• Home
  • News
  • જાણીતી ટીવી એક્ટ્રેસ શગુફ્તા અલીએ ઘર ચલાવવા કાર-જ્વેલરી વેચી, આર્થિક તંગીને કારણે સારવારના પૈસા નથી
post

શગુફ્તાને થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હતું અને તે કેન્સર સામેની જંગ જીતી ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-06 11:26:04

'સસુરાલ સિમર કા', 'પુનર્વિવાહ', 'એક વીર કી અરદાસ વીરા', 'મધુબાલા' સહિત અનેક જાણીતી સિરિયલ તથા બોલિવૂડ ફિલ્મમાં કામ કરનાર 54 વર્ષીય શગુફ્તા અલીની આર્થિક હાલત આજે ઘણી જ ખરાબ છે. છેલ્લાં 36 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર શગુફ્તાએ 15 ફિલ્મ તથા 20થી વધુ ટીવી સિરિયલમાં કામ કર્યું છે. શગુફ્તા અલીની હાલત એ હદે ખરાબ છે કે તે સારવાર પણ કરાવી શકે તેમ નથી.

બ્રેસ્ટ કેન્સરથી પીડિત
વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં શગુફ્તા અલીએ કહ્યું હતું કે હાલમાં તેની હાલત ઘણી જ ખરાબ છે. તે છેલ્લાં 20 વર્ષથી બીમાર છે. તે સમયે તે યુવાન હતી અને તેથી જ બધુ હેન્ડલ કરી શકે તેમ હતી. તેને થર્ડ એડવાન્સ્ડ સ્ટેજનું કેન્સર હતું. કેન્સર સામેની જંગ તો તે જીતી ગઈ છે. તે પહેલી જ વાર મીડિયામાં પોતાની બીમારી અંગે વાત કરે છે. તેની બીમારી અંગે માત્ર નિકટના મિત્રોને જ જાણ છે અને ઇન્ડસ્ટ્રીમાં કોઈને ખબર નહોતી.

સર્જરી તથા કીમોથેરપીને કારણે સ્થિતિ ખરાબ થઈ હતી
શગુફ્તા અલીએ વધુમાં કહ્યું હતું કે તે સમયે જ્યારે તે બીમાર હતી ત્યારે તેની પાસે અઢળક કામ હતું. તેને જાણ થઈ કે તેને બ્રેસ્ટ કેન્સર છે અને ત્રીજા સ્ટેજનું છે. ગાંઠ કાઢવા માટે સર્જરી કરવામાં આવી હતી. કીમોથેરપી પણ લીધી હતી. દરેક કીમો બાદ એવું લાગતું કે નવો જન્મ થયો છે. સર્જરીના 17 દિવસ બાદ છાતી પર કુશન મૂકીને દુબઈ શૂટિંગ માટે ગઈ હતી.

શૂટિંગ દરમિયાન દુર્ઘટના ઘટી
શગુફ્તાએ આગળ કહ્યું હતું કે શૂટિંગ દરમિયાન પગમાં ઈજા થઈ હતી. એકવાર તે પિતાને મળવા જતી હતી તો ગંભીર અકસ્માત થયો હતો અને હાથનું હાડકું ભાંગી ગયું હતું. આ જ કારણે સ્ટીલનો રૉડ નાખવો પડ્યો હતો. આટલી મુશ્કેલી પડવા છતાંય કામ કરવાનું બંધ કર્યું નહોતું. જોકે, છેલ્લાં છ વર્ષથી જીવનમાં મુશ્કેલીઓનું તોફાન આવી ગયું છે.

છ વર્ષ પહેલાં ડાયાબિટીઝ થયો
શગુફ્તાએ પોતાની મુશ્કેલીઓ અંગે કહ્યું હતું કે છ વર્ષ પહેલાં ડાયાબિટીઝ થયો હતો અને ત્યારથી જ સતત સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 65 વર્ષની ઉંમરમાં લોકોને જે ભોગવવું પડે તે તેણે નાની ઉંમરમાં ભોગવ્યું છે. ડાયાબિટીઝને કારણે પગમાં ખાલી ચઢી જાય છે અને ઘણીવાર બહુ જ દુખાવો રહે છે.

કાર-જ્વેલરી વેચી
શગુફ્તા છેલ્લે 2018માં ટીવી સિરિયલ 'બેપનાહ'માં જોવા મળી હતી. ત્યારથી શગુફ્તા કામની શોધમાં છે. છેલ્લાં ચાર વર્ષથી કોઈ કામ મળ્યું નથી અને તેથી જ આર્થિક સ્થિતિ નબળી પડતી ગઈ છે. શગુફ્તાએ કહ્યું હતું કે તે 17 વર્ષની હતી ત્યારથી તેણે કામ કરવાની શરૂઆત કરી હતી. હાલમાં તે 54ની છે. જોકે, છેલ્લાં ચાર વર્ષ જીવનના સૌથી ખરાબ વર્ષો રહ્યા છે. તેણે પોતાની કાર તથા જ્વેલરી વેચી નાખી છે. જ્યારે પણ બહાર જવું હોય તો રિક્ષામાં જાય છે. તેને આર્થિક મદદ તથા કામની જરૂર છે, જેથી તે સર્વાઈવ કરી શકે. તેને ક્યાંયથી મદદ મળી નથી. તેના માટે સર્વાઈવ કરવું હવે મુશ્કેલ છે, કારણ કે તેણે પોતાની તમામ સંપત્તિ વેચી નાખી છે.

બધાને પૈસા જોઈએ છીએ
શગુફ્તાએ છેલ્લે પોતાની વિવશતા અંગે વાત કરતાં કહ્યું હતું કે પહેલાં ખ્યાલ નહોતો કે કોઈ પાસે મદદ માગું કે નહીં. હવે તેની પાસે વેચવા માટે કંઈ જ બચ્યું નથી. ઘરની લોનના દર મહિને હપ્તા ભરવાના છે. લોકો પાસેથી ઉધાર લીધા છે, તે ચૂકવવાના છે. દવાઓ સહિત અન્ય ખર્ચા છે. કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. બધાને બસ પૈસા જ જોઈએ છે.

73 વર્ષીય માતાને પણ ડાયાબિટીઝ
હાલમાં શગુફ્તા 73 વર્ષીય માતા તથા પિતરાઈની દીકરી સાથે રહે છે. શગુફ્તાએ કહ્યું હતું કે તેના પિતા તથા ભાઈનું ઘણાં સમય પહેલાં જ અવસાન થઈ ગયું છે. તે જેની સાથે લગ્ન કરવાની હતી, તે વ્યક્તિનું અવસાન આઠ વર્ષ પહેલાં જ થઈ ગયું હતું. તેને મદદ કરે તેવું કોઈ જ નથી. આટલા વર્ષમાં તેણે અનેકને મદદ કરી, પરંતુ હવે જ્યારે તેને મદદની જરૂર પડી તો કોઈ સામે આવ્યું નહીં. તેની માતાને તાત્કાલિક સારવારની જરૂર છે. તેમને ડાયિબિટીઝ, આર્થરાઇટિઝ તથા ઘૂંટણમાં દુખાવો રહે છે. તે માતાને ડૉક્ટર પાસે લઈ જઈ શકે તેમ નથી. આથી જ ફોન પર જ ડૉક્ટર સાથે વાત કરે છે. જોકે, તેને પણ ડાયાબિટીઝ હોવાથી આંખે બરોબર દેખાતું નથી અને તેની સારવાર કરાવવાના પૈસા નથી.

CINTAA મદદ કરશેઃ અમિત બહલ
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)ના જોઈન્ટ​ સેક્રેટરી તથા એક્ટર અમિત બહલે કહ્યું હતું કે તેમના એસોસિયેશનની સભ્ય નુપૂર અલંકાર આ અંગે શક્ય તેટલી મદદ શગુફ્તાને કરશે. તેઓ શગુફ્તાને મળવા જશે અને વાત પણ કરશે. શગુફ્તા સાથે જે પણ થયું તે ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ શગુફ્તાને મળીને સાંત્વના આપશે અને તમામ એક્ટર્સ પૈસા ભેગા કરીને આર્થિક મદદ કરશે. તે બે વર્ષ પહેલાં શગુફ્તાને મળ્યા હતા. ત્યારે તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હતી, પરંતુ આર્થિક તંગી નહોતી. આશા છે કે શગુફ્તા ટૂંક સમયમાં સારી સ્થિતિમાં જોવા મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post