• Home
  • News
  • ભાજપ જ અસલી ટુકડે- ટુકડે ગેંગ છે: 23 વર્ષ સુધી NDAના સાથી પક્ષ રહેલા અકાલી દળના સુખબીર સિંહ બાદલનો આક્રોશ
post

આ પહેલાં પણ બાદલ પરિવાર દ્વારા કૃષિ કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 11:28:17

શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે ભારતીય જનતા પાર્ટી પર મોટો હુમલો કર્યો છે. સુખબીરસિંહ બાદલે કહ્યું કે દેશમાં ભાજપ અસલી ટુકડે-ટુકડે ગેંગ છે. સાથે જ બાદલે ખેડૂત આંદોલન દરમિયાન દેશની એકતાને તોડવાનો પણ આરોપ લગાવ્યો.

સુખબીરસિંહ બાદલે કહ્યું કે ભાજપે રાષ્ટ્રીય એકતાને ટુકડાઓમાં વહેંચી નાખી છે. ભાજપે શરમ નેવે મુકીને મુસલમાનો વિરૂદ્ધ હિંદુઓને ઉશ્કેર્યા છે અને હવે આપણાં શીખ ભાઈઓ વિરૂદ્ધ આવા કાવતરાંઓ કરી રહ્યાં છે. ભાજપ દેશભક્તિવાળા પંજાબને સાંપ્રદાયિક આગમાં ધકેલી રહ્યાં છે.

સુખબીરસિંહે સોશિયલ મીડિયા પર ભાજપ પર ભડાસ કાઢી
સુખબીર સિંહે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ભાજપ પર જોરદાર હુમલો કરતા નજરે પડી રહ્યાં છે. વીડિયોની સાથે તેઓએ કેપ્શનમાં લખ્યું છે, "દેશમાં ભાજપ અસલી ટુકડે-ટુકડે ગેંગ છે. તેઓએ રાષ્ટ્રીય એકતાને ખંડિત કરી દીધી છે. શરમ મૂકીને હિંદુઓને ભડકાવ્યા અને હવે શાંતિપ્રિય પંજાબી હિંદુઓને શીખ ખાસ કરીને ખેડૂત વિરૂદ્ધ ભડકાવવામાં જોતરાયા છે. તેઓ દેશભક્ત પંજાબીઓને સાંપ્રદાયિકતાની આગમાં નાખી રહ્યાં છે."

કૃષિ કાયદાએ 23 વર્ષના સાથ પર પૂર્ણવિરામ મુક્યું
આ પહેલાં પણ બાદલ પરિવાર દ્વારા કૃષિ કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું અને કેન્દ્રના નવા કાયદાઓને ખેડૂતોની સાથેનો મોટો દગો ગણાવ્યો હતો. આટલું જ નહીં સુખબીર બાદલે અકાલી દળને NDAથી અલગ કરવાની જાહેરાત કરતા પંજાબની ચૂંટણી એકલા હાથે લડવાની વાત કરી હતી.

કોંગ્રેસના નિશાને અકાલી દળ
અકાલી દળ પંજાબમાં સતત કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પ્રદર્શનો કરી રહી છે. જો કે કેપ્ટન અમરિંદરસિંહ પણ અકાલી દળ પર પ્રહાર કરી રહ્યાં છે અને તેને ઘેરવામાં કોઈ કસર બાકી નથી રાખતા. અમરિંદરે આરોપ લગાવ્યો હતો કે જ્યારે અકાલી દળ કેન્દ્ર સરકારમાં સામેલ હતી, ત્યારે આ કાયદો તૈયાર થયો હતો ત્યારે તે સમયે તેઓએ વિરોધ કેમ કર્યો ન હતો.

પ્રકાશસિંહ બાદલે એવોર્ડ પરત આપ્યો હતો
આ મહિને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશસિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં પોતાને મળેલું પદ્મવિભૂષણનું સન્માન પરત કરી દીધું છે. તેમના ઉપરાંત અકાલી દળના નેતા સુખદેવસિંહ ઢીંઢસાએ પણ પોતાના પદ્મભૂષણ સન્માનને પરત આપવાની વાત કરી હતી. પ્રકાશસિંહ બાદલ NDAમાં તે નેતાઓમાંથી એક છે, જેઓના સાર્વજનિક મંચ પર પગે લાગીને નરેન્દ્ર મોદી આશિર્વાદ લેતા હોય છે. જો કે હવે કૃષિ કાયદા પર ભાજપ અને અકાલી દળ આમને-સામને આવી ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post