• Home
  • News
  • ઉત્તરથી પશ્ચિમ ભારત સુધી ઠંડી, કોલ્ડવેવને પગલે ગુજરાતનાં 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી આસપાસ નોંધાયો, નલિયામાં 7 ડિગ્રી
post

ઉત્તરનાં મેદાની રાજ્યોમાં ઠંડીનું એલર્ટ, વાદળ ફાટવાથી પારો 3થી 4 ડિગ્રી નીચે ગગડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 10:31:18

સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. એક સપ્તાહમાં બે વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડો ઉપર ભારે હિમવર્ષા થઈ છે. પરિણામે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં ઠંડી વધી છે. વાદળો ફાટવાથી તાપમાન 3થી 4 ડિગ્રી ઘટ્યું છે.

હવે મેદાની વિસ્તારનાં રાજ્યો પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ઠંડી વધશે. ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં સામાન્ય રીતે 20 ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે. પરંતુ પંજાબ, હરિયાણામાં આ વખતે 15થી 16 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગના વિજ્ઞાની ડૉ. કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર ભારતમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાય તેવી સંભાવના છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો
કોલ્ડવેવની અસરોને કારણે ગુજરાતનાં 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સિઝનમાં પ્રથમવાર નલિયામાં ઠંડીનો પારો ગગડીને 7.0 ડિગ્રીએ પહોંચ્યો છે. તેમજ આગામી બે દિવસ રાજ્યમાં કોલ્ડવેવનું મોજું ફરી વળવાની શક્યતા હોવાથી ખાસ કરીને સૌરાષ્ટ્ર્ અને કચ્છમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવનોનું જોર વધતાં ઠંડીનો ચમકારો વર્તાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ઘટીને 27.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી વધીને 17.1 ડિગ્રી નોંધાયું હતું. જેને પગલે શહેરમાં બપોરેથી સાંજનાં 5 વાગ્યા સુધી લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો હતો. પરંતુ, સાંજનાં 6.00 વાગ્યા બાદ ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેવાનની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઠંડા પવનોની અસરથી ગુજરાતનાં 12 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની આસપાસ પહોંચતાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો પારો 7થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં નલિયા સિઝનના સૌથી નીચા 7.0 લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી બે દિવસ કોલ્ડવેવને કારણે રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની સૌથી વધુ અસર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

કયાં કેટલી ઠંડી નોંધાઇ

શહેર

તાપમાન સેલ્સિયસમાં

નલિયા

7

ભુજ

11.2

રાજકોટ

11.8

કેશોદ

12.2

અમરેલી

12.4

કંડલા

13.3

કંડલા પોર્ટ

13.7

પોરબંદર

14.4

વલસાડ

14.5

સુરેન્દ્રનગર

14.8

મહુવા

15.1

ડીસા

15.2

​​​​​​આ વખતે તાપમાનમાં ઉતાર-ચઢાવ રહેશે

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના વિજ્ઞાની મહેશ પલાવત કહે છે કે દરેક વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડ પર હિમવર્ષા થાય છે અને જો તે મજબૂત હોય તો મેદાની વિસ્તારોમાં વરસાદ આવે છે. વાદળ હટી જાય પછી મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી ઘટે છે. ગયા વર્ષે શિયાળામાં અસાધારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાયા હતા અને આ વખતે તો પહેલેથી જ લા નિનાની સ્થિતિ બની છે. આથી વધુ માત્રામાં ડિસ્ટર્બન્સ આવશે. આથી ફેબ્રુઆરી સુધી બે-ત્રણ દિવસના 8થી 10 ઠંડીના દોર આવશે.

17-18 ડિસેમ્બરે ગાઢ ધુમ્મસ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં તેજ પવન ચાલી રહ્યો છે. આથી આગામી બે દિવસમાં એટલે કે 17 કે 18 ડિસેમ્બરે ગાઢ ધુમ્મસ રહેશે. આથી દિવસનું તાપમાન પણ ઘટશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post