• Home
  • News
  • દેશમાં કોરોના કેસ 11 લાખ પાર : 10 લાખની વસ્તીમાં 10 હજાર ટેસ્ટ થાય છે, તેમાંથી 787 કેસ નોંધાય છે, છેલ્લા ત્રણ લાખ કેસ માત્ર 9 દિવસમાં વધ્યા
post

ભારત વિશ્વનો બીજો દેશ બન્યો જ્યાં રોજ સૌથી વધુ કેસ નોંધાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 08:56:41

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો રવિવારે 11 લાખને પાર કરી ગયો હતો. માત્ર ત્રણ દિવસમાં એક લાખ કેસ નોંધાયા હોય તેવું ત્રીજી વખત બન્યું છે. દર 10 લાખની વસ્તીએ 787 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સંક્રમણનું સ્તર ઓછું છે. અહીં દર દસ લાખની વસ્તીએ ટેસ્ટિંગનો રેટ પણ બહુ ઓછો છે. સૌથી વધુ સંક્રમિત 10 દેશોમાં થનારી ટેસ્ટિંગની સરખામણી ભારત સાથે કરવામા આવે તો મેક્સિકો પછી ભારત બીજો દેશ છે જ્યાં સૌથી ઓછા લોકોના ટેસ્ટ થાય છે. 

આ મામલે ઇંગ્લેન્ડ પહેલા નંબરે છે જ્યાં દર દસ લાખની વસ્તીમાં 1.93 લાખ લોકોના ટેસ્ટ થઇ રહી છે. રશિયામાં આટલી જ વસ્તીએ 1.69 લાખ અને અમેરિકામાં 1.43 લાખ લોકોના ટેસ્ટ થઇ રહ્યા છે. ભારતમાં દર દસ લાખની વસ્તીએ 10 હજાર લોકોના ટેસ્ટ થાય છે. મેક્સિકોમાં આ સંખ્યા 6195 છે. 

દર બે દિવસમાં 70 હજાર કેસ વધે છે
દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઇ હતી. ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસોમાં જ આંકડો 2 લાખને પાર થઇ ગયો. પછી 2 લાખથી 3 લાખ કેસ થવામાં 10 દિવસ લાગ્યા હતા. 3થી 4 લાખ થવામાં 8 દિવસ અને 4થી 5 લાખ કેસ થવામા 6 દિવસ લાગ્યા હતા. કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.

5થી 6 લાખ અને 6થી 7 લાખ કેસ થવામા માત્ર 5-5 દિવસ લાગ્યા હતા. 7થી 8 લાખ કેસ થવામાં ચાર દિવસ લાગ્યા. ત્યારબાદ દર ત્રણ દિવસે એક લાખ કેસ વધ્યા અને માત્ર 9 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 8 લાખથી 11 લાખ સુધી પહોંચી ગઇ. દરરોજ અમેરિકા બાદ ભારતમાં જ સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અહીં દર બે દિવસે 70 હજાર કેસ નોંધાય છે. 

અત્યારસુધી 1.34 કરોડ લોકોના ટેસ્ટ, તેમાંથી 8.02 ટકા પોઝિટિવ
દેશમાં અત્યારસુધી એક કરોડ 34 લાખ લોકોનું ટેસ્ટિંગ થઇ ચૂક્યું છે. તેમાંથી 8.02 ટકા લોકો સંક્રમિત છે. અમેરિકામાં 4 કરોડ ટેસ્ટ થયા છે અને તેમાંથી 8.05 ટકા લોકો પોઝિટિવ નોંધાયા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ બ્રાઝીલની છે. અહીં અત્યારસુધી 49 લાખ લોકોના ટેસ્ટ થયા છે અને તેમાંથી 42.25 ટકા લોકો સંક્રમિત છે. 

ભારત વિશ્વનો 8મો દેશ જ્યાં સૌથી વધુ મોત
ભારત વિશ્વનો 8મો દેશ છે જ્યાં સંક્રમણના લીધે સૌથી વધુ મોત થયા છે. અહીં દર 10 લાખ લોકોમાં 19ના મોત થઇ રહ્યા છે. દેશમાં અત્યારસુધી 27 હજારથી વધુ લોકોના મોત થયા છે. વિશ્વમાં સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. અહીં 1.42 લાખ લોકોના મોત થઇ ચૂક્યા છે. દર દસ લાખની વસ્તીએ 432 લોકોના મોત થઇ રહ્યાછે. બીજા નંબરે બ્રાઝીલ છે જ્યાં 78817 લોકોના મોત થયા છે. અહીં દસ લાખની વસ્તીએ 371ના મોત થઇ રહ્યા છે. 

દેશમાં સૌથી સંક્રમિત રાજ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને કર્ણાટક
ભારતમાં કુલ સંક્રમિતોમાં 27.35 ટકા લોકો મહારાષ્ટ્રના છે. મોતના આંકડા જોઇએ તો અત્યારસુધી થયેલી કુલ મોતમાં 44.85 ટકા લોકો આ રાજ્યના છે. દેશનું બીજુ સૌથી સંક્રમિત રાજ્ય તમિલનાડુ છે. 11 લાખ સંક્રમિતોમાં 15.82 ટકા લોકો આ રાજ્યના છે. દેશી રાજધાની દિલ્હીના 13.38 ટકા સંક્રમિત છે. 

63 ટકા દર્દી સ્વસ્થ થયા, એક્ટિવ કેસ 3.80 લાખ
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 11 લાખથી વધુ થઇ ગઇ છે. તેમાંથી 6.87 લાખથી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 2.45 ટકા દર્દીઓના મોત થયા છે. 3.80 લાખ દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે. અમેરિકાનો ડેથ રેટ સૌથી વધુ 4.21 ટકા છે. બ્રાઝીલમાં અત્યારસુધી 3.93 ટકા દર્દીઓના મોત થયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post