• Home
  • News
  • અનોખું ગામ:મહારાષ્ટ્રનું 750 પરિવારનું ગામ, અહીં બધા ટેક્સપેયર, આખા ગામમાં CCTV કેમેરા અને સ્કૂલોમાં દૂધ મફત
post

મહારાષ્ટ્રનું પાટોડા ગામ બન્યું આત્મનિર્ભરતાની મિસાલ, વસતીથી બમણું ફળ ઉત્પાદન

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 10:35:38

દિવાળીએ કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને કપડાં, મીઠાઈ કે રોકડની મદદ મળી હોવાના સમાચારો ઘણીવાર વાંચવા મળે છે, પરંતુ ગામમાં સેંકડો લોકોને અડધી કિંમતે ખાંડનું વિતરણ કરનારા ઔરંગાબાદ નજીકનું પાટોડા ગામ કંઈક ખાસ છે. દર વખતે કંઈક નવું કરવા માટે જાણીતા પાટોડા ગામે દિવાળી નિમિત્તે અહીં વસતા 750 પરિવારને પ્રતિ કિલો રૂ. 20ના હિસાબે 25 કિલો ખાંડનું વિતરણ કર્યું છે. કોરોના સંકટમાં પણ આ ગામે 100% ટેક્સ ચૂકવ્યો છે. પૂરેપૂરો ટેક્સ ભરનારા પરિવારોને આજેય અહીં ઘઉં મફતમાં દળીને અપાય છે. ગ્રામજનોને મિનરલ વૉટર અને નહાવાના ગરમ પાણીની સુવિધા પણ અપાય છે.

પાટોડા ગામ ઔરંગાબાદ શહેરથી માંડ 12 કિ.મી. દૂર છે. અહીંના પૂર્વ સરપંચ ભાસ્કર પેરેના પ્રયાસોના કારણે આ શક્ય બન્યું છે. અડધી કિંમતે ખાંડના વિતરણનો વિચાર પણ તેમણે જ આપ્યો હતો. હાલ અહીંના બજારમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. 40 છે, જે પાટોડા પંચાયતે લાતુર જિલ્લાની સિદ્ધેશ્વર સુગર ફેક્ટરી પાસેથી પ્રતિ કિલો રૂ. 28ના ભાવે 100 ક્વિન્ટલ ખરીદી લીધી હતી. ફેક્ટરીથી ગામ સુધી ખાંડ લાવવામાં વધારાના રૂ. બેનો ખર્ચ થયો. બાદમાં ગામના લોકોને પ્રતિ કિલો રૂ. 20ના ભાવે 25 કિલો સુધી વિતરીત કરાઈ. આ સાથે તેમની પાસેથી ટેક્સના પૈસા વસૂલી લેવાની પણ પહેલ કરાઈ.

પંચાયતના ગ્રામવિકાસ અધિકારી પી.એસ. પાટિલ કહે છે કે દિવાળીમાં લોકોને રાહત આપવા પંચાયતે આ પહેલ કરી હતી. આ ગામ ટેક્સ એડવાન્સ ભરે છે: આ ગામના લોકોને પહેલેથી મફત સુવિધાની આદત જ નથી. તેઓ આખું વર્ષ એપ્રિલની શરૂઆતમાં 70% અને જૂનમાં બાકીનો 30% ટેક્સ ભરી દે છે. ગામમાં 750 પરિવાર છે અને કુલ વસતી 1,654 છે. અહીંથી વર્ષે આશરે રૂ. 30 લાખ ટેક્સ મળે છે. એક પરિવારને ઓછામાં ઓછો રૂ. ચાર હજાર ટેક્સ ભરવો પડે છે અને લોકો કોઈ જ ખચકાટ વિના ટેક્સ ચૂકવી દે છે. અહીં પર્યાવરણ ગ્રામસૃદ્ધિ યોજના હેઠળ ફળોનું ઉત્પાદન પણ બમણું થાય છે.એટલુંજ નહીં, અહીં સ્કૂલોમાં મફત દૂધ અને ઈ-લર્નિંગ જેવી સુવિધાઓ પણ પંચાયત આપે છે.

રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે, દરેક કુટુંબમાં એક વ્યક્તિનું બેન્ક ખાતું
સામાજિક જવાબદારી માટે પાટોડાને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. અહીં દરેક પરિવારના એક સભ્યનું બેન્ક ખાતું છે. કોઈ પણ વ્યક્તિનો જન્મદિન હોય, ત્યારે તેની તસવીર પંચાયત બોર્ડ પર લગાવાય છે. ગામમાં એક જ જાહેર ગણેશોત્સવ મનાવાય છે. એકબીજાના સહકારથી યુવાનો ઠંડીમાં દૂધનું મફત વિતરણ કરે છે. ઠેરઠેર પીવાના શુદ્ધ પાણીની સુવિધા છે. આખું ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને પંચાયતની આખી ઓફિસમાં પણ એસીની સુવિધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post