• Home
  • News
  • વિશ્વભરમાં 148 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, તેમાંથી 17 ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં, ભારતમાં પણ 14 વેક્સીન પર કામ ચાલુ
post

WHOના જણાવ્યાનુસાર, વિશ્વભરમાં 131 વેક્સીન પ્રિ-ક્લિનિકલ પ્રોસેસમાં અને 17 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 11:31:25

વિશ્વના 216 દેશો હાલમાં કોરોના વાઇરસ સામે લડી રહ્યા છે. વિશ્વભરમાં તેનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે. મૃત્યુઆંક પણ 5 લાખથી ઉપર પહોંચી ગયો છે.

હવે બધાના મગજમાં એક જ સવાલ આવે છે કે આપણે કોરોના સામે કેટલો સમય લડવું પડશે? કોઈ અસરકારક દવા કે રસી ક્યારે મળશે? આનો જવાબ હજુ સુધી કોઈની પાસે નથી.

જો કે, WHOના જણાવ્યાનુસાર, 28 જૂન સુધીમાં વિશ્વભરમાં કોરોનાની 148 રસીઓ પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી 131 રસીઓ પ્રિ-ક્લિનિકલ પ્રોસેસમાં છે, જ્યારે બાકીની 17 રસીઓ ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં આવી ગઈ છે.

સામાન્ય રીતે કોઈ પણ રોગની રસી બનવામાં 15 વર્ષથી વધુ સમય લાગી શકે છે. પરંતુ વિશ્વભરમાં ઝડપથી કામ ચાલી રહ્યું હોવાથી કોરોનાની વેક્સીનને લઇને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ વર્ષના અંત સુધીમાં અથવા 2021 સુધીમાં આપણી પાસે સારી રસી હશે.

થોડા દિવસ પહેલા WHOનાં ચીફ ટેડ્રોસ એડેનોમ ગેબ્રેસિયસે પણ અપેક્ષા મૂકી હતી કે એક વર્ષમાં કોરોનાની રસી રજૂ કરવામાં આવશે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ વેક્સીન ત્રીજા ફેઝમાં

બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ત્યાંની એક કંપની એસ્ટ્રાઝેનેકા રસી પર કામ કરી રહી છે. આ રસી હ્યુમન ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે.

એસ્ટ્રાઝેનેકાએ રસી બનાવવા માટે અનેક કંપનીઓ સાથે કરાર કર્યો છે. તેમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પણ છે. આ કંપનીઓની સહાયથી કંપની જૂન 2021 સુધીમાં 200 કરોડ વેક્સીન બનાવવા માગે છે.

ભારતમાં પણ 14 વેક્સીન પર કામ ચાલે છે
આ મહિનાની શરૂઆતમાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સિંહે કહ્યું હતું કે ભારતમાં કોરોનાની 14 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, આમાંથી ચાર વેક્સીનનું કામ આગામી ત્રણ-પાંચ મહિનામાં ક્લીનિકલ ટ્રાયલના ફેઝમાં પહોંચે તેવી આશા છે.

આ ઉપરાંત વિશ્વભરમાં 148 વેક્સીન પર કામ ચાલે છે, જેમાંથી પાંચ ભારતીય કંપનીઓ છે અથવા તો ભારતીય કંપની ભાગીદાર તરીકે છે. ગુજરાતની ઝાયડ્સ કેડિલા પણ છે. આ કંપનીએ 2010માં દેશમાં સ્વાઈન ફ્લૂની સૌથી પહેલી વેક્સીન તૈયાર કરી હતી.

આ ઉપરાંત ભારત બાયોટેક બે, ઈન્ડિયન ઈમ્યુનોલૉજિકલ્સ લિમિટેડ તથા સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા એક-એક વેક્સીન પર અન્ય દેશોની સંસ્થા સાથે મળીને કામ કરે છે.

વેક્સીન માટે કેટલો ખર્ચ થશે?
કોરોના મહામારીમાંથી બચવા માટે વિશ્વભરની સરકારો કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. ભારતમાં પણ PM CARES ફંડમાંથી 100 કરોડ રૂપિયા વેક્સીન પર ખર્ચ થઈ રહ્યાં છે. WHOએ કહ્યું હતું કે કોરોનાનો ચેપ લાગવાનું જોખમ તમામને છે. આથી તેની સારવાર તથા તેને ફેલાતો અટકાવવામાં આવે તેવા ઉપાયો તમામને માટે હોવા જોઈએ. આ અઠવાડિયે UNએ કહ્યું હતું કે કોરોનાની અસરકારક સારવાર તથા વેક્સીન માટે આગામી 12 મહિનામાં 31 અબજ ડોલર (અંદાજે 2.35 લાખ કરોડ રૂપિયા)ની જરૂર પડશે.

