• Home
  • News
  • IPLમાં ગુજરાતીઓનો દબદબો:છ વર્ષ બાદ પૂજારાની IPLમાં ફરી એન્ટ્રી, ચેન્નઈએ 50 લાખમાં ખરીદ્યો; લુકમેન, રિપલ, જેકસન અને ચેતન સહિતના નવા ખેલાડીઓએ બાજી મારી
post

આ સ્ટાર ખેલાડીમાં ચેતેશ્વર પૂજારા, લુકમેન મેરીવાલા, રિપલ પટેલ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 09:53:47

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન માટે મિની ઓક્શન થયું, જેમાં ગુજરાતના સ્ટાર્સ પ્લેયર્સની પણ પસંદગી થઈ છે. આ સ્ટાર ખેલાડીમાં ચેતેશ્વર પૂજારા, લુકમેન મેરીવાલા, રિપલ પટેલ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. ચેન્નઈ સુપરકિંગ્સે ચેતેશ્વર પૂજારાને તેની બેઝ પ્રાઈસ 50 લાખમાં જ ખરીદ્યો છે, જ્યારે લુકમેન મેરીવાલા અને રિપલ પટેલને તેની બેઝ પ્રાઈસ 20 લાખમાં જ દિલ્હી કેપિટલ્સે ખરીદ્યા છે. તો સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. તો મૂળ ભાવનગરના શેલ્ડન જેક્સનને કોલકાતા નાઈટ રાઈડર્સે 20 લાખમાં ખરીદ્યો છે.

ચેતેશ્વર પૂજારા
મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ચેતેશ્વર પૂજારાને તેની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે. પૂજારાની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી, જ્યારે પૂજારાને ત્રણ વખત IPL ચેમ્પિયન બનેલી ટીમે ખરીદ્યો તો તાળીઓ પડવા લાગી હતી. IPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ક્લિપ શેર પણ કરવામાં આવી છે. તો પોતાનું સિલેક્શન થયા પછી પૂજારાએ પણ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે મારામાં વિશ્વાસ મૂકવા બદલ આભાર.

ચેતેશ્વર પૂજારા IPLમાં વેચાતા અશ્વિન અને વસીમ જાફરે ખુશી વ્યક્તિ કરી છે. અશ્વિને કહ્યું છે કે હું ઘણો ખુશ છું, તું ખરેખર આનો હકદાર હતો. પૂજારા IPLમાં 30 મેચ રમી ચૂક્યો છે. આગામી સીઝનમાં તે ચેન્નઈ સુપર કિંગ્સમાં રમશે. છેલ્લે, તે 2014માં પંજાબની ટીમમાં રમ્યો હતો, એ સમયે પંજાબની ટીમ ફાઈનલમાં પણ પહોંચી હતી.

આ ઉપરાંત સૈયદ મુસ્તાક અલીમાં સારું પ્રદર્શન કરીને પોતાને સાબિત કર્યા તેઓ પણ આ વખતે ઓક્શનમાં નામ કમાઈ ગયા છે.

લુકમેન મેરીવાલા
વડોદરાનો ડાબોડી પેસ બોલર લુકમેન મેરીવાલાએ સૈયદ મુશ્તાક અલી ટી-20માં લોકોને ભારે ઈમ્પ્રેસ કર્યા હતા. મેરીવાલાએ 8 મેચમાં 6.52ની ઈકોનોમીથી 15 વિકેટ ઝડપી હતી. 29 વર્ષના મેરીવાલાએ 17 ફર્સ્ટ ક્લાસ મેચ, 31 એ લિસ્ટ મેચ અને 44 ટી-20 મેચ રમ્યા છે. મેરીવાલાએ 44 ટી-20 મેચમાં 6.72ની ઈકોનોમીથી 3 વખત પાંચ વિકેટ મેળવી છે. મેરીવાલાએ કુલ 72 વિકેટ ઝડપી છે.

લુકમેન મેરીવાલાને દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઈસ 20 લાખમાં ખરીદ્યો છે.

રિપલ પટેલ
મૂળ પીપલગ, ખેડાના રહેવાસી 25 વર્ષના રિપલ પટેલને દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઈસ 20 લાખમાં ખરીદ્યો છે. રિપલ સૈયદ મુશ્તાક અલીમાં છત્તીસગઢ સામે 1 ઓવરમાં 30 રન મારીને લાઈમલાઈટમાં આવ્યો. તેણે ઓવરઓલ ટૂર્નામેન્ટમાં 181.25ની એવરેજથી 145 રન કર્યા. મુંબઈ ઇન્ડિયન્સે ટ્રાયલ્સ માટે બોલાવ્યો હતો ત્યારે ત્યાં રમેલી 2માંથી 1 મેચમાં ફિફટી પણ ફટકારી હતી.

લીગમાં ભીના આઉટફિલ્ડના લીધે ગુજરાત અને છત્તીસગઢની મેચ 5-5 ઓવરની થઈ ગઈ હતી. 5 ઓવરમાં 64 રનનો પીછો કરતા ગુજરાતની ટીમે 8 બોલ બાકી રાખીને મેચ જીતી. તેમાં 25 વર્ષીય રિપલનો અમૂલ્ય ફાળો રહ્યો. તેણે એક ઓવરમાં 30 અને પોતાની ઇનિંગ્સ દરમિયાન 9 બોલમાં 32 રન બનાવ્યા હતા. રિપલ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં મારું એક જ ધ્યેય છે કે મારી રમતમાં સુધારો કરું અને વધુ જવાબદાર ફિનિશર બનું.

ચેતન સાકરિયા
સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી. ચેતન સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મેન ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. તેણે લીગની 5 મેચમાં 12 વિકેટ લીધી હતી. એક ગેમમાં 7 રન ડિફેન્ડ કરતાં તેણે હેટ્રિક લઈને પોતાની ટીમને મેચ જિતાડી હતી. ચેતન સાકરિયા IPL 2020માં RCB સાથે નેટ બોલર તરીકે રહ્યો હતો.

વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો.

શેલ્ડન જેક્સન
શેલ્ડન જેક્સનને કોલકાતા નાઈટ રાઈડર્સે 20 લાખમાં ખરીદ્યો છે. તે મૂળ ભાવનગરનો છે. તેણે ડોમેસ્ટિક T-20માં 59 મેચમાં 25.83ની એવરેજ અને 117ની સ્ટ્રાઈક રેટથી 1059 રન કર્યા છે. તેણે આ દરમિયાન 6 ફિફટી અને 1 સદી મારી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post