. મુશ્કેલભર્યા સમયમાં પણ તેણે મને છોડ્યો ન હતો તો અત્યારે એવી સ્થિતિ ન હતી કે તે જતી રહે. અમને હાલ ફરિયાદ નથી પણ અમે ઇચ્છીએ છીએ કે તે જલ્દી પાછી આવી જાય કે તેની સાથે અજુગતું થયું હોય તો તેને ન્યાય મળે. 2-3 માસ પહેલાં સ્વિટીને રીધમ સાથે વાત થઇ હતી. સ્વિટીએ અજય સાથે ફૂલહાર કર્યા હતા પણ મેરેજ રજિસ્ટર કર્યા ન હતા, જેથી તે કોર્ટમાં રજિસ્ટર કરવા દબાણ કરતા હતા, પણ અજય દેસાઇએ રજિસ્ટર કરાવ્યું ન હતું. - હેતસ પંડ્યા, સ્વિટી પટેલના પૂર્વ પતિ, ઓસ્ટ્રેલિયા​​​​​​​​​​​​​​

મને ડર છે કે, મારી મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને!
મારું નામ રીધમ પંડ્યા (ઉ.17) છે. હું મમ્મીને શોધવા પ્રયત્ન કરી રહ્યો છું, જે 4 જૂનના મોડી રાતથી કે 5 જૂન વહેલી સવારથી વડોદરાના કરજણના ઘેરથી ખોવાયેલી છે. થોડાં વર્ષો પહેલાં મારાં મમ્મી-પપ્પા અલગ થયાં હતાં અને હું અને મારો નાનો ભાઇ પપ્પા સાથે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ. મારાં મમ્મી અજય દેસાઇ સાથે લગ્ન કર્યા હતા અને તેમને 2 વર્ષનો દીકરો પણ છે. મારી મમ્મી કોઇને કહ્યા વગર જતી રહી હશે અને થોડા દિવસમાં આવી જશે તેવું વિચારી અજય દેસાઇએ 6 દિવસ સુધી પોલીસમાં જાણ કરી ન હતી, પછી તેમણે મારા મામાને બોલાવીને પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

મને ભારતની કાનૂની વ્યવસ્થા અને ગુજરાત પોલીસની કામગીરી પર ભરોસો છે. મારી મમ્મી જાતે પાછી આવી જશે એવું વિચારી મેં ઘણી રાહ જોઇ લીધી. મેં સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચાલુ કર્યું છે અને તમારી મદદની જરૂર છે. મમ્મી મને કે મારા ભાઇને મૂકી એમ જ જતી રહે નહીં. મને ડર છે કે મારી મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. પ્લીઝ હેલ્પ, તમારી પાસે કોઇ જાણકારી હોય તો જણાવશો કે આ પોસ્ટને જેટલા લોકોને મોકલી શકો એટલા લોકોને મોકલો. માહિતી આપનારને યોગ્ય વળતર અપાશે. રીધમ પંડ્યા, સ્વિટી પટેલનો પુત્ર, ઓસ્ટ્રેલિયા (સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ)

 

adv

Related News

post
post
post
post
post
post
post