• Home
  • News
  • વડોદરામાં 17 વર્ષની વિદ્યાર્થિની સાથે ગુમ થયેલું શિક્ષક દંપતી 140 દિવસે મળી આવ્યું
post

40 દિવસ પહેલા વડોદરામાંથી ગુમ થઈ ગયેલા શિક્ષક દંપતીની ભાળ પોલીસે મેળવી લીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-17 11:37:31

140 દિવસ પહેલા વડોદરામાંથી ગુમ થઈ ગયેલા શિક્ષક દંપતીની ભાળ પોલીસે મેળવી લીધી છે. શિક્ષક દંપતી 17 વર્ષની વિદ્યાર્થિની સાથે ગુમ થઈ ગયું હતું. ત્રણેય લોકો મહારાષ્ટ્રના શિરડીમાંથી મળી આવ્યાં છે. વડોદરા શહેર પોલીસે ત્રણેયને લઈને વડોદરા આવવા માટે રવાના થઈ ગઈ છે. આજે (ગુરુવારે) પોલીસ આ મામલે સત્તાવાર રીતે વધારે વિગતો જાહેર કરે તેવી શક્યતા છે. આ મામલે શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં શિક્ષક દંપતી સામે અપહરણનો ગુનો દાખલ થયેલો છે.

વડોદરા નજીક બિલ ગામ આવેલું છે. આ ગામમાં કશ્યપ પટેલ અને તેની પત્ની કવિતા પટેલ ઓમ નામે ટ્યુશન ક્લાસિસ ચલાવતા હતા. આ જ ગામમાં રહેતી 17 વર્ષની કિશોરી દંપતીને ત્યાં ટ્યુશનમાં જતી હતી. કિશોરી છેલ્લા ચાર વર્ષથી દંપતીને ત્યાં જ ટ્યુશન માટે જતી હતી. મે મહિનાથી શિક્ષક દંપતી અને કિશોરી ગુમ થઈ ગયા છે. આ મામલે કિશોરીના પિતાએ તેની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આપી છે.

કિશોરી છેલ્લા ચાર વર્ષથી ટ્યુશનમાં આવતી હોવાથી શિક્ષક કશ્યપ પટેલ અને કિશોરીના પિતા મનહરભાઇને પારિવારિક સંબંધો બંધાયા હતા. બંને પક્ષો એકબીજાના ઘરે આવતા જતા હતા. આ દરમિયાન ટ્યુશન ક્લાસમાં આવતી કિશોરીએ ધોરણ-12ની પરીક્ષા આપી હતી, જેમાં તેને સફળતા મેળવી હતી. જે બાદમાં કશ્યપ પટેલ અને કવિતા પટેલ કિશોરીને લઈને અંબાજી ગયા હતા. દંપતીએ કિશોરીને લઈને કોઈ બાધા રાખી હતી જેને પૂરી કરવા માટે તેને લઈને અંબાજી ગયા હતા. અંબાજીથી આ દંપતી કિશોરી સાથે ગુમ થઈ ગયું હતું. દંપતી કિશોરી સાથે અંબાજી પહોંચ્યું ત્યારે કિશોરીએ તેના પિતા સાથે મોબાઇલ ફોન પર વાતચીત પણ કરી હતી.

મનહરભાઈ સાથે તેની દીકરીએ છેલ્લે 30મી મેના રોજ ફોન પર વાત કરી હતી. જે બાદમાં શિક્ષક દંપતી અને તેની દીકરીના મોબાઇલ ફોન બંધ થઈ ગયા હતા. આ મામલે અનેક જગ્યાએ શોધખોળ બાદ કિશોરીના પિતાએ 6 જૂનના રોજ દીકરીના અપહરણની ફરિયાદ આપી હતી. કિશોરી ગુમ થયાના 140 દિવસ બાદ વડોદરા પોલીસને ત્રણેય લોકો શિરડી હોવાની માહિતી મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post