• Home
  • News
  • અમેરિકામાં ચૂંટણી:રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શનના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ ટ્રમ્પના વક્તાઓનાં 20 ભાષણ, જેમાં 13 જૂઠ
post

અમેરિકામાં માઈક પેન્સ (61)એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીની આધિકારિક ઉમેદવારી સ્વીકારી લીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 10:40:03

અમેરિકામાં માઈક પેન્સ (61)એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીની આધિકારિક ઉમેદવારી સ્વીકારી લીધી છે. તે અત્યારે આ પદ પર છે. પાર્ટીના કન્વેન્શનના ત્રીજા દિવસે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. વક્તા ભાષણમાં કહેતા રહ્યા કે, ટ્રમ્પના કારણે જ રાષ્ટ્રીય સુરક્ષા ટકી રહેશે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ તરીકે હરીફ જો બીડેન વિદેશ નીતિ પ્રભાવી રીતે લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પેન્સે બાલ્ટીમોરના ફોર્ટ મેકહેનરીથી ભાષણ આપ્યું. ન્યૂયોર્ક ટાઈમ્સે ટ્રમ્પનાં પ્રવક્તાઓનાં 20 નિવેદનોની સત્યતા ચકાસી. જેમાંથી 13 જૂઠા કે ગેરમાર્ગે દોરનારા, 4 સાચા અને 3 ચકિત કરનારા નિવેદન છે.

માઈક પેન્સ બોલ્યા: બીડેને આતંકી ઓસામા લાદેનને મારવાના ઓપરેશનનો વિરોધ કર્યો હતો.
હકીકત : બીડેને ઓસામાને મારવાના ઓપરેશનનો વિરોધ કર્યો ન હતો. તેમણે આ અંગે તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને સલાહ આપવા માટે સમય માગ્યો હતો. પુરતી માહિતી લીધા પછી કાર્યવાહીનું સમર્થન કર્યું હતું.

માઈક પેન્સે કહ્યું : ડેવ પેટ્રિક અંડરવૂડ અને ગૃહ સુરક્ષા વિભાગના અન્ય કેટલાક અધિકારીઓની ઓકલેન્ડના રમખાણો દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
હકીકત : અંડરવૂડની હત્યા રમખાણોમાં થઈ ન હતી. આરોપી સ્ટીવન કારિલો ચરમપંથી સંગઠન બુગાલુ સાથે જોડાયેલો હતો. તે પોલિસકર્મીઓની હત્યા કરવા માટે ઓકલેન્ડ જરૂર આવ્યો હતો, પરંતુ તોફાનોમાં સામેલ થયો ન હતો.

માઈક પેન્સે કહ્યું : રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસોના કારણે ત્રણ વર્ષમાં 90.30 લાખ નોકરી અપાઈ.
હકીકત : કેટલીક માહિતી સાચી છે, પરંતુ એ પણ ધ્યાને લેવું જોઈએ કે, ફેબ્રુઆરી અને એપ્રિલમાં 2.20 કરોડ લોકોનો રોજગાર ગયો છે.

માઈક પેન્સે કહ્યું : બીડેન સ્કૂલોને ફંડ આપવાનું બંધ કરવા માગે છે.
હકીકત : બીડેનનું કહેવું છે કે, ખાનગી સ્કૂલોને ફંડ આપવા કરતાં એ સ્કૂલોનું ફંડ વધારવું જોઈએ જે સારું પરફોર્મન્સ આપી રહી છે.

માઈક પેન્સે કહ્યું : બીડેન ચીનના ચીયરલીડર છે. તેઓ ચીની ઉત્પાદનો પરના શુલ્કનો વિરોધ કરે છે.
હકીકત : બીડેને ક્યારેય એવું કહ્યું નથી કે, તેઓ લગભગ 27 લાખ કરોડ રૂપિયાની ચીની પ્રોડક્ટો પર લગાવાયેલા શુલ્કનો વિરોધ કરે છે. હા, બીડેનના સહયોગી કહેતા રહ્યા છે કે, શુલ્કનું મુલ્યાંકન કરતા રહેવું જોઈએ.

ટ્રમ્પની પુત્રવધુ લારાએ કહ્યું : બીડેન પોલિસ ફન્ડિંગ ઘટાડવાના સમર્થક છે.
હકીકત : ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક નેતાઓએ પોલિસ ફન્ડિંગ ઘટાડવાને સમર્થન આપ્યું હતું, પરંતુ બીડેન ક્યારેય તેની સાથે સહમત નથી. તેમણે કહ્યું હતું કે, સામાજિક ન્યાયતંત્રમાં સુધારો થવો જોઈએ.

નેશનલ ઈન્ટેલિજન્સના પૂર્વ કાર્યવાહ નિદેશક રિચર્ડ ગ્રેનેલે કહ્યું : છેલ્લી વખતે ઓબામા-બીડેન સરકારે ટ્રમ્પના ચૂંટણી અભિયાનની જાસુસી કરાવી હતી.
હકીકત : ટ્રમ્પે સેનેટને વિશ્વાસમાં લીધા વગર ગ્રેનેલની ટોચના ગુપ્ત અધિકારી તરીકે નિમણૂક કરી હતી. ગ્રેનેલની ભૂમિકા છેલ્લી ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપ બાબતે ટ્રમ્પને પીડિત બતાવવાની રહી છે.