• Home
  • News
  • દીપિકા, શ્રદ્ધા, સારા તથા રકુલપ્રીતની સાથે હવે આગળ શું થશે? કયા ડ્રગ્સની કેટલી માત્રા પર કેવી સજા? વ્હોટ્સએપ ચેટ સજાનો આધાર બનશે?
post

અનેક ચર્ચિત કેસમાં વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમના મતે, એક્ટ્રેસિસે સાબિત કરવું પડશે કે તેમણે ડ્રગ્સ લીધું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 10:42:59

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરતી NCBએ હવે દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન તથા રકુલ પ્રીત સિંહને અલગ-અલગ સમન મોકલ્યું છે. આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપી પાસેથી મળેલી માહિતીને આધારે આ નામો સામે આવ્યા છે. વ્હોટ્સએપ ચેટ પણ સામે આવી છે. આ ચેટના આધારે દાવો કરવામાં આવે છે કે ડ્રગ્સ આ એક્ટ્રેસિસે મગાવ્યું હતું. હવે સવાલ એ છે કે શું વ્હોટ્સએપ કે અન્ય દાવાને આધારે એક્ટ્રેસિસને સજા થઈ શકે છે?

1. સૌથી પહેલા જાણીએ શું છે પૂરો કેસ?
NCB
એ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત સાથે જોડાયેલ કેસમાં તેની પ્રેમિકા તથા એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. આ સાથે જ કેટલાંક ડ્રગ પેડલર્સની ધરપકડ કરી હતી. રિયા ચક્રવર્તી પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સેસ (NDPS) એક્ટ 1985ના સેક્શન 8(c), 20(b)(ii), 22, 27A, 28, 29 હેઠળ આરોપ છે. અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે કદાચ દીપિકા સહિત ઘણાં બોલિવૂડ સેલેબ્સ ડ્રગ્સ લેતા હતા. આ જ કારણે આ તમામ સેલેબ્સ NCBના શંકાના ઘેરામાં છે અને તમામની તપાસ થશે, તેમ માનવામાં આવે છે.

2. આ એક્ટ્રેસિસને સમન કેમ મોકલવામાં આવ્યું?
NCB
એ આ કેસમાં જેટલા પણ ડ્રગ પેડલર્સ તથા સેલેબ્સની પૂછપરછ કરી તેમની પાસેથી મળેલી માહિતીને આધારે એક્ટ્રેસિસના નામ સામે આવ્યા છે. આ જ કારણે તેમની પૂછપરછ માટે સમન મોકલવામાં આવ્યું છે. ટેલેન્ટ મેનેજર જયા સાહા પર ડ્રગ સિન્ડીકેટ ચલાવવાનો આક્ષેપ છે. કહેવાય છે કે જયા સાહાએ જ દીપિકા તથા તેની મેનેજર કરિશ્મા પ્રકાશની ચેટના સ્ક્રીનશોટ NCBને આપ્યા હતા. ત્યારબાદ દીપિકાને સમન મોકલવામાં આવ્યું. ચેટમાં દીપિકાએ કરિશ્મા સાથે હૈશ અંગે વાત કરી હતી. ડ્રગ્સની ભાષામાં હૈશ એટલે હશીશ. NCBના ડિરેક્ટર કમલ મલ્હોત્રાએ હાલમાં દીપિકાની ધરપકડની આશંકા સાથે જોડાયેલા સવાલ પર કોઈ પણ જવાબ આપ્યો નહોતો.

3. શું વ્હોટ્સએપ ચેટના આધારે કોઈને પણ સજા આપી શકાય છે?
અનેક ચર્ચિત કેસમાં વિશેષ સરકારી વકીલ રહેલા ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે NCBએ ડ્રગ પેડલર્સ તથા અન્ય ધરપકડ કરાયેલા લોકો સાથેની પૂછપરછના આધારે એવિડન્સ ભેગા કર્યા છે. આ કેસમાં મુખ્ય એવિડન્સ તેમને કરેલા ઘટસ્ફોટ છે. આ ઉપરાંત એક્ટ્રેસના ફોનમાંથી જ ચેટ થઈ છે. આને કોરેબોરેટિવ એવિડન્સ તરીકે લઈ શકાય છે. ત્યારબાદ એક્ટ્રેસે સાબિત કરવાનું રહેશે કે તેમણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. વ્હોટ્સએપ ચેટને એવિડન્સ તરીકે સ્વીકાર કરવામાં નહીં આવે તે વાત સાચી નથી.

4. આ કેસમાં હવે આગળ શું કાર્યવાહી થઈ શકે છે?
સીનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે NCB એક રાષ્ટ્રીય સ્તરની એજન્સી છે. આ એજન્સી પર રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ રેકેટ્સને બહાર લાવવાની જવાબદારી છે. હાલમાં જે તપાસ ચાલી રહી છે, તેનું ફોકસ ડ્રગ્સ લેનાર બોલિવૂડ સેલેબ્સની સાથે સાથે એ પણ માહિતી ભેગી કરવાનું છે કે ડ્રગ્સ સપ્લાય કરનારનું નેક્સસ ક્યાંથી ઓપરેટ થતું હતું. NCBએ પોતાનું ફોકસ સનસનાટી ફેલાવવાને બદલે મુખ્ય કામ પર લગાવવું જોઈએ. રિયા પર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે ડ્રગ્સ સિન્ડીકેટના હિસ્સાના છે. જો દીપિકા તથા અન્ય એક્ટ્રેસિસ પર પણ આ જ પ્રકારના આક્ષેપ મૂકવામાં આવે છે તો તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

5. જો આ વાત સાબિત થઈ કે એક્ટ્રેસે ડ્રગ્સ લીધું તો તેમને શું સજા થશે?
નિકમના મતે, જો તપાસમાં એ વાત સાબિત થઈ કે આ તમામ એક્ટ્રેસિસ ડ્રગ્સ સિન્ડીકેટનો હિસ્સો હતી તો સજા જરૂરથી મળશે. સજા માદક પદાર્થોની માત્રાને આધારે નક્કી થશે. જો તેમની પર માત્ર ડ્રગ્સ લેવાનો આક્ષેપ છે અને તેમણે આ વાત કોર્ટમાં કબૂલ કરી લીધી તો કોર્ટ તેમને માફીનામું આપીને છોડી શકે છે. તેમણે એ વચન આપવું પડશે કે ભવિષ્યમાં તેઓ ક્યારેય ડ્રગ્સ લેશે નહીં. આ પહેલા 2012માં ફરદીન ખાને પણ આ જ આધારે કોર્ટમાંથી માફી મેળવી હતી.

6. શું બોલિવૂડ સેલેબ્સને માફી મળી જશે?
આ એ વાત પર નિર્ભર કરશે કે તેમની પર શું આરોપો મૂકવામાં આવે છે. નિકમના મતે, જ્યારે 1993માં બોમ્બે બ્લાસ્ટ કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે એક એક્ટરના વકીલે ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં આ જ આધાર પર માફીની માગણી કરી હતી કે તેનું વર્તન હવે સારું છે. ત્યારે નિકમ વિરોધમાં હતા. તેમણે કહ્યું હતું કે જો આવું કંઈ કરવામાં આવ્યું તો દુનિયા સમક્ષ એ સંદેશો જશે કે કોર્ટ મોટા લોકોને સજા આપતી નથી. ડ્રગ્સ કેસમાં પણ એ સંદેશો જવો જરૂરી છે કે કોર્ટની સામે બધા જ લોકો સમાન છે. તેમની સાથે તેમની હેસિયત જોઈને વર્તન કરવામાં આવતું નથી. એ વાત પણ જોવી જોઈએ કે ભારતનો એક મોટો હિસ્સો આ સેલેબ્સની ફેશનથી લઈ દરેક વાતને ફોલો કરે છે. તેમની ખરાબ આદતો લોકો માટે પ્રેરણા બની શકે છે. આ જ કારણે જોઈ કોઈ દોષી છે તો તેમને જરૂરથી સજા મળવી જોઈએ.

7. કયા ડ્રગ્સની કેટલી માત્રા પર કેટલી સજા?

·         ગાંજો : 1 કિલોથી ઓછું મળે તો નાની માત્રા છે. 1 કિલોથી 20 કિલો વચ્ચે ઈન્ટરમિડિયેટ માત્રા છે. બંને જામીનને પાત્ર ગુનો છે. 20 કિલોથી ઉપર વ્યાવસાયિક માત્રા છે. આ બિનજામીનપાત્ર ગુનો છે.

·         ચરસ, કોકેઈન, મારિજુઆના અને હશીશ : 100 ગ્રામથી ઓછી માત્રા નાની માત્રા છે. જામીન મળી જાય છે. 100 ગ્રામથી 1 કિલો સુધીની માત્રામાં મળે તો જામીન તથ્યોના આધારે મળે છે. 1 કિલોથી ઉપર મળતાં જામીન ના મળે.

·         હેરોઈન : 5 ગ્રામથી ઓછી નાની માત્રા છે, આ જામીનપાત્ર ગુનો છે. 250 ગ્રામથી વધુ વ્યાવસાયિક માત્રા છે. તેમાં કમસે કમ 10 વર્ષની સજાની જોગવાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post