• Home
  • News
  • ન્યૂ જર્સીમાં બિગ બીનો 'જબરા ફૅન':દાહોદના ગોપી શેઠ અમિતાભને ભગવાન માને છે, અમેરિકામાં ઘરની બહાર 60 લાખ રૂપિયાનું સ્ટેચ્યૂ મૂક્યું
post

ગોપી શેઠ મૂળ ગુજરાતના દાહોદના વતની છે. 1990માં તેઓ અમેરિકા ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-29 19:03:59

અમિતાભ બચ્ચન ભારતભરમાં લોકપ્રિય છે. તેમનો ચાહક વર્ગ વિશાળ છે. બોલિવૂડ હોય કે ટીવી, અમિતાભ બચ્ચન શહેનશાહ છે. બિગ બી માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં એટલી જ લોકચાહના ધરાવે છે. વિશ્વના ચાહકો તેમને 'બોલિવૂડના શહેનશાહ' તરીકે ઓળખે છે.

સો.મીડિયામાં બિગ બીની તસવીરો વાઇરલ
સો.મીડિયામાં હાલમાં બિગ બીની તસવીરો વાઇરલ થઈ છે. ભારતીય-અમેરિકન પરિવારે પોતાના નવા ઘરની બહાર અમિતાભ બચ્ચનનું મોટું સ્ટેચ્યૂ બનાવ્યું છે. આ સ્ટેચ્યૂ કાચના બોક્સમાં રાખવામાં આવ્યું છે. ગોપી શેઠ તથા રિંકુએ પોતાનું આ નવું ઘર ન્યૂ જર્સીના એડિસન સિટીમાં લીધું છે.

600 લોકો ભેગા થયા હતા
ગોપી શેઠે અમિતાભ બચ્ચનના સ્ટેચ્યૂનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રસંગે 600 લોકો ભેગા થયા હતા. ગોપી શેઠના ઘરને 'લિટલ ઇન્ડિયા' પણ કહેવામાં આવે છે. કમ્યુનિટી લીડર આલ્બર્ટ જસાનીના હસ્તે સ્ટેચ્યૂ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂના અનાવરણ પ્રસંગે ભેગા થયેલા લોકોએ ડાન્સ કર્યો હતો અને ફટાકડા પણ ફોડ્યા હતા.

શું કહ્યું ગોપી શેઠે?
ગોપી શેઠે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'તેઓ મારા તથા મારી પત્ની માટે ભગવાનથી સહેજેય ઉતરતા નથી. તેઓ માત્ર સ્ક્રીન પર જ નહીં, રિયલ લાઇફમાં પણ મને પ્રેરણા આપતા હોય છે. તેઓ જાહેરમાં કેવી રીતે પોતાની જાતને સંભાળે છે, તેઓ કેવી રીતે બધા સાથે કમ્યુનિકેટ કરે છે. તે ઘણાં જ વિનમ્ર છે. તેઓ પોતાના ચાહકોનું ઘણું જ ધ્યાન રાખે છે. તેઓ બીજા સ્ટાર્સ જેવા બિલકુલ નથી. આ જ કારણે મેં મારા ઘરની બહાર તેમનું સ્ટેચ્યૂ મૂક્યું છે.'

સ્ટેચ્યૂની કિંમત કેટલી?
સ્ટેચ્યૂમાં અમિતાભ બચ્ચન રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની સ્ટાઇલમાં ખુરશી પર બેઠાં છે. આ સ્ટેચ્યૂ રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેચ્યૂની કિંમત 75 હજાર અમેરિકન ડૉલર (ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 60 લાખ) જેટલી છે.

કોણ છે ગોપી શેઠ?
ગોપી શેઠ મૂળ ગુજરાતના દાહોદના વતની છે. 1990માં તેઓ અમેરિકા ગયા હતા. તેઓ ઇન્ટરનેટ સિક્યોરિટી એન્જિનિયર છે. ગોપી શેઠના મતે, બિગ બીને તેમનું સ્ટેચ્યૂ મૂકાવવાનું છે, તે વાતની જાણ હતી. તેમણે કહ્યું હતું કે તે આટલા સન્માનના હકદાર નથી. ગોપી શેઠ તથા અમિતાભ 1991માં નવરાત્રિ દરમિયાન ન્યૂ જર્સીમાં પહેલી જ વાર મળ્યા હતા.

અમિતાભ હાલમાં કોરોનાગ્રસ્ત
બિગ બી હાલમાં કોરોનો પોઝિટિવ છે. તેમણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. અમિતાભ બચ્ચનને વર્ષ 2020માં પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ દરમિયાન અભિનેતાને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા દિવસો સુધી સારવાર હેઠળ રહ્યા હતા. ત્યારે તેમના પ્રશંસકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post