• Home
  • News
  • મહાઠગ કિરણને દિલ્હીથી સિક્યોરિટી કોણે અપાવી?:કાશ્મીરમાં મફતની મહેમાનગતિ માણનાર ગુજરાતના બીજેપી અધિકારી અમિત પંડ્યા અને જય સીતાપરાની કાશ્મીર પોલીસે ધરપકડ કરી
post

ગુજરાતમાં કિરણ પટેલ સામે 7 ઓગસ્ટ 2019ના રોજ વડોદરાના રાવપુરામાં કેસ નંબર 064/19 નોંધાયેલો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-21 19:05:23

ત્રણેક દિવસ પહેલાં સમાચાર વહેતા થયા હતા કે મહાઠગ કિરણ પટેલની સાથે બે ગુજરાતી યુવાનો પણ કાશ્મીરમાં મહેમાનગતિ માણી આવ્યા છે. આ બે યુવાનોની ઓળખ થઈ ગઈ છે અને બંનેને ચાર દિવસ પહેલાં કાશ્મીર પોલીસ અમદાવાદ આવીને કાશ્મીર લઈ ગઈ છે. જ્યાં બંનેની પૂછપરછ થશે. આ બે યુવાનોમાં એક ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા છે અને બીજો તેનો મિત્ર જય સીતાપરા છે. અમિત પંડ્યા CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ છે.

મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના જનસંપર્ક અધિકારી (PRO) હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા અને તેના મિત્ર જય સીતાપરા ચારેક દિવસથી જમ્મુ કાશ્મીર પોલીસના કબજામાં છે. મહાઠગ ડો. કિરણ પટેલ સાથે આ બંને કાશ્મીરની સહેલગાહમાં સામેલ હતા. ઝેડ પ્લસ સિક્યોરિટી લેયરમાં રોલા પાડનારા મહાઠગનો ભાંડો ત્રીજી માર્ચે ફૂટ્યા બાદ આ બંને ગુજરાત પરત આવી ગયા હતા, પરંતુ કિરણ પટેલના રિમાન્ડ બાદ તેમને કાશ્મીર બોલાવી પૂછપરછ કરાઈ હતી. ત્યાર બાદ બંનેની ધરપકડ કરાઈ છે.

કોણ છે જય સીતાપરા?
જય સીતાપરા નામનો વ્યક્તિ ખરેખર કોણ છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ રાજકોટનો આ યુવાને પણ મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં PMOનું નામ વટાવીને સુવિધાઓ ભોગવી હતી. ગુજરાત CMOના PRO હિતેષ પંડ્યાનો પુત્ર અમિત પોતે CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે અને તે પણ વ્યવસાયને વિસ્તારવા કિરણ સાથે કાશ્મીર ગયો હતો. અમિત પંડ્યા પોતે ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ હોવાથી ભાજપના અનેક યુવા નેતા- કાર્યકરો પણ મહાઠગ કિરણ પટેલ સાથે જોડાયેલા હોવાનું ચર્ચાય છે. આ કારણોસર દેશની સુરક્ષા સાથે જોડાયેલી અત્યંત સંવેદનશીલ બાબતે ન તો ગુજરાત સરકાર, ભાજપના નેતા કે ભાજપ સરકારના નિયંત્રણ હેઠળની ATSથી લઈને સમગ્ર પોલીસમાં કોઈ જ મગનું નામ મરી પાડી રહ્યું નથી! કારણ કે, મહાઠગ કિરણ સાથે ન કેવળ ભાજપ પણ RSS સાથે સંકળાયેલા મોટા નેતાઓ પણ જોડાયેલા છે.

તાજના સાક્ષી બનનારા અમિત પંડ્યા અને જય સીતાપરાની ધરપકડ
એક અંગ્રજી અખબારના અહેવાલ અનુસાર મહાઠગ કિરણ પટેલ કેસમાં તેની સાથે જમ્મુ-કાશ્મીર ગયેલા તેના બે સાથી પૈકી અમિત હિતેષ પંડ્યા અને જય સીતાપરાની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં બંને તાજના સાક્ષી બન્યા છે.

કિરણ પટેલના જામીનનો શ્રીનગર કોર્ટમાં 23મી માર્ચે નિર્ણય
PMO
અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રૂફ કારમાં ફરનારા અમદાવાદના કિરણ પટેલે જામીન મેળવવા માટે શ્રીનગરની કોર્ટમાં કરેલી અરજીમાં શ્રીનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાજા મોહમ્મદ તસ્લીમની કોર્ટમાં સુનાવણી પૂરી થઈ છે. જેમાં કોર્ટે 23મી માર્ચના રોજ ચુકાદો જાહેર કરશે. શ્રીનગરમાં PMO અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રૂફ કારમાં ફરનારા અમદાવાદના કિરણ પટેલનો ભાંડો ફૂટતાં પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો.

