• Home
  • News
  • લોકડાઉનમાં પેકેજ જાહેર કરાયું, પણ રાજ્ય સરકારે શ્રમિકો પાછળ 157.85 કરોડ રૂપિયાનું બજેટ વાપર્યું જ નહીં, 2.69 લાખ શ્રમિકો સહાયથી વંચિત રહ્યા
post

રાજ્ય સરકારે ગરીબ શ્રમિકોને 1 હજાર રૂપિયાની સીધી સહાય આપવાની જાહેરાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 11:20:26

લોકડાઉન વખતે ગુજરાતમાં હજારો શ્રમિકોએ વતન વાપસી જવા દોડધામ મચાવી હતી, જેને કારણે સરકારે રેલ-બસની સુવિધા કરવી પડી હતી. હજારો શ્રમિકો રસ્તામાં અટવાઇ પડયા હતા, જેથી તેમને આશ્રયગૃહમાં રાખવા પડયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે મોટા ઉપાડે શ્રમિકો માટે રૂા. 250 કરોડનું ગરીબ ક્લ્યાણ પેકેજ જાહેર કર્યું હતું, પણ નવાઇની વાત એ છે કે સરકારે ગરીબ શ્રમિકો પાછળ પણ ખર્ચ કરવામાં ઉદાર મન રાખ્યું ન હતું, જેને લીધે એવી પરિસ્થિતિ સર્જાઇ હતી કે ગરીબ કલ્યાણ રાહત પેકેજમાં હજુય રૂા.157.85 કરોડની માતબર રકમ વણવપરાયેલી પડી રહી છે.

રાજ્ય સરકારે ગરીબ શ્રમિકોને રૂા.1 હજાર સીધી સહાય આપવા જાહેરાત કરી હતી
કોરોનાની મહાનારીને કારણે લોકડાઉન જાહેર કરતા હજારો શ્રમિકો બેઘર જ નહીં, આર્થિક સ્થિતિ બેહાલ બની હતી જેને કારણે શ્રમિકો ચાલીને વતન તરફ વળ્યા હતા. એ વખતે રાજ્ય સરકારે ગરીબ શ્રમિકોને રૂા.1 હજાર સીધી સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ફુડ બાસ્કેટ અને આશ્રયગૃહમાં રખાયેલા પ્રવાસી શ્રમિકો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. સરકારે બાંધકામ શ્રમિકોના પરસેવાની કમાણીથી એકત્ર થતા કલ્યાણ ભંડોળમાંથી રૂા. 250 કરોડ લઇ ગરીબ કલ્યાણ રાહત પેકેજ જાહેર કર્યું હતું.

2,69,265 શ્રમિક સહાયથી વંચિત રહ્યા
લોકડાઉન બાદ ગરીબ શ્રમિકોની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય બની હતી. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માત્ર રૂા. 91.15 કરોડનો ખર્ચ કર્યો હતો. હજુય રૂા.157.85 કરોડ જેટલી માતબર રકમ વણવપરાયેલી પડી રહી છે. રાજ્ય સરકારે 6.38 લાખ બાંધકામ શ્રમિકોને રૂા. 1 હજારની સહાય ચૂકવવા નક્કી કર્યું હતું, પણ અત્યારસુધીમાં 3,68,735 શ્રમિકોને જ સહાય ચૂકવાઇ છે. આજેય 2,69,265 શ્રમિકો સહાયથી વંચિત રહ્યા છે. આ મુદ્દે બાંધકામ શ્રમિક સંકલન સમિતિએ સરકારમાં રજૂઆત કરી હોવા છતાંય પરિણામ શૂન્ય રહ્યું છે. બાંધકામ શ્રમિક સંગઠનોએ પણ હવે હારીથાકીને આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post