• Home
  • News
  • બંગડીઓની દુકાનોમાં ગ્રાહક નથી, 100 કરોડ ટર્નઓવરવાળું મોતીઓનું બજાર સૂમસામ, હવે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવી મોતી દેશ-વિદેશ મોકલશે
post

દેશના સૌથી મોટા વૅડિંગ માર્કેટ ચારમિનારથી રિપોર્ટ, અહીં રોજનો 5 કરોડથી વધુનો ધંધો થતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 10:16:05

હૈદરાબાદ: જ્વેલરી, કપડાં, મોતી અને બંગડીઓની ખરીદી માટે હૈદરાબાદના ચારમિનાર સ્થિત માર્કેટ વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. રમજાન માસ બાદ શાદીઓની આ સીઝનમાં અહીં પગ મૂકવાની પણ જગ્યા નહોતી મળતી. રોજ 70 હજારથી 1 લાખ લોકો કરોડોની ખરીદી કરતા. અહીંના મોતીઓનું જ વાર્ષિક 100 કરોડ રૂ.નું ટર્નઓવર છે પણ હાલ અહીંની ગલીઓ સૂમસામ છે. દુકાનદારોનું કહેવું છે કે માત્ર ખોલવા ખાતર દુકાનો ખોલીએ છીએ. રોજનો 5 કરોડનો ધંધો કરતી દુકાનોમાંથી ગ્રાહક ગાયબ છે. 

વૅડિંગ કલેક્શન માટે જાણીતા કાકાજી વૅડિંગ મૉલના આરિફ પટેલ જણાવે છે કે હૈદરાબાદના જરદોશીકામ કરેલા ખડા દુપટ્ટા મશહૂર છે. તેની કિંમત 11 હજાર રૂ.થી માંડીને 5 લાખ રૂ. સુધી હોય છે. મોટી સંખ્યામાં એનઆરઆઇ અને બિઝનેસમેન આ ડ્રેસ લેવા અહીં આવતા હોય છે પણ હાલ ઓર્ડર જ નથી. 20 વર્ષથી ડ્રેસ ડિઝાઇનિંગનું કામ કરતા સુધા જલ્લાન જણાવે છે કે ખડા દુપટ્ટા દુલ્હનના ડ્રેસનું નામ છે. તેના પર જરી, જરદોશી, નંગ અને મોતીની ભારે કારીગરી હોય છે. આ ડ્રેસ પૂરી દુનિયામાં એટલા માટે મશહૂર છે કે અહીંના નિઝામની બેગમ ખડા દુપટ્ટા પહેરતી હતી. આ ડ્રેસમાં નાજુકતા, સુંદરતા અને અમીરી ઝળકે છે. આ કારીગરી હૈદરાબાદ સિવાય બીજે ક્યાંય નથી થતી. 

ચૂડી બાઝારના શોએબનું કહેવું છે કે ઇદ પછી શાદી અને વલીમા હોય છે. અમારે ત્યાં 40 જણાં કામ કરતા હતા, જેમાંથી હવે માત્ર 7 રહ્યા છે. ઇદ અને શાદીઓની આ સીઝનમાં આખા વર્ષનું કમાઇ લેતા હતા, જેમાં દુલ્હન ઉપરાંત તેના સંબંધીઓના કપડાંના ઓર્ડર પણ મળતા. હવે તો ઘરમાં જ માત્ર 10-20 લોકોની હાજરીમાં શાદી થઇ રહી હોવાથી લોકો સંબંધીઓ માટે કપડાં નથી ખરીદતા. માત્ર દુલ્હનના કપડાં જ ખરીદે છે. આ જ રીતે હૈદરાબાદનું લાડ બાઝાર બંગડીઓ માટે મશહૂર છે. ફિઝા બેંગલના ઝાહિદ જણાવે છે કે લાખ પર સ્ટોનની કારીગરીવાળી અહીંની બંગડીઓ મશહૂર છે. અહીં તેની 300 દુકાન છે. દરેક દુકાન પર રોજ સરેરાશ 10-12 હજાર રૂ.નો ધંધો થતો પણ હાલ એક-બે હજાર રૂ.નો જ થઇ રહ્યો છે. 

ચારમિનારના બેંગલ એસોસિયેશનના સેક્રેટરી શોએબ જણાવે છે કે ચારમિનાર માર્કેટની બધી દુકાનો 1 દિવસમાં અંદાજે 5 કરોડ રૂ.નો ધંધો કરતી હતી પણ કોરોનાના કારણે હાલ તેમનો રોજનો ધંધો દોઢ કરોડ રૂ.ની આસપાસ છે. અહીંના મોતીઓની વાત કરતા જ્વેલર્સ એસો.ના હૃદય અગ્રવાલ જણાવે છે કે મોતી દુનિયામાં ગમે ત્યાંના હોય, તે રૉ ફોર્મ (કાચા રૂપ)માં હૈદરાબાદ જ આવે છે. અહીંથી ક્વોલિટીના હિસાબે મોતીઓ છૂટા પાડીને વિદેશોમાં મોકલાય છે. 

મોતીઓના વેપારી કુંજબિહારી અગ્રવાલ જણાવે છે કે મોતીનો ધંધો ટૂરિસ્ટ્સ પર નિર્ભર હોય છે પણ હજુ 5 મહિના સુધી અમારો ધંધો સંપૂર્ણપણે ઠપ રહેવાનો છે. તેનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂ.ની આસપાસ હતું, જે હાલ શૂન્ય થઇ ચૂક્યું છે. મોતીની ડિમાન્ડ એટલી છે કે તેનો ધંધો દર વર્ષે નફો કરાવે છે, કેમ કે સોના-ચાંદી અને હીરાની જ્વેલરી ખરીદવાનું બધાને ન પરવડે. એસો.એ ધંધો બચાવવા ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર જવાનું નક્કી કર્યું છે. અમે અમારું પોતાનું ઇ-પ્લેટફોર્મ બનાવવા અંગે કામ કરી રહ્યા છીએ, જેમાં અહીંના બધા જ વેપારીઓ હશે. તેના દ્વારા અમે દેશ-વિદેશમાં અમારા ગ્રાહકોને મોતી મોકલીશું. 

adv

Related News

post
post
post
post
post
post
post