• Home
  • News
  • શું બુમરાહ ટેસ્ટ કેપ્ટન બનશે?:ઈન્ડિયન ફાસ્ટ બોલરે કહ્યું- જવાબદારી મળે તો હું તૈયાર છું; આ મારા માટે સન્માનની વાત રહેશે
post

વિરાટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરું છું- બુમરાહ

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-18 11:26:39

નવી દિલ્લી: વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી ઈન્ડિયન ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે કે આગામી કેપ્ટન કોણ બનશે. જોકે આ રેસમાં રોહિત શર્મા, રિષભ પંત અને કેએલ રાહુલનું નામ સૌથી આગલ લેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ પોતાનું નામ દાવેદારોની યાદીમાં ઉમેર્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બુમરાહે કહ્યું છે કે હું દરેક પડકાર માટે તૈયાર છું. જો મને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવે તો એ મારા માટે સન્માનની વાત રહેશે.

વનડે સિરીઝમાં રાહુલને મદદ કરીશ- બુમરાહ
બુમરાહે વધુમાં કહ્યું છે કે અત્યારે તે દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે કેએલ રાહુલની મદદ કરવાનું ચાલુ રાખશે અને મોટા નિર્ણયો લેવામાં પોતાનું ઇનપુટ આપશે. બુમરાહે ઈન્ડિયન કેમ્પ માટે રાહતના સમાચાર આપતા જણાવ્યું કે ટેસ્ટ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને પહેલી વનડેમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

સિરાજ બીજી ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝની બીજી મેચ દરમિયાન સિરાજને ઈજા થઈ હતી. જેના કારણે તે ત્રીજી ટેસ્ટ રમી શક્યો નહોતો. ત્યારપછી, વનડે સિરીઝમાં પણ તેના રમવા સામે શંકા હતી.

વિરાટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરું છું- બુમરાહ
વિરાટના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના સવાલ અંગે બુમરાહે કહ્યું કે આ તેનો અંગત નિર્ણય છે અને હું તેનું સન્માન કરું છું. મેં વિરાટની કેપ્ટનશિપમાં પહેલી ટેસ્ટ મેચ રમી હતી. તેવામાં આફ્રિકા સામેની ત્રીજી મેચ પછી વિરાટે ટીમ મીટિંગમાં નિવૃત્તિના નિર્ણય વિશે જણાવ્યું હતું. ત્યાર પછી તેણે સો.મીડિયા પર સત્તાવાર આની જાણકારી આપી હતી.

કેપ્ટન બદલવાથી વધારે પડતો ફેર પડતો નથી
ભારતનો કેપ્ટન બદલાય તો ટીમને શું ફરક પડે છે? આ સવાલના જવાબમાં બુમરાહે કહ્યું કે તેનાથી કંઈ મોટો ફેર નથી પડતો. ટીમમાં દરેક વ્યક્તિ ફેરફારને કેવી રીતે હેન્ડલ કરે છે તે મહત્વનું છે. દરેક ખેલાડી તે શું યોગદાન આપી શકે તે વિશે વિચારે છે. એક ટીમ તરીકે અમે સકારાત્મક છીએ અને યોગદાન આપવા આતુર છીએ.