• Home
  • News
  • પાટીલના ખાસ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના નજીકના જયેશ બોઘરા રાજકોટ યાર્ડના ચેરમેન, વાઇસ-ચેરમેન તરીકે વસંત ગઢિયા
post

યાર્ડના સૌથી સિનિયર ગણાતા પુરુષોત્તમ સાવલિયાનું પત્તું કપાતાં ઉદાસ જોવા મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-02 13:47:51

રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશોની આજે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ખાસ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના નજીકના જયેશ બોઘરા પર ચેરમન તરીકેનો કળશ ઢોળવામાં આવ્યો છે તેમજ વાઇસ-ચેરમેન તરીકે વસંત ગઢિયાની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાટીલે જ બનાવેલા નિયમ મુજબ પક્ષમાં વહાલા દવલાની નીતિ ચલાવવામાં આવશે નહીં, પરંતુ રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશોમાં વહાલા દવલાની નીતિ સામે આવી છે. ભાજપે બનાવેલા નિયમોનો ભંગ ભાજપના જ નેતાઓ કરી રહ્યા છે. જયેશ બોઘરા એડવોકેટ પણ છે અને રામપર ગામમાં તેમનાં પત્ની સરપંચ છે.

ચેરમેન અને વાઇસ-ચેરમેનનાં નામનું પ્રદેશ ભાજપમાંથી કવર આવ્યું હતું
રાજકોટ બેડી યાર્ડની ચૂંટણી ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થઇ હતી, જેના દોઢ મહિના બાદ આજે યાર્ડને નવા સુકાની મળ્યા છે. આ અંગે ભાજપે ગોંડલ યાર્ડમાં સેન્સ પણ લીધી હતી. એમાં જે નામ સૂચવવામાં આવ્યાં હતાં એ નામની યાદી પ્રદેશ કક્ષાએ મોકલી દેવાઈ હતી. મોડી રાત સુધી સ્થાનિક સહકારી જગતથી લઈને ગાંધીનગર સુધી આ અંગે બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. અંતે, પ્રદેશમાંથી આવેલાં બે નામ- જયેશ બોઘરાને ચેરમેન અને વસંત ગઢિયાને વાઇસ-ચેરમેન બનાવાયા છે.

ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા એવો કોઇને અંદાજ હતો?: સાવલિયા
નારાજ પરસોત્તમ સાવલિયાએ જણાવ્યું હતું કે, ચેરમેન અને વાઇસ ચેરમનની નિમણૂક માટે આખી પ્રક્રિયા હોય છે. છેલ્લે ઓલઓવર પાર્ટી નિર્ણય કરે તે અમને માન્ય કહેવાય. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા એવો કોઇને અંદાજ હતો? આ બધુ ચાલતુ હોય છે રાજકારણમાં.

ડી.કે. સખિયાએ પુત્ર માટે ગાંધીનગર સુધી લોબિંગ શરૂ કર્યું હતું
સેન્સમાં પુરુષોત્તમ સાવલિયાનું નામ સૂચવવામાં આવ્યું હતું, જેને કારણે તેઓ ડિરેક્ટર તરીકે ફાઈનલ હોવાનું મનાઈ રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીમાં ફેરફાર થયો એમાં આંતરિક રાજકારણ જવાબદાર હોવાની સહકારી જગતમાં ચર્ચા છે. જોકે છેલ્લી ઘડીએ જયેશ બોઘરા અને વસંત ગઢિયાનાં નામો આવ્યાં હતાં, જેને કારણે સહકારી જગતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જે-તે સમયે યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે. સખિયાના પુત્ર જિતુ સખિયાનું નામ પણ સ્પર્ધામાં રહ્યું હતું. આ માટે ડી.કે. સખિયાએ ગાંધીનગર સુધી લોબિંગ શરૂ કર્યું હતું. જોકે અંતે તેમનું નામ કાપી જયેશ બોઘરા અને વસંત ગઢિયા પર પ્રદેશ ભાજપે કળશ ઢોળ્યો છે.

યાર્ડના સિનિયર ગણાતા પુરુષોત્તમ સાવલિયાનું પત્તું કપાયું
યાર્ડના નવા ચેરમેનપદ માટે સિનિયર તરીકે એકમાત્ર પુરુષોત્તમ સાવલિયાનું નામ મોખરે ચાલી રહ્યું હતું, પરંતુ તેમના પર ચેરમેન તરીકે મહોર મારવામાં આવે તો એક જૂથ બળવો કરવાની તૈયારીમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આથી તેના નામ પર પ્રદેશ ભાજપે કાતર લગાવી દીધી હતી. નામ કપાતાં આજે તેઓ યાર્ડ ખાતે ઉદાસ જોવા મળ્યા હતા. યાર્ડના નવા સુકાનીઓની પસંદગીમાં જયેશ રાદડિયા, મનસુખ ખાચરિયા, મોહન કુંડારિયા, ભરત બોઘરા વગેરેની ભૂમિકા મહત્ત્વવની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

સાવલિયાના નામને લઇ બળવો થયો હતો
બેડી માર્કેટ યાર્ડમાં ચેરમેન તરીકે યુવા ચહેરા પર કળશ ઢોળાતાં સિનિયર ડિરેક્ટર પુરુષોત્તમ સાવલિયાએ નારાજગી વ્યક્ત કરી છે. પુરુષોત્તમ સાવલિયા ચેરમેનપદની રેસમાં હતા. જોકે તેના નામને લઇને ગઇકાલે રાત્રે એક જૂથમાં બળવો થતાં રાતોરાત તમામ ડિરેક્ટરોને એકત્ર કરવામાં આવ્યા હતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને મનસુખ ખાચરિયાએ નારાજગી ઠારવાના પ્રયાસો કર્યા હતા, એવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે.

જૂથવાદને કારણે ચેરમેન અને વાઇસ-ચેરમેનની પસંદગીમાં ખેંચતાણ થઇ હતી
ગત 5 ઓક્ટોબરના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી અને 6 ઓક્ટોબરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થયું હતું, જેમાં વેપારી પેનલની એક બેઠકને બાદ કરતાં તમામ બેઠક પર ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ હતી. ત્યારે હવે સત્તાધીશો માટેની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જેવો માહોલ જોવા મળી છે. માર્કેટ યાર્ડની સામાન્‍ય ચૂંટણીમાં ખેતી, સંઘ અને વેપારી સહિત 3 વિભાગની કુલ 16 પૈકી 14 બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળેલા ઉમેદવારની પસંદગી વખતે મામલો પ્રદેશ સુધી પહોંચ્‍યો હતો. એક સમયે ભાજપમાં જૂથવાદને કારણે ચેરમેન અને વાઇસ-ચેરમેનની પસંદગીમાં પણ ખેંચતાણ થઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post