• Home
  • News
  • શિયાળુ સત્ર-ગૃહમાં અને બહાર ડુંગળીના ભાવો પર વિપક્ષનો હોબાળો
post

સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગુરુવારે લોકસભામાં ડુંગળીના ભાવો અંગે જોરદાર હંગામો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 11:25:59

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગુરુવારે લોકસભામાં ડુંગળીના ભાવો અંગે જોરદાર હંગામો થયો. લોકસભામાં કોંગ્રેસ સાંસદ સુરેશે કહ્યું કે દેશભરનાં બજારોમાં ડુંગળી 90થી 120 રૂપિયે કિલો વેચાઇ રહી છે. મોટાં શહેરોમાં તેની કિંમત 130 રૂપિયા સુધી પહોંચી ગઇ છે છતાં મહારાષ્ટ્રના ખેડૂતોને એક કિલો ડુંગળી માટે માત્ર 8 રૂપિયા જ મળી રહ્યા છે. ભાવો વધવાનો લાભ ખેડૂતોને મળી રહ્યો નથી. વધુમાં હવામાનનો માર, જળવાયુ પરિવર્તન અને લોન ભરવા માટે બેન્કોના દબાણ સામે ઝઝૂમી રહ્યા છે. કમોસમી વરસાદ અને પૂરને કારણે આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોના 137 જિલ્લામાં ભારે નુકસાન થયું છે પરંતુ કેન્દ્ર સરકાર ખેડૂતોને વળતર આપ્યું નથી. રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ 2016માં 11,379 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરી રહ્યા છે.

ડુંગળીના વધતા ભાવો વિરુદ્ધ સંસદની બહાર કોંગ્રેસે દેખાવો કર્યા તેમાં માજી નાણામંત્રી ચિદમ્બરમ પણ સામેલ થયા. તેમણે અને અન્ય નેતાઓએ હાથમાં પોસ્ટર રાખ્યાં હતાં. તેના પર લખેલું હતું- મંહગાઇ કી પ્યાઝ પર માર, ચૂપ ક્યોં મોદી સરકાર’. કેટલાક સાંસદો છાબડીમાં ડુંગળી લઇ આવ્યા હતા. તેઓ સૂત્રો પોકારી રહ્યા હતા કૈસા હૈ મોદી કા રાજ, મહંગા રાશન-મહંગા અનાજ’.

 

adv

Related News

post
post
post
post
post
post
post