• Home
  • News
  • WHOનાં ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ- વેક્સિન કોઇ પણ શોધે, ભારતમાં બનશે તો વિશ્વને વધુ ફાયદો
post

ભારતમાં ઉત્પાદન થશે તો દુનિયાને વેક્સિન સસ્તી અને સરળતાથી મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 09:33:44

નવી દિલ્હી: કોરોના સંક્રમણ ક્યારે ખતમ થશે, વાઇરસ માટે કોણ જવાબદાર છે, દવા કે વેક્સિન બજારમાં ક્યારે આવી શકે છે, ડબ્લ્યુએચઓની ટીમ તપાસ માટે હજુ સુધી ચીન કેમ નથી જઇ શકી, ડબ્લ્યુએચઓથી ક્યાં ભૂલ થઇ? આ સવાલોના જવાબ દુનિયાભરના લોકો જાણવા માગે છે. આ સવાલો અંગે ડબ્લ્યુએચઓનાં ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથન સાથે વાત કરી, વાંચો મુખ્ય અંશ...

સવાલ: શું ડબ્લ્યુએચઓ એ જણાવવાની સ્થિતિમાં છે કે દુનિયા કોરોનાની ઝપટમાં કેવી રીતે આવી? ક્યાં ભૂલ થઇ?
ડૉ. સૌમ્યા: ડબ્લ્યુએચઓને અને મોટા ભાગના દેશોને ખબર હતી કે આ પ્રકારનો વાઇરસ ગમે ત્યારે વિશ્વને ઝપટમાં લઇ શકે છે. તે અંગે ડબ્લ્યુએચઓ તથા બીજી ઘણી એજન્સીઓ 15-20 વર્ષથી સાવચેત કરતી હતી પણ ગંભીરતાથી ન લેવાયું. એકેય દેશે એ તૈયારી ન કરી એટલે સમસ્યા વધી ગઇ.

સવાલ: જો ચીને સમયસર માહિતી શૅર કરી હોત તો આવી ભયાવહ સ્થિતિ હોત?
ડૉ. સૌમ્યા: ચીને ગત 31 ડિસેમ્બરે ઇન્ફ્લૂએન્ઝા જેવી બીમારી વિશે જણાવ્યું. 4 જાન્યુ.એ ડબ્લ્યુએચઓએ પણ તેની માહિતી આપી અને 11 જાન્યુ.એ કોરોનાની પુષ્ટિ પણ કરી દીધી. ફેબ્રુ.માં ડબ્લ્યુએચઓની ટીમ 10 દિવસ ચીન ગઇ હતી તે દરમિયાન ક્લિનિકલ-એપિડેમિયોલોજિકલ સ્ટડી થયો હતો.

સવાલ:અમેરિકા સહિત ઘણા દેશ વાઇરસ અંગે ચીન પર આરોપ મૂકી રહ્યા છે, આ અંગે તપાસ કેમ નથી થઇ શકતી?
ડૉ. સૌમ્યા: એવું નથી. અગાઉ પણ ટીમ ગઇ હતી અને વાઇરસની ઉત્પત્તિ અંગે તપાસ કરવા વિજ્ઞાનીઓની એક ટીમ જલદી ચીન જવાની છે. તેમાં અમેરિકા, આફ્રિકા, રશિયા સહિત અન્ય દેશોના વિજ્ઞાનીઓ પણ સામેલ છે. વાઇરસ મનુષ્યોમાં કેવી રીતે પહોંચ્યો તેની પણ તપાસ થશે. અત્યાર સુધીના અભ્યાસથી એવું જાણવા મળે છે કે તે વેટ (પશુ)માંથી મનુષ્યમાં આવ્યો.

સવાલ: કોરોના વાઇરસ લોકોને ક્યાં સુધી પરેશાન કરતો રહેશે?
ડૉ. સૌમ્યા: જુદા-જુદા દેશોમાં 2021ના અંત સુધી આ વાઇરસ પરેશાન કરી શકે છે. વેક્સિન બની ગઇ તો રાહત મળી શકે છે. મોં-નાક ઢાંકવાથી સંક્રમણનો ફેલાવો 50 ટકા સુધી ઘટાડી શકાય છે.

સવાલ: કોરોનાની દવા અને વેક્સિન બનાવવા અંગે કેટલા દેશ કામ કરી રહ્યા છે?
ડૉ. સૌમ્યા: 25-30 દેશ વેક્સિન પર કામ કરી રહ્યા છે. કેટલાક એડવાન્સ સ્ટેજ પર છે, કેટલાકની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે પણ હાલના તબક્કે એવું કહી ન શકાય કે વેક્સિન મનુષ્યો પર કારગત રહેશે કે નહીં? અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. ભલે કોઇ પણ દેશ વેક્સિન તૈયાર કરે, ઉત્પાદન ભારતમાં થશે તો જ વિશ્વને વેક્સિન જલદી, સસ્તી અને સરળતાથી મળી શકશે.

સવાલ: બીસીજી વેક્સિન અને એચસીક્યુને કેટલી કારગત માનો છો?
ડૉ. સૌમ્યા: તેનો હજુ કોઇ વૈજ્ઞાનિક આધાર નથી. એશિયાના દેશોમાં કેસ ઓછા છે તેનું કારણ ત્યાંની તૈયારીઓ હોઇ શકે. આવનારો સમય કેવો રહેશે તે હાલ નહીં કહી શકાય. 

સવાલ: કોરોના અંગે હાલ ડબ્લ્યુએચઓની સૌથી મોટી ચિંતા કઇ છે?
ડૉ. સૌમ્યા: વેક્સિન ન આવે ત્યાં સુધી સતર્ક રહેવું પડશે. મેન્ટલ હેલ્થ, ઘરેલુ હિંસા, બાળકો વિરુદ્ધના ગુના રોકવા મોટો પડકાર છે. અન્ય બીમારીઓ અને વેક્સિનેશન પરથી ધ્યાન હટ્યું છે તેના કારણે ભવિષ્યમાં ઓરી, ડાયેરિયા, ન્યુમોનિયા અને ટીબીથી વધુ બાળકોનાં મોત થઇ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post