કાશ્મીરમાં વગદારો માટે જમીનોના સોદા માટે ગયો હતો મહાઠગ
ઝેડ પ્લસ સિક્યોરિટીમાં ફરતા મહાઠગ કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ બાદ કેટલીક ચોંકાવનારી જાણકારીઓ પણ સામે આવી રહી છે. પોલીસ અને ઇન્ટેલિજન્સના અધિકારીઓ સાથે પૂછપરછમાં જાણવા મળ્યું કે કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ કિરણ ત્યાં ખાસ રોકાણકારો માટે જમીન અને સફરજનના બગીચા શોધવાનું કામ કરતો. આ રોકાણકારોમાં કેટલાક મોટા વેપારીઓ, નેતા અને ટોચના અધિકારીઓ સામેલ છે. બીજી તરફ, ગાંધીનગરથી દિલ્હી સુધી પાંચ પાવરફુલવ્યક્તિઓ એવી પણ હતી જે કિરણને દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવતી હતી. એકથી એક પુરાવા જોડી રહેલી તપાસ એજન્સીઓ અત્યારે આ વગદાર લોકોનાં નામનો ખુલાસો કરવાથી બચી રહી છે.

ગાંધીનગરથી દિલ્હી સુધી પાંચ પાવરફુલવ્યક્તિઓ કિરણને મદદ કરતી
ગાંધીનગરની એક મોટી હોટલમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલી એક બેઠક દરમિયાન આ ઑપરેશનનો સમગ્ર ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ જ બેઠક દરમિયાન પાંચ વગદાર લોકોએ કિરણને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં જઇને જમીન અને સફરજનના બગીચાઓને સ્કેન કરવાની જવાબદારી સોંપી હતી. બેઠકમાં એ પણ નક્કી થયું હતું કે રોકાણ માટે મોટા ગજાના ગ્રાહકોને પણ સાથે જ શોધવામાં આવે, જેથી એકસાથે વધુ ને વધુ સોદા કરી શકાય. કિરણ પટેલની પત્ની માલિની પટેલે પણ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે કિરણને દક્ષિણ કાશ્મીરમાં સફરજનના બગીચા ખરીદવા માટે પાર્ટીઓ શોધવાનું કામ સોંપાયું હતું.

કિરણને દક્ષિણ કાશ્મીરમાં સફરજનના બગીચા ખરીદવા માટે પાર્ટીઓ શોધવાનું કામ સોંપાયું
કિરણ 27 ઑક્ટોબરના રોજ પહેલીવાર શ્રીનગર પહોંચ્યો હતો. કિરણને બારામુલા, શોપિયા અને પુલવામા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જવાનું હતું. એટલે જ દિલ્હીમાં રહેલા પાવર સેન્ટરમાંથી ટેલિફોનિક સંદેશથી તેને ઝેડ પ્લસ સુરક્ષા મળી હતી અને નકલી રીતે પીએમઓનું લેટર પેડ પણ બનાવ્યું હતું. પરંતુ સંવેદનશીલ વિસ્તારમાં જવા માટે વિશેષ સુરક્ષાની અનુમતિ લેવાની ફાઇલ રાજ્યના મુખ્ય સચિવ સુધી પહોંચે છે, પરંતુ કિરણના મામલે આવું થયું ન હતું.
બે વર્ષમાં કાશ્મીરમાંથી જમીન સોદાના દસ્તાવેજો મંગાવ્યા
પીએમઓએ જમ્મુ -કાશ્મીરમાં છેલ્લાં બે વર્ષમાં થયેલા તમામ જમીનના સોદાના રિપોર્ટ મંગાવ્યા છે. તદઉપરાંત જેટલી જમીનના સોદા થયા અથવા તેની પ્રક્રિયા ચાલી રહી છે તથા જોડાયેલા લોકોના બેકગ્રાઉન્ડની તપાસ કરાશે. આ રિપોર્ટ આગામી 15 દિવસની અંદર પીએમઓમાં મોકલવાનો નિર્દેશ અપાયો છે.

સત્તાના દુરુપયોગ કરનારાઓ સામે 10-15 દિવસમાં એક્શન
મળતી માહિતી પ્રમાણે આગામી 10થી 15 દિવસમાં મોટાપાયે કાર્યવાહી થઈ શકે છે. કેટલાંક મોટાં માથાંને દૂર કરવામાં આવી શકે છે. તેમના દ્વારા વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયને મળતી સત્તાનો દુરુપયોગ કરવાના આરોપો છે.

420ના વિવિધ કેસ છતાં ઝેડ પ્લસ સુરક્ષા કેમ મળી?
ગુજરાતમાં કિરણ પટેલ સામે 7 ઓગસ્ટ 2019ના રોજ વડોદરાના રાવપુરામાં કેસ નંબર 064/19 નોંધાયેલો છે. જેમાં કલમ 114, 294, 406, 420, 507 લાગુ કરાઈ છે. આ ઉપરાંત નરોડા પાટિયા તથા બાયડમાં પણ આ કલમો હેઠળ કેસો થયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post