એપ્રિલમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને પણ અંદેશો લગાવ્યો હતો કે જો આપણે કોરોનાની કોઈ પણ રસી બનાવવામાં સફળ થયા તો તેના મેન્યુફેક્ચરિંગ તથા ડિસ્ટ્રીબ્યૂશન માટે 25 અબજ ડોલર (અંદાજે 1.90 કરોડ રૂપિયા)ની જરૂર પડશે.

બિલ ગેટ્સે એક બ્લોગમાં કહ્યું હતું કે જો આપણે કોરોનાની વેક્સીન બનાવવામાં સફળ થયા તો આનાથી આપણે લાખો-કરોડો રૂપિયા બચાવવામાં સફળ થઈશું.

કયા દેશને સૌ પહેલાં કોરોનાની રસી મળશે?
જો કોરોનાની વેક્સીન બની જાય છે તો સૌથી પહેલાં કોને મળશે? આનો જવાબ એ જ છે કે જે દેશ પહેલાં વેક્સીન બનાવશે તેને જ મળશે. ગયા અઠવાડિયે અમેરિકાના ટોપ ઈન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું હતું કે તેમને આ વર્ષના અંત સુધીમાં અથવા વર્ષ 2021ની શરૂઆતમાં કોરોનાની એક વેક્સીન મળે તેવી આશા છે.

અમેરિકા ઉપરાંત બ્રિટન તથા ચીન પણ વેક્સીન પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે. બ્રિટનની એસ્ટ્રાજેનેકા વેક્સીનના પ્રોડક્શન માટે ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે પાર્ટનરશિપમાં છે. જો એસ્ટ્રાજેનેકા વેક્સીન બનાવે છે તો સીરમ ઈન્સ્ટીટ્યૂટ ભારતમાં પણ એક અબજ ડોઝ તૈયાર કરી લેશે.

તેમ છતાં સૌથી મોટો સવાલ, શું કોરોનાની વેક્સીન આવશે?
કોરોના વાઇરસથી બચવા માટે વેક્સીનનું કામ ભલે ઝડપથી ચાલી રહ્યું હોય અને વિશ્વભરમાં વેક્સીન આવવા પર આશા દર્શાવવામાં આવી રહી હોય. પરંતુ તેમ છતાં એક સવાલ એ છે કે શું કોરોનાની વેક્સીન બની શકશે?

આવું એટલા માટે કારણ કે, કોરોના વાઇરસ પણ એક પ્રકારનો ફ્લુ છે. ફ્લુનો રોગ સેંકડો વર્ષ જૂનો છે. પરંતુ અત્યાર સુધી ફ્લુની કોઈ વેક્સીન નથી બની શકી. આ જ કારણ છે કે, ગર વર્ષે તાવ અને શરદી સંબંધિત રોગો ફેલાય છે.

આ ઉપરાંત,બીજું કારણ એ પણ છે કે કેટલીક જોખમી બીમારીઓની વેક્સીન પણ અત્યાર સુધી નથી બની શકી.

વર્ષ 1981માં HIV વાઇરસ ફેલાયો. આ વાઇરસને કારણે માણસોમાં એડ્સનો રોગ ફેલાય છે. 4 દાયકા પસાર થઈ ગયા હોવા છતાં આ રોગ માટે કોઈ અસરકારક દવા કે વેક્સીન બની નથી શકી. WHOના જણાવ્યાનુસાર, આ રોગથી અત્યાર સુધી 2.5 કરોડથી વધુ લોકો તેમનો જીવ ગુમાવી ચૂક્યા છે.

ત્યારબાદ વર્ષ 2002-03માં સાર્સ ચીનથી જ ફેલાયો. વિશ્વભરમાં સાડા આઠ હજાર કેસ નોંધાયા હતા, જ્યારે 750થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જો કે, આ રોગ ઝડપથી દૂર થઈ ગયો. પરંતુ કોઈ રસી પેદા કરી શક્યું નહીં.

વર્ષ 2015માં મર્સ વાઇરસ ફેલાયો હતો. અત્યાર સુધીમાં અઢી હજાર લોકોને ચેપ લાગ્યો છે અને 850થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મર્સ વાઇરસ હજી સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી અને કેટલાક દેશોમાં આના કેસો આવતા રહે છે. જો કે, હજી સુધી કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી.

કેટલાક વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે, સાર્સ અને મર્સ જેવા વાઇરસના ફેલાવા પછી જો તેમની રસી પર કામ ચાલુ રહેતું તો કોરોનાની રસી બનાવવામાં આટલી તકલીફ ન પડત કારણ કે, સાર્સ અને મર્સ પણ કોરોના વાઇરસ જ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post