• Home
  • News
  • અશોક ગેહલોતને ચેતવણીઃ રાજસ્થાનમાં જરૂર પડે કોંગ્રેસ મોટા નિર્ણયો લેતા નહીં અચકાય
post

અમે રાજસ્થાનના મુદ્દાઓનું સમાધાન નીકાળીશું જેથી અમારૂ સંગઠન મજબૂત બનશેઃ જયરામ રમેશ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-28 17:54:47

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતના તાજેતરના ઈન્ટરવ્યુથી હંગામો મચી ગયો છે. આ ઈન્ટરવ્યુમાં ગહલોતે સચિન પાયલટ અંગે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસે ચેતાવણી આપી છે. રવિવારના રોજ કોંગ્રેસે કહ્યું હતું કે અશોક ગેહલોતે ગત સપ્તાહે એક મીડિયા ઈન્ટરવ્યુમાં સચિન પાયલટને લઈને કેટલાક વિશેષ શબ્દનો ઉપયોગ નહોતો કરવાનો. ઈન્દોરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, જો જરૂર પડશે તો રાજસ્થાનમાં સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસ મોટા નિર્ણયો લેવામાં અચકાશે નહીં. 

જયરામ રમેશે અશોક ગેહલોતના ઈન્ટરવ્યુ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, 'કેટલાક મતભેદો છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કેટલાક શબ્દોનો પ્રયોગ કર્યો હતો જે અનપેક્ષિત હતા. તેનાથી મને પણ આશ્ચર્ય થયું હતું. અશોક ગેહલોતે પોતાના ઈન્ટરવ્યુમાં કેટલાક શબ્દોનો ઉપયોગ નહોતો કરવાનો.

જયરામ રમેશે કહ્યું હતું કે, 'અમે રાજસ્થાનના મુદ્દાઓનું સમાધાન નીકાળીશું જેથી અમારૂ સંગઠન મજબૂત બનશે. તેના માટે અમારે કડક નિર્ણયો લેવા પડશે તો અમે લઈશું. તે કરવામાં આવશે.'

ગેહલોતે ગુરૂવારના રોજ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સચિન પાયલટ ગદ્દાર (દેશદ્રોહી) છે. તેમણે પાર્ટીને દગો આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાયલોટે વર્ષ 2020માં કોંગ્રેસ સામે બળવો કર્યો હતો અને રાજ્ય સરકારને પાડવાનો પ્રયત્ન કર્યો હતો. 

તેમણે કહ્યું હતું કે 'એક ગદ્દાર મુખ્યમંત્રી ન બની શકે... હાઈકમાન સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનાવી શકે, એક એવો વ્યક્તિ. જેની પાસે 10 ધારાસભ્યો પણ નથી.. તેવો વ્યક્તિ, જેણે વિદ્રોહ કર્યો... તેમણે પાર્ટીને દગો આપ્યો, તે ગદ્દાર છે...'

અશોક ગેહલોતે આ ઈન્ટરવ્યુમાં વર્ષ 2020માં થયેલા બળવા વિશે વિગતવાર જણાવતા કહ્યું હતું કે, 'ભારતમાં આવું કદાચ પહેલીવાર બન્યું હશે, જ્યારે એક પાર્ટી અધ્યક્ષે જ પોતાની સરકારને પાડવાનો પ્રયત્ન કર્યો...' અશોક ગેહલોતે કોઈ પુરાવા નથી આપ્યા પરંતુ કહ્યું હતું કે આ બળવાને BJP દ્વારા ભંડોળ પૂરૂ પાડવામાં આવ્યું હતું અને તેની પાછળ કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત BJPના વરિષ્ઠ નેતાઓ પણ સામેલ હતા.

ત્યારે બે વર્ષ સુધી રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા સચિન પાયલટ 19 ધારાસભ્યોને લઈને દિલ્હીની નજીક એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં પહોંચી ગયા હતા. કોંગ્રેસ માટે આ સીધો પડકાર હતો- કાં તો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે, અથવા તેઓ કોંગ્રેસ છોડીને જતા રહેશે અને આ કારણે માત્ર થોડા રાજ્યોમાં શાસન કરતી પાર્ટી  એક રાજ્યમાં તૂટી પણ ગઈ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post