• Home
  • News
  • આદિવાસી હિન્દુ છે કે સરના? ઝારખંડ વિધાનસભાએ પસાર કર્યો નવા ધર્મ કોડનો પ્રસ્તાવ
post

ઝારખંડના આદિવાસીઓને વસતી ગણતરીમાં અલગ ધર્મ કોડનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર ઠુકરાવી ચૂકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 11:27:26

ઝારખંડ વિધાનસભાએ હંગામા સાથેની ચર્ચા પછી 11 નવેમ્બરે સરના આદિવાસી ધર્મ કોડ પર પ્રસ્તાવ પસાર કર્યો. વાસ્તવમાં, આ કોડનો પ્રસ્તાવ પસાર કરવા માટે જ એક દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું હતું. હવે આ પ્રસ્તાવ કેન્દ્રને જશે અને ત્યાંથી મંજૂરી મળ્યા પછી જ વસતી ગણતરી 2021માં આદિવાસીઓને નવી ધાર્મિક ઓળખ મળી શકશે. આનાથી દેશભરમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું આદિવાસીઓ હિન્દુ નથી? તો પછી તેમના માટે અલગ ધર્મની આવશ્યકતા શા માટે સર્જાઈ?

શું છે સરના ધર્મ અને તેને સંલગ્ન વિવાદ?
સરના એક ધર્મ છે જે પ્રકૃતિવાદ પર આધારિત છે અને સરના ધર્માવલંબી પ્રકૃતિના ઉપાસક હોય છે. ઝારખંડમાં સરના કોડની માગણી નવી નથી. વસતી ગણતરી 2021ની પ્રક્રિયા શરૂ થવાથી માગ તેજ થઈ છે. વિધાનસભામાં પાસ થયેલા પ્રસ્તાવને જો કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી તો દેશમાં સરના એક નવા ધર્મ તરીકે સામે આવશે. હજારીબાગ વિશ્વવિદ્યાલયના એન્થ્રોપોલોજીના પ્રોફેસર ડો. જીએન ઝાના અનુસાર, ઝારખંડમાં 32 જનજાતિઓ છે, જેમાં 8 પીવીટીજી (પર્ટિક્યુલર્લી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રૂપ) છે. આ તમામ જનજાતિ હિન્દુ કેટેગરીમાં જ આવે છે. તેમાંથી જે ઈસાઈ ધર્મ સ્વીકારી ચૂક્યા છે તેઓ પોતાના ધર્મના કોડમાં ઈસાઈ લખે છે. આ પણ એક કારણ છે કે આદિવાસી સમુદાય પોતાની ધાર્મિક ઓળખ જાળવી રાખવા માટે સરના કોડની માગ કરી રહ્યા છે.

કેટલા લોકો માને છે સરના ધર્મને?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વસતી ગણતરી 2011માં ઝારખંડના 40.75 લાખ અને દેશભરા છ કરોડ લોકોએ પોતાનો ધર્મ સરના નોંધાવ્યો હતો. તેમાં પણ સૌથી વધુ ઝારખંડમાં 34.50 લાખ હતા. રાજી પડહા સરના પ્રાર્થના સભાના ધર્મગુરૂ બંધન તિગ્ગાએ જણાવ્યું કે ઝારખંડમાં 62 લાખ સરના આદિવાસી છે. રાંચી મહાનગર સરના પ્રાર્થના સભા મિશન-2021 અંતર્ગત પોતાના સ્તરે ઝારખંડના સરના આદિવાસીઓની વસતી ગણતરી કરાવી રહી છે. તિગ્ગા કહે છે કે 21 રાજ્યોમાં આદિવાસીઓએ પોતાનો ધર્મ સરના નોંધાવ્યો હતો. આ કારણથી તેને અલગ ઓળખ મળવી જ જોઈએ.

... પરંતુ આ ઓળખ મળશે કેવી રીતે?
વસતી ગણતરી 2001 માટે અપાયેલા નિર્દેશમાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, શિખ, બૌદ્ધ અને જૈન આ છ ધર્મોને 1 થી 6 સુધીના કોડ નંબર અપાયા હતા. અન્ય ધર્મો માટે ધર્મનું નામ લખવાનું હતું પરંતુ કોઈ કોડ નંબર અપાયો નહોતો. 2011ની વસતી ગણતરીમાં પણ આ પ્રકારની પદ્ધતિ અપનાવાઈ હતી. 1951માં પ્રથમ વસતી ગણતરીમાં આદિવાસીઓ માટે ધર્મની કોલમમાં નવમા નંબર પર ટ્રાઈબ હતું. જેને પછી હટાવવામાં આવ્યું. તેના હટ્યા પછી આદિવાસીઓની ગણતરી અલગ-અલગ ધર્મોમાં વહેંચાતી ગઈ. તેનાથી સમુદાયની ગણતરી ન થઈ શકી. જો કેન્દ્ર સરકારે ઝારખંડ વિધાનસભાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી તો તેના માટે અલગ કોડ નંબર આપી શકાશે. તેનાથી આદિવાસીઓને પોતાની અલગ ધાર્મિક ઓળખ મળી શકશે. સરના ધર્મકોડની માગમાં એક-એક કરોડની વસતીવાળા ગોંડ અને ભીલ આદિવાસીઓને સામેલ કરવામાં આવ્યા નહોતા કેમકે તેઓ પોતાનો અલગ ધર્મ માનતા હતા.

કેન્દ્ર સરકાર આ મામલે શું વલણ ધરાવે છે?
ઝારખંડના આદિવાસીઓને વસતી ગણતરીમાં અલગ ધર્મ કોડનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર ઠુકરાવી ચૂકી છે. આ મામલે વિવિધ આદિવાસી સંગઠનોના આગ્રહ પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ હતું કે એ સંભવ નથી. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે, અલગ ધર્મ કોડ, કોલમ કે શ્રેણી બનાવવી વ્યાવહારિક નહીં હોય. જો વસતી ગણતરીમાં ધર્મની કોલમમાં નવી કોલમ કે ધર્મ કોડ જોડવામાં આવે તો સમગ્ર દેશમાં એવી વધુ માગ શરૂ થશે.

શું આ માગ રાજનીતિથી પ્રેરિત છે?
હા, ઝારખંડની હેમંત સોરેન સરકારમાં સામેલ ઝારખંડ વિકાસ મોરચા(જેવીએમ)એ સરના આદિવાસી ધર્મ કોડનો મુદ્દો પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો હતો. આદિવાસી વોટ બેંકના કારણે ઝારખંડની પાર્ટીઓ આ મુદ્દાને ચગાવે છે. વિધાનસભામાં પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હેમંત સોરેને કહ્યું હતું કે આ વાત સાચી છે કે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે. આદિવાસી સમુદાયને ખતમ કરવાની કોશિશ થઈ રહી છે. તેના પહેલા ભાજપા ધારાસભ્ય નીલકંઠ સિંહ મુંડાએ કહ્યું હતું કે આ પ્રસ્તાવ રાજનીતિથી પ્રેરિત છે. ભાજપાને પ્રસ્તાવમાં આદિવાસી/સરના લખવા પર વાંધો છે. સરના ધર્મ લખવામાં આવે કે આદિવાસી સરના ધર્મ કોડનો પ્રસ્તાવ લાવવામાં આવે.

શું તેનાથી ધર્માંતરણનું જોખમ ટળી જશે?
વાસ્તવમાં, આ મુદ્દા અંગે મતભેદ છે. એક વર્ગ માને છે કે આદિવાસીઓને હિન્દુ ગણાવવામાં આવે છે, જે ખોટું છે. તેમને તેમની અલગ ધાર્મિક ઓળખ આપવી જોઈએ. જ્યારે એક વર્ગ તેની વિરુદ્ધ છે. તે ઈચ્છે છે કે જો સરનાને અલગ ઓળખ આપવામાં આવી તો ભોળા આદિવાસીઓને ભોળવીને ધર્માંતરણ કરાવવું આસાન થઈ જશે. જો કે, ઈસાઈ મિશનરીઝ આ પ્રકારના આરોપો નકારે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post