• Home
  • News
  • Pink Ball Test માં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, જાણો કોણ સફળ બેટ્સમેન-કોની બોલિંગમાં દમ?
post

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં થનારી આ મેચ ડે-નાઈટ હશે. ભારતીય ટીમની આ ત્રીજી ડે-નાઈટ મેચ હશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 12:29:16

અમદાવાદ: ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ચાલી રહેલી 4 ટેસ્ટ મેચની સિરીઝમાં પહેલી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો. જ્યારે બીજી ટેસ્ટ મેચ ભારતે જીતી સિરીઝને રસપ્રદ બનાવી દીધી છે. હવે ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ રમાશે. જોકે આ ટેસ્ટ મેચ ડે-નાઈટ છે. અને પિંક બોલથી રમાવાની છે. ત્યારે અત્યાર સુધી ભારત પિંક બોલથી કેટલી ટેસ્ટ રમ્યું અને તેનું શું પરિણામ આવ્યું તે પણ જાણી લેવું જોઈએ.

પિંક બોલથી પહેલી ટેસ્ટ મેચ:
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ અત્યાર સુધી બે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી ચૂકી છે. જેમાં પહેલી મેચ 2019માં કોલકાતાના ઈડન ગાર્ડન મેદાનમાં બાંગ્લાદેશ સામે હતી. ભારતે આ મેચને ઈનિંગ્સ અને 46 રનથી જીતી હતી. આ મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતાં 106 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી ઈશાંત શર્માએ 5, ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતે વિરાટ કોહલીની સદી અને  અજિંક્ય રહાણે-ચેતેશ્વર પૂજારાની અર્ધસદીની મદદથી 347 રને દાવ ડિક્લેર કર્યો હતો. બીજા દાવમાં પણ બાંગ્લાદેશ કંઈ ખાસ કમાલ કરી શક્યું ન હતું. ભારતના ફાસ્ટ બોલિંગ આક્રમણ સામે મુશફિકુર રહીમને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન ટકી શક્યો ન હતો. ભારત તરફથી ઈશાંત શર્માએ ચાર અને ઉમેશ યાદવે પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતના ફાસ્ટ બોલરોએ શાનદાર દેખાવ કર્યો હતો.

પિંક બોલથી બીજી ટેસ્ટ મેચ:
બીજી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડિસેમ્બર 2020માં રમાઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમ એડિલેડમાં રમાયેલી ટેસ્ટમાં બીજા દાવમાં માત્ર 36 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ મેચમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારતનો પહેલો દાવ માત્ર 244 રનમાં સમેટાઈ ગયો હતો. જેમાં વિરાટ કોહલીની અર્ધસદીને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન 50 રન સુધી પહોંચી શક્યો ન હતો.જોકે ભારતના ફાસ્ટ બોલર અને સ્પિન આક્રમણ સામે ઓસ્ટ્રેલિયા 191 રનમાં ધ્વસ્ત થઈ ગયું હતું. જેના કારણે ભારતને 53 રનની સરસાઈ મળી હતી. પરંતુ બીજા દાવમાં ભારતનો એકપણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ અને હેઝલવુડના તરખાટ સામે ભારત માત્ર 36 રનમાં સમેટાઈ ગયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 89 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે કાંગારુ ટીમે માત્ર 21 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ડે-નાઈટ ટેસ્ટમાં ભારતનો 50-50 રેકોર્ડ:
આમ અત્યાર સુધી રમાયેલી મેચમાં ડે-નાઈટ એટલે પિંક બોલથી રમાયેલ મેચમાં ભારતનો રેકોર્ડ 50-50 રહ્યો છે. જેમાં એક મેચમાં જીત મળી છે તો એક મેચમાં હાર. પરંતુ ઘરઆંગણે તેનો રેકોર્ડ 100 ટકા રહ્યો છે. એવામાં જોવાનું એ રહેશે કે આ રેકોર્ડ ઈંગ્લેન્ડ સામેની મેચમાં જળવાઈ રહે છે કે નહીં.

કોહલીએ બનાવ્યા સૌથી વધુ રન:
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ડે-નાઈટ ટેસ્ટમાં સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તે બાંગ્લાદેશ સામે સદી ફટકારી ચૂક્યો છે. જ્યારે એડિલેડ ટેસ્ટના પહેલા દાવમાં 74 રન અને બીજા દાવમાં 4 રન બનાવ્યા હતા. કોહલીએ 2 ડે-નાઈટ ટેસ્ટમાં 214 રન બનાવ્યા છે.

બોલિંગમાં ઈશાંત-ઉમેશ ઝળક્યા:
બોલરોની વાત કરીએ તો ઈશાંત શર્મા અને ઉમેશ યાદવે બાંગ્લાદેશ સામે 5-5 વિકેટ ઝડપી હતી. ઈશાંતે મેચમાં 9 વિકેટ લીધી તો ઉમેશને 8 વિકેટ મળી હતી. ડે-નાઈટ ટેસ્ટમાં ઉમેશના નામે 11 વિકેટ છે જ્યારે ઈશાંતના નામે 9 વિકેટ છે.