• Home
  • News
  • બોલિવૂડને આડેહાથ લીધું:'રામ તેરી ગંગા મૈલી' ફૅમ મંદાકિનીએ બોયકોટ ટ્રેન્ડ અંગે કહ્યું, 'ઇન્ડસ્ટ્રીના લોકોના અભિમાનનું આ પરિણામ છે'
post

મંદાકિની છેલ્લે 1996માં ફિલ્મ 'જોરદાર'માં જોવા મળી હતી. હવે તે 26 વર્ષ બાદ ડિરેક્ટર સાજન અગ્રવાલના મ્યૂઝિક વીડિયો 'મા ઓ મા'થી કમબેક કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-24 17:52:13

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અંગે લોકોમાં નેગેટિવ માહોલ જોવા મળ્યો છે. સો.મીડિયામાં અવાર-નવાર કેન્સલ કલ્ચર, ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલતો રહેતો હોય છે. આ દરમિયાન 26 વર્ષે ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરનાર મંદાકિનીએ આ નેગેટિવ માહોલ અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મંદાકિનીએ સ્વ. રાજ કપૂરની ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

શું કહ્યું કેન્સલ કલ્ચર અંગે?
એક ઇન્ટરવ્યૂમાં મંદાકિનીએ કહ્યું હતું, 'આ તમામ વાતોથી ઘણું જ દુઃખ થાય છે. પહેલાં આવું નહોતું. પહેલાં ડિરેક્ટર્સને ગુરુ જેટલું માન આપવામાં આવતું. દરેક કલાકાર તેમનો આદર કરતો. અમે લોકો હંમેશાં તેમને રિસ્પેક્ટ આપતા. એક આત્મીયતા જોવા મળતી, પરંતુ હવે તે નથી. આ જ કારણ છે કે આજે ઇન્ડસ્ટ્રીમાં લોકો એકબીજા પર આક્ષેપો કરતા હોય છે.'

બોલિવૂડની ઉદ્ધતાઈનું આ પરિણામ છે
વધુમાં મંદાકિનીએ કહ્યું હતું, 'પહેલાં પરસ્પર એકબીજા માટે માન-સન્માન હતું, પરંતુ હવે તે જોવા મળતું નથી. હવે મોટાભાગના લોકો અભિમાની થઈ ગયા છે. તેમને લાગે છે કે તેઓ ઇન્ડસ્ટ્રીને બદલી શકે છે અને તેમને કારણે જ ઇન્ડસ્ટ્રી ચાલે છે. અભિમાન તો બિલકુલ હોવું ના જોઈએ. વ્યક્તિ ભલે ગમે તેટલી સફળ હોય, પરંતુ તેણે વિનમ્ર હોવું જોઈએ. સામાન્ય લોકો તમને જુએ છે અને તમને પ્રેમ કરે છે. તમને આદર્શ માને છે અને જ્યારે તેઓ તમારી એરોગન્સ જુએ તો તેમને ગુસ્સો તો આવશે જ. બોયકોટ તથા કેન્સલ કલ્ચર આ જ ગુસ્સાનું પરિણામ છે.'

પ્લાનિંગના ભાગરૂપે થાય છે
આ ઉપરાંત મંદાકિનીએ અન્ય પાસા અંગે પણ વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું, 'બની શકે કે ફિલ્મી લોકો જ આને પ્રોત્સાહન આપતા હોય. મને લાગે છે કે આ બધું પ્લાનિંગના ભાગરૂપે છે. પૉલિટિકલી તથા ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મળીને આ પ્લાનિંગ કરે છે. ક્યારેક ક્યારેક મને શંકા પણ જાય છે કે જે લોકો એકબીજા અંગે વાત કરે છે, તેમને પણ કોઈએ શીખવીને ઊભા રાખી દીધા છે. દરેક બાબતમાં અપ્રામાણિકતા જોવા મળે છે, પરંતુ તમે ખોટું ક્યાં સુધી છુપાવીને રાખશો.'

મંદાકિની છેલ્લાં 26 વર્ષથી ઇન્ડસ્ટ્રીથી દૂર હતી
મંદાકિની છેલ્લે 1996માં ફિલ્મ 'જોરદાર'માં જોવા મળી હતી. હવે તે 26 વર્ષ બાદ ડિરેક્ટર સાજન અગ્રવાલના મ્યૂઝિક વીડિયો 'મા ઓ મા'થી કમબેક કર્યું છે. મંદાકિની આ સોંગમાં દીકરા રબ્બિલ ઠાકુર સાથે જોવા મળી છે.

adv

Related News

post
post
post
post
post
post
post