• Home
  • News
  • સરકારી નિયંત્રણથી ચાલશે નેટફ્લિક્સ, એમેઝોન જેવા ઓટીટી પ્લેટફોર્મ; શું વેબ સિરીઝ પર પણ ચાલશે સેન્સરની કાતર?
post

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે સંકેત આપ્યા કે ઓટીટી પ્લેટફોર્મ્સ પર રેગ્યુલેશનના મામલે એક કે બે દિવસમાં કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન જારી થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 11:29:27

કેન્દ્ર સરકારે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઈન ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરનારા તમામ પ્લેટફોર્મ્સને માહિતી અને પ્રસારણ મંત્રાલયની દેખરેખ હેઠળ સામેલ કરી લીધા છે. તેની અસર એ થશે કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટ સ્ટાર જેવા ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મની કન્ટેન્ટ પર સરકારની નજર રહેશે. કેન્દ્ર સરકારે આ મામલે બુધવારે નોટિફિકેશન જારી કર્યુ છે.

આ નિર્ણય પછી આશંકા વ્યક્ત થઈ રહી છે કે આ પ્લેટફોર્મ પર ચાલતી કન્ટેન્ટ પર પણ સેન્સરની કાતર ચાલી શકે છે. વાસ્તવમાં, આ પ્રકારના પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટને લઈને કોઈ કાયદો નહોતો. આ કારણથી આ પ્લેટફોર્મ પર આવતી કન્ટેન્ટ કે ફિલ્મોને હટાવવામાં સરકારના અધિકારો સીમિત થઈ જતા હતા.

અદાલતોમાં અરજીઓ દાખલ થઈ રહી હતી અને આ પ્લેટફોર્મ્સની કન્ટેન્ટની દેખરેખની માગ શરૂ થઈ રહી હતી. કેન્દ્ર સરકારના નિર્ણય પછી હવે એ વાત પર ચર્ચા છેડાઈ છે કે ઓટીટી પ્લેટફોર્મ્સનું શું થશે? એક સ્ટડી રિપોર્ટ અનુસાર, ઓટીટી પ્લેટફોર્મ 2024 સુધી 28 ટકાના વાર્ષિક દરથી વધશે.

આશંકા પણ વ્યક્ત થઈ રહી છે કે વેબ સિરિઝ કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર પણ કેન્દ્ર સરકારને મળી જશે. નોટિફિકેશન પછી હવે એ કાયદો બની જશે અને એ પ્લેટફોર્મ્સ માહિતી અને પ્રસારણ મંત્રાલયને અંતર્ગત રહેશે. જો કે, આ પહેલા પણ તમામ ઓટીટી પ્લેટફોર્મ્સ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને અંતર્ગત સંચાલિત થતા હતા પણ કોઈ પ્રકારનું રેગ્યુલેશન નહોતું. એક અનુમાન અનુસાર, ઓટીટી પ્લેટફોર્મના ઉપયોગને જોઈને તેની માર્કેટ રેવન્યુ 2025ના અંત સુધીમાં 4 હજાર કરોડ સુધી હોઈ શકે છે. 2019નાં અંત સુધીમાં ભારતમાં 17 કરોડ લોકો એવા હતા, જેઓ ઓટીટી પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા.

ઓટીટી પ્લેટફોર્મ શું છે?

·         ઓટીટી પ્લેટફોર્મ એટલે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ. આ એક રીતે ઓડિયો અને વીડિયો હોસ્ટિંગ અને સ્ટ્રિમિંગની સેવાઓ આપે છે, જે પ્રથમ કન્ટેન્ટ હોસ્ટિંગ પ્લેટફોર્મ તરીકે શરૂ થયા હતા. તેના પછી આ તમામ પ્લેટફોર્મે પ્રોડક્શન સાથે જોડાયેલ કન્ટેન્ટ, શોર્ટ ફિલ્મ, ફિચર ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી અને વેબ સિરીઝ બનાવવાનું શરૂ કરી દીધું.

·         આ તમામ પ્લેટફોર્મ પોતાના યુઝરને અલગ અલગ પ્રકારની કન્ટેન્ટ આપે છે. યુઝર્સના ઓટીટી પ્લેટફોર્મ અનુભવને જોઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી અલગ-અલગ રીતની કન્ટેન્ટ જોવાનું સૂચન આપવામાં આવે છે.

·         મોટાભાગના પ્લેટફોર્મ મફતમાં કન્ટેન્ટ પ્રદાન કરે છે અને કેટલાક વાર્ષિક /માસિક ચાર્જ પણ લે છે. આ રીતે પ્લેટફોર્મ કેટલાક પસંદગીના ફિલ્મ પ્રોડક્શન હાઉસ કે જે અગાઉથી ફિલ્મ બનાવી ચૂક્યા છે, તેમની સાથે મળીને પ્રિમિયમ કન્ટેન્ટ (એવી કન્ટેન્ટ જેને જોવા પર ચાર્જ લાગે છે) તૈયાર કરે છે અને તેને સ્ટ્રીમ કરે છે.

ઓટીટી પ્લેટફોર્મ માટે શું કાયદો છે?

·         ભારતમાં ઓટીટી પ્લેટફોર્મને રેગ્યુલેટ કરવા માટે ન કોઈ કાયદો છે અને ન તો કોઈ નિયમ. આ મનોરંજનનું નવું માધ્યમ છે, જે કોરોના લોકડાઉન દરમિયાન ઝડપથી આગળ વધ્યું. ટીવી, પ્રિન્ટ અને રેડિયો તો અલગ અલગ કાયદાઓ અંતર્ગત આવે છે, જેના માટે અત્યાર સુધી કોઈ રેગ્યુલેશન નહીં. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસીએશન ઓફ ઈન્ડિયા (આઈએએમએઆઈ)ની પાસે ઓટીટી પ્લેટફોર્મને લઈને સેલ્ફ-રેગ્યુલેટરી મોડેલ છે.

·         ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટ પ્રોવાઈડર્સ (ઓસીસીપી)એ ઓટીટી પ્લેટફોર્મને લઈને ડિજિટલ ક્યુરેટેડ કન્ટેન્ટ કમ્પ્લેન્ટ કાઉન્સિલ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જો કે, આ પ્રસ્તાવ પર મંત્રાલયે એ સમયે કોઈ ધ્યાન આપ્યું નહોતું. ન સ્વીકાર્યુ કે ન નકારી દીધું.

રેગ્યુલેશનમાં આવવાથી શું થશે?

·         કાયદો બન્યા પછી હવે તમામ ઓટીટી પ્લેટફોર્મને નવી કન્ટેન્ટને રિલીઝ કરતા પહેલા માહિતી અને પ્રસારણ મંત્રાલય (આઈએન્ડબી મંત્રાલય) પાસેથી સર્ટિફિકેટ લેવું જરૂરી હશે. જો મંત્રાલયને કન્ટેન્ટ પર કોઈ વાંધો હશે તો તે તેને પ્રતિબંધિત પણ કરી શકે છે. જો કે, અત્યારે સરકારે પોતાના તરફથી ગાઈડલાઈન જારી કરી નથી.

·         સરકારના આ કદમથી ઓટીટી પ્લેટફોર્મને મુશ્કેલી થઈ શકે છે અને તેઓ તેના પર પોતાનો વિરોધ પણ નોંધાવી શકે છે. ઘણીવાર આ પ્રકારના પ્લેટફોર્મ પર રાજનીતિના વિષય સાથે સંકળાયેલી ફિલ્મો અને ડોક્યુમેન્ટરી બને છે તો સરકારના દબાણમાં તેને એવી કન્ટેન્ટ હટાવવી પડી શકે છે. હવે બસ જોવાનું એ છે કે મંત્રાલય આ મામલે શું નિર્દેશ આપે છે.

·         માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે સંકેત આપ્યા કે ઓટીટી પ્લેટફોર્મ્સ પર રેગ્યુલેશનના મામલે એક કે બે દિવસમાં કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન જારી થઈ શકે છે. આ ગાઈડલાઈન જારી થયા પછી જ ખ્યાલ આવશે કે વેબસિરિઝ અને અન્ય કન્ટેન્ટ પર સેન્સરની કાતર ચાલશે કે કન્ટેન્ટ વિના રોકટોક આમ જ મળતી રહેશે જેમ આજે મળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post