• Home
  • News
  • દિલ્હીમાં જળસંકટ ઘેરું બન્યું : આજથી બે ડઝન જેટલાં વિસ્તારોમાં પાણીકાપ
post

હરિયાણામાંથી દિલ્હીના ભાગનું પાણી છોડવામાં ન આવતા પીવાના પાણીના પ્લાન્ટમાં પ્રોડક્શન નહીંવત થયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-17 10:57:06

નવી દિલ્હી : દિલ્હીમાં જળસંકટ ઘેરું બની ગયું છે. પર્યાપ્ત પાણીનો જથ્થો ન હોવાથી ૧૭મી મેથી બે ડઝન જેટલાં વિસ્તારોમાં પાણીકાપ મૂકાશે. દિલ્હી વોટર બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે યમુનામાં પાણી સુકાઈ ગયું છે. તેના કારણે વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં પ્રોડક્શન સાવ ઘટી ગયું છે. જરૂર પડશે એ વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે.

દિલ્હી જલ બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે યમુના સુકાઈ ગઈ છે. વઝીરાબાદમાં પાણીનો જથ્થો માત્ર ૬૬૭ ફૂટનો જ બચ્યો છે. આ ગયા વર્ષની તુલનાએ પણ ઓછો છે.

 તેનાથી વઝિરાબાદ, ચંદ્રાવલ અને ઓખલામાં કાર્યરત વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ્સમાં પાણીનું શુદ્ધિકરણ ૬૦થી ૭૦ ટકા ઘટી ગયું છે. વળી, હરિયાણામાંથી દિલ્હીના ભાગનું જે પાણી આવતું હતું એમાં ઘટાડો થઈ ગયો છે. દિલ્હીના જલ બોર્ડે હરિયાણાને વિનંતી કરી છે, તેમ છતાં પૂરતો જથ્થો મળતો નથી. તેના કારણે દિલ્હીના ૨૫ જેટલા વિસ્તારોમાં પાણીનો કાપ મૂકવો પડશે.

દિલ્હી જલ બોર્ડના અધિકારીઓએ લોકોને પાણીની બચત કરવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, જે વિસ્તારોમાં જરૂર પડશે ત્યાં ટેન્કરથી  પાણી પહોંચાડવામાં આવશે, તેમ છતાં યમુનામાં પૂરતો જથ્થો નહીં થાય ત્યાં સુધી પાણીકાપની સ્થિતિ રહેશે એવી સ્પષ્ટતા કરી છે. દિલ્હીમાં દરરોજ ૧૨૦૦ લાખ ગેલન પાણીની જરૂર પડે છે, તેની સામે અત્યારે ૯૫૦ લાખ ગેલનનો જથ્થો જ ઉપલબ્ધ બનતો હોવાથી જળસંકટ દિવસે દિવસે ગહેરું બનતું જાય છે.

દિલ્હીના સિવિલ લાઈન્સ, હિન્દુરાવ હોસ્પિટલ અને તેની આસપાસના વિસ્તારો, કમલા નગર, શક્તિનગર, કરોલ બાગ, પહાડગંજ, એનડીએમસી એરિયા, ઓલ્ડ એન્ડ ન્યૂ રાજેન્દ્ર નગર, પટેલનગર, બલજીત નગર, પ્રેમનગર, ઈંદરપુરી, કાલકાજી, ગોવિંદપુર, સંગમવિહાર, આંબેડકર નગર, મૂલચંદ, જહાંગીરપુરી, ગ્રેટર કૈલાશ સહિતના સંખ્યાબંધ વિસ્તારોના રહેવાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post