• Home
  • News
  • હવામાન નિષ્ણાતની આગાહી:ગુજરાત અને રાજસ્થાનમાં 22-26 ફેબ્રુઆરીએ માવઠાં પડવાની સંભાવના, ઉનાળો આકરો રહેવાનાં એંધાણ
post

હવામાન-નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની પણ આગાહી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 17:58:06

તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે, પરંતુ જો તમે વિચારતા હશો કે હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છો, કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે.

કડકડતી ઠંડી પછી આકરો ઉનાળો રહેશે
હવામાન-નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની પણ આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. એની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે.

વેલેન્ટાઇન વીક પર ગરમી અને ઠંડીનો બેવડી ઋતુનો અનુભવ
ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન ડે, રોઝ ડે જેવા અનેક દિવસો આવે છે. આ દિવસોને યાદગાર બનાવવા માટે નાગરિકો ખાસ કરીને યુવાનો બહાર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ તેઓને ગરમીમાં અકળાવાનો વારો આવી શકે છે. લોકોને ભરશિયાળે કડકડતી ઠંડીમાં ચોમાસાના અનુભવ બાદ હવે ગરમીનો સામનો કરવો પડશે.

13 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવાસીઓને કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. આ સિઝનમાં નાગરિકોને ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ થયો છે. ભરશિયાળે ચોમાસા બાદ હવે ગરમીમાં અકળાવાનો વારો આવ્યો છે. આ માસમાં પલટાતા હવામાનની સ્થિતિ અંગે જોઈએ તો ફેબ્રુઆરી તારીખ 13થી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે, એમ હવામાન વિભાગે જણાવ્યું છે.

 

આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે
સામાન્ય રીતે એવી માન્યતા છે કે ઉત્તરાયણ અને મહાશિવરાત્રિ બાદ સામાન્ય કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને બહાર નીકળવા મજબૂર બન્યા છે, જોકે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે.

12 અને 13 માર્ચમાં હવામાન પલટાવાની આગાહી
મધ્ય ગુજરાતમાં ફેબ્રુઆરી તારીખ 13થી મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી તારીખ 20થી 25 ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે માવઠું થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા દેશના ઉત્તરીય ભાગોમાં રહેશે. ફેબ્રુઆરી તારીખ 27, 28માં પણ હવમાનમાં પલટો આવશે. માર્ચ તારીખ 4થી ગરમી વધશે તો 12, 13 માર્ચમાં હવામાન પલટાય એવી આગાહી કરવામાં આવી છે.

 

માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હવે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં વધારો થશે. અમદાવાદનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર ભારતમાં ફરી એકવાર વાતાવરણ ઠંડું થઈ ગયું છે. લોકો સવાર-સાંજ ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. ભારે પવનને કારણે ઉત્તર ભારતમાં એક જ રાતમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી 2023માં વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. એ જ સમયે દેશના મોટા ભાગોમાં માસિક લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની સંભાવના છે.

ગંભીર રોગોથી પીડાતી વ્યક્તિઓની ખાસ કાળજી લેવા સલાહ
રાજ્યમાં ગાત્રો થિજાવતી ઠંડી વચ્ચે લોકોને ભરશિયાળે ચોમાસાનો અનુભવ થયો હતો. રાજ્યના કોઈ શહેરમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે લોકોને સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પણ પહેરવાની ફરજ પડી હતી. બે દિવસીય વરસાદી માહોલ બાદ નાગરિકોને ઠંડીથી થોડા અંશે રાહત મળી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post