• Home
  • News
  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે ભારતને લાગ્યા 4 મોટા ઝટકા, આજથી જ અસર શરૂ
post

વૈશ્વિક સ્તરે યુદ્ધની અસર શરૂ, ક્રુડ ઓઈલની કિંમતોમાં ઉછાળા બાદ ભારતીય સ્ટોક માર્કેટને પણ ફટકો

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-09 18:10:30

નવી દિલ્હી: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલ પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. બંને દેશો તરફથી બોંબમારમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એટલું જ નહીં આતંકવાદીઓ રસ્તે-આવતા જતા હાથે ચડતા તમામનું અપહરણ કરી રહ્યા છે, તો મહિલાઓ પર પણ ક્રુરતા આચરવામાં આવી રહી છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનનું યુદ્ધ વિશ્વભર માટે ફરી મુસીબત બની શકે છે. યુદ્ધની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પણ પડી શકે છે. તો જાણીયે જો યુદ્ધ આગળ વધ્યું અને તેમાં અન્ય દેશો સામેલ થશે તો તેનાથી કયા કયા મોટા ઝટકા લાગી શકે છે.

700 ઈઝરાયેલી, 450 પેલેસ્ટાઈનીઓના મોત

યુદ્ધની તાજેતરની સ્થિતિની વાત કરીએ તો ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે આજે યુદ્ધનો ત્રીજો દિવસ છે. શનિવારે ઈઝરાયેલના ઘણા શહેરોમાં પેલેસ્ટાઈની ગ્રુપ હમાસે ધડાધડ રોકેટ છોડ્યા બાદ અને પેરાશૂટમાં આવેલા આતંકવાદીઓ દ્વારા આડેધડ ગોળીબાર શરૂ કર્યા બાદ યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તો ઈઝરાયેલે પણ વળતો જવાબ આપતા ગાઝામાં હુમલો શરૂ કરી દીધો છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 700થી વધુ ઈઝરાયેલી અને 450 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે, તો હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રથમ ઝટકો : ક્રુડની કિંમતોમાં 4 ટકાથી વધુનો વધારો

ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas War)ના યુદ્ધે વિશ્વભરની મહાસત્તાઓની ચિંતા વધારી દીધી છે. યુદ્ધની અસર વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલ (Crude oil)ની કિંમતોમાં જોવા મળી રહી છે. શનિવારે સંઘર્ષ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ક્રુડની કિંમતોમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. શરૂઆતના એશિયાઈ કારોબારમાં બ્રેંટ (Brent Crude)માં 4.7 ટકાના વધારા સાથે 86.65 ડોલર પર જ્યારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI)માં 4.5 ટકા વધારા સાથે 88.39 ડૉલર પર પહોંચી ગયો છે.

ઉલ્લેખનિય છે કે, બ્યુમબર્ગના અહેવાલોમાં રેપિડન એનર્જી ગ્રુપના પ્રેઝીડેન્ટ અને વ્હાઈટ હાઉસ (White House)ના પૂર્વ અધિકારી બૉબ મૈકનેલીએ કહ્યું છે કે, જો ઈરાન સુધી સંઘર્ષ ફેલાશે તો ક્રુડની કિંમતો પર અસર જોવા મળશે. જોકે આવી સંભાવના ઓછી છે, પરંતુ જો ઈઝરાયેલ ઈરાન (Iran)ના કોઈપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી જવાબ આપશે તો ક્રુડ ઓઈલની કિંમતોમાં અસહ્ય વધારો થઈ શકે છે. જો આવું થશે તો તેની અસર ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો પર પડી શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરીયાતનું મોટાભાગનું ક્રુડ ઓઈલ આયાત કરે છે.

બીજો ઝટકો : બંને દેશોની આયાત-નિકાસ પર અસરની સંભાવના

ઈઝરાયેલ અને ભારત વચ્ચે ગાઢ સંબંધો ઉપરાંત વેપાર સમજુતી પણ છે. છેલ્લા ઘણા વર્ષોથી બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતા છે ઉપરાંત વેપારની આયાત-નિકાસ (India-Israel Import-Export) પણ ખુબ વધી રહી છે. એશિયામાં ઈઝરાયેલનું ત્રીજુ સૌથી મોટું ટ્રેન પાર્ટનર ભારત છે. ઘણી ભારતીય કંપની (Indian Company)ઓએ ઈઝરાયેલમાં તો ઈઝરાયેલી ઘણી કંપનીઓએ ભારતમાં રોકાણ કરેલું છે. બંને દેશો વચ્ચેના આયાત-નિકાસની વાત કરીએ તો 2022-23માં ભારતે ઈઝરાયેલમાંથી 1400થી વધુ આઈટમ્સ ઈમ્પોર્ટ કર્યા છે, જેમાં હીરા-મોતી, ફર્ટિલાઈઝર્સ, ઈલેક્ટ્રોનિક કંપોનેન્ટ અને ક્રુડ ઓઈલ સામેલ છે. જ્યારે ઈઝરાયેલ પણ ભારતમાંથી મોટાપ્રમાણમાં નિકાસ કરે છે, જેમાં હીરા, જ્વેલરી, કંજ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ સામાન સામેલ છે.

અહેવાલો મુજબ બંને દેશો વચ્ચે નાણાંકીય વર્ષમાં કુલ 10 અબજ ડૉલરનો વેપાર થયો છે, જેમાં નિકાસ 8.45 અબજ ડોલર અને આયાત 2.3 અબજ ડૉલર સામેલ છે. બંને દેશો માટે પોર્ટ, શિપિંગ સહિત ઘણા સેક્ટરો ઘણી બાબતે મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં યુદ્ધના કારણે બંને દેશોના વેપાર પર અસર પડવાની સંભાવના છે.

ત્રીજો ઝટકો : ભારતીય સ્ટોક માર્કેટ પર યુદ્ધની અસર

ભારતીય શેર બજાર (Indian Stock Market) પર આજથી જ યુદ્ધની અસર જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે સ્ટોક માર્કેટ ખુલતાં જ 450 પોઈન્ટનો કડાકો બોલાયો છે, જેના કારણે બીએસઈ માર્કેટ કેપિટલાઈઝેશન (BSE Market Capitalization) 4 લાખ કરોડ ઘટીને 316 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. એટલે કે થોડી મિનિટોમાં જ રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા છે. યુદ્ધના કારણે ક્રુડ ઓઈલની કિંમતો વધતા ભારતીય ઓઈલ કંપનીઓના શેરોમાં કડાકો બોલાયો છે, તો શિપિંગ સેક્ટર (Shipping Sector) સાથે સંકળાયેલી કંપનીઓના શેરોમાં પણ ધોવાણ થયું છે. ગત સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સ્ટોક માર્કેટ વધારા સાથે બંધ થયું હતું.

ચોથો ઝટકો : ...તો રશિયા-યુક્રેન યુદ્ધ જેવું સંકટ સર્જાશે

ભારત સહિત વિશ્વભરમાં યુદ્ધની અસર જોવા મળી રહી છે. વિશ્વભરની આયાત-નિકાસ પર યુદ્ધ લંબાવાની અસર પડી છે. ક્રુડ ઓઈલના સપ્લાયમાં અવરોધ ઉભો થઈ શકે છે અને સપ્લાય ચેન પ્રભાવિત થતા ઘણા જરૂરીયાતવાળા સામાન પર સંકટ મંડરાઈ રહ્યું છે. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વખતે સ્થિતિ ડામાડોળ થઈ હતી, તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.

ભારત-ઈઝરાયેલ વચ્ચે 6 લાખ કરોડનો વેપાર, હીરાનો કારોબાર સૌથી વધુ

ઈઝરાયેલમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. છેલ્લા ઘણા વર્ષોથી બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બનતી જઈ રહી છે ઉપરાંત વેપારની આયાત-નિકાસ પણ ખુબ વધી રહી છે. આ વર્ષે ઈઝરાયેલના રાજદુતે જણાવ્યું હતું કે, ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે વેપાર અગાઉ 5 બિલિયન ડૉલર હતો, જે વધીને 7.5 બિલિયન ડૉલર એટલે કે 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો થઈ રહ્યો છે. પોર્ટ, શિપિંગ સહિત ઘણા સેક્ટરોમાં બંને દેશો વચ્ચેનો વેપાર ઘણી રીતે મહત્વપૂર્ણ છે.

ભારત એશિયામાં ઇઝરાયેલનું બીજા ક્રમનું સૌથી મોટું વેપારી ભાગીદાર

ભારત એશિયામાં ઇઝરાયેલનું બીજા ક્રમનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને વૈશ્વિક સ્તરે 7મું સૌથી મોટું છે. બંને દેશો વચ્ચે મુખ્યત્વે હીરા, પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસાયણોની આયાત-નિકાસ સૌથી વધુ થાય છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે પોર્ટ શિપિંગ ઉપરાંત હીરાનો પણ વેપાર થાય છે. બંને દેશો વચ્ચેના કુલ વેપારમાં સૌથી વધુ હીરાનો વેપાર થાય છે. બીબીસીના અહેવાલો મુજબ બંને દેશો વચ્ચે વર્ષ 1990 સુધી વાર્ષિક 20 કરોડ ડૉલરનો વેપાર થયો હતો, જે વધીને હવે અબજો ડૉલર સુધી પહોંચી ગયો છે, જેમાં હીરાનો દ્વિપક્ષીય વેપારનો હિસ્સો લગભગ 50 ટકા છે. જાન્યુઆરી 2018માં ઇઝરાયેલના વડાપ્રધાને ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોએ સાયબર સુરક્ષા, તેલ અને ગેસ, સૌર ઉર્જા, અવકાશ વિજ્ઞાન, હવાઈ પરિવહન, દવાઓ અને ફિલ્મ નિર્માણ સહિત વિવિધ ક્ષેત્રોમાં 9 કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તો તાજેતરન વર્ષોમાં જ ઈલેક્ટ્રોનિક મશીનરી અને હાઈ-ટેક ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વેપારમાં વધારો જોવા મળ્યો છે. તો ઈઝરાયેલના તેલ અવીવમાં 2007માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ શાખા પણ ખોલેલી છે.

ભારત અને ઈઝરાયેલ વચ્ચે મુખ્ય આયાત-નિકાસ

ભારતથી ઇઝરાયેલમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, ઓટોમોટિવ ડીઝલ, રાસાયણિક અને ખનિજ ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ અને એપેરલ ઉત્પાદનો, બેઝ મેટલ્સ અને પરિવહન સાધનો, કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

ઇઝરાયેલથી ભારતમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, રાસાયણિક અને ખનિજ/ખાતર ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પેટ્રોલિયમ તેલ, સંરક્ષણ, મશીનરી અને પરિવહન સાધનોનો સમાવેશ થાય છે.

ભારતમાં ઇઝરાયેલનું રોકાણ

એપ્રિલ 2000 - માર્ચ 2023 દરમિયાન ભારતમાં ઇઝરાયેલનું સીધું FDI 284.96 મિલિયન યુએસ ડોલર હતું. ભારતમાં ઇઝરાયેલ તરફથી 300થી વધુ રોકાણો મુખ્યત્વે હાઇ-ટેક ડોમેન, કૃષિ સહિતના સેક્ટરોમાં છે. ઇઝરાયેલી કંપનીઓની પસંદગી ભારતમાં કૃષિ, રસાયણો સેક્ટરો ઉપરાંત રિન્યુએબલ એનર્જી, વોટર ટેક્નોલોજી, હોમલેન્ડ સિક્યુરિટી અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ વધી રહી છે.