• Home
  • News
  • રાહુલ યાત્રામાં વ્યસ્ત છે, ત્યારે ગુજરાત અને હિમાચલમાં પ્રિયંકા ચૂંટણી પ્રચાર સંભાળશે
post

કોંગ્રેસની રણનીતિ તેવી છે કે : રાહુલ યાત્રા દ્વારા દેશભરમાં માહોલ બનાવે, પ્રિયંકા પ્રચારની જવાબદારી સંભાળે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-08 18:05:53

નવી દિલ્હી : રાહુલ ગાંધી અત્યારે કન્યાકુમારીથી કાશ્મીરની 'ભારત જોડો યાત્રા' પર છે આ યાત્રા દરમિયાન તેઓ આશરે ૭૦૦ કિ.મી.નો પ્રવાસ કરી ચૂક્યા છે. યાત્રા કર્ણાટક પહોંચી છે.

આગામી દિવસોમાં યાત્રા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પસાર થશે પરંતુ તે દરમિયાન ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે તેથી રાહુલની રણનીતિ વિષે પ્રશ્નો જાગે છે કારણ કે, જ્યાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોથી જ રાહુલ દૂર કેમ રહેવાના છે ? પરંતુ તે ચિંતાનું સમાધાન કોંગ્રેસે શોધી કાઢ્યું છે. ત્યાં પ્રિયંકા ચૂંટણી પ્રચારનું કાર્ય સંભાળશે.

રણનીતિ તો એવી છે કે રાહુલ 'ભારત જોડો યાત્રા' દ્વારા દેશભરમાં (કોંગ્રેસ તરફી) માહોલ બનાવશે અને પ્રિયંકા ચૂંટણી પ્રચાર સંભાળશે. તેઓ મહિલા હોવાથી તેઓની ઉપર આક્રમણ કરવું ભાજપ તેમજ અન્ય પક્ષો માટે મુશ્કેલ બનશે. આ ઉપરાંત પાર્ટી પ્રિયંકાને અજમાવવા માંગે છે. રાહુલની યાત્રા પાંચ મહિના સુધી ચાલશે તેવામાં તેમના વિકલ્પ તરીકે પ્રિયંકા બની શકે તેમ છે.

ગુજરાતની વાત લઈએ તો ગુજરાતમાંથી નેતાઓ 'પલાયન' થઈ રહ્યા છે. પક્ષના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, 'પ્રિયંકાજી રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરશે, તેઓ ટૂંક સમયમાં ગુજરાત આવવાના છે.'

વાસ્તવિકતા તે છે કે ગુજરાતમાં કોંગ્રેસ ઘણી ચિંતાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. રાજ્યમાં હાર્દિક પટેલ સહિત ઘણા નેતા ભાજપમાં જોડાઈ ગયા છે તેવે સમયે કોંગ્રેસ સમક્ષ નેતાઓ અને કાર્યકરોનું મનોબળ વધારવાનો પડકાર ઉભો થયો છે. સાથે જનાતામાં પ્રસરવાનો પણ પ્રશ્ન છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસનો માર્ગ સરળ નથી. 

હિમાચલ પ્રદેશમાં દિગ્ગજનેતા વીરભદ્રસિંહની અનુપસ્થિતિમાં તેમના પત્ની પ્રતિભાસિંહને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. હવે જોવાનું તે રહે છે કે, રાહુલ ગાંધીને બદલે પ્રિયંકાની વધુ સક્રિયતા પક્ષને કેટલો લાભ આપી શકે ?

નિરીક્ષકો તેમ પણ કહે છે કે, આ બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભાઓની ચૂંટણી કોંગ્રેસના નવા પ્રમુખ માટે  પણ 'અગ્નિપરીક્ષા' સમાન બની રